હાથ સાઇકલ ચલાવીને આ અપંગ ડિલીવરી બોય હરેક ઘરે પહોંચાડે છે ખોરાક! વાંચો ઝોમેટોમેનની વાઇરલ વાત

Author: Kaushal Barad

ધંધો કોને નથી મળતો? જેને ખરેખર ધંધો કરવો નથી તેને! બેરોજગારી ક્યાં દેખાય છે? સવારે ઉઠીને શેરીમાં આંટો મારવા નીકળો તો દૂધવાળોની હાકલો સંભળાશે, શાકભાજીવાળી બહેન ‘દૂધી લઈ લો…ભીંડા લઈ લો…’ના પોકારો કરતી હશે, બંધ શટરની હેઠેથી છાપું સરકાવીને ફેરિયો જતો હશે; ગોંદરે જશો તો ગોવાળ ધણ લઈને ચાલી નીકળવાની તૈયારીમાં હશે, દાતણ વેચવાવાળી બાઈઓ ભારા લઈને આવતી હશે, અધરાપીયું જોડીને ખેડૂતો વાડી ઢાળા જતા હશે. આમાં ક્યાં દેખાઈ બેરોજગારી?

તો બેરોજગારી ખરેખર ક્યાં છે? એ સવારમાં ના દેખાય. એ તો દિ’ માથે આવે ત્યારે ઉઠે. પાનને ગલ્લે જાય. ગુટકા-તમાકુ ચાવીને કો’કની વંડીયું પવિત્ર કરે. ને પછી ઘરમાં જઈને પાછા ખાટલામાં ઊંધેમાથે થઈને મોબાઈલ ખોલીને બેસી જાય. ફેસબુકમાં જોઈ લે, ટિકટોક ખતારી લે ને પછી કાનમાં ભુંગળા ભરાવીને પબ્જી ચાલુ કરે. લાઇટનો એક દિ’નો કાપ હોય તો પાવર ખૂટવાનો થાય એટલે ‘મૂડ-ઓફ’ ના સ્ટેટ્સ મૂકે! પછી કરિયર વિશે ક્યારેક વિચાર આવે તો કે, અમારામાં ટેલેન્ટ છે પણ રોજગારીની તકો ક્યાં છે? તારી પથારીમાં…!

આવા લોકો માટે ઝોમેટોના એક ડિલીવરી બોયનો ઝજબો મોંઢા પર લેધરના જોડાની ઝાપટ જેવો છે. અગાઉ એક ડિલીવરી બોયનો ઝોમેટોના ફૂડને રસ્તામાં સ્કૂટર ઉભું રાખીને ચાખતો વીડિઓ વાઇરલ થયેલો. કંપનીની આલોચના સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ કરેલી. પણ હક્કીકત જુદી છે. એકાદ ડિલીવરી બોય વખાનો માર્યો ફૂડ ચાખી લે એટલે બધા કાર્યકરો ખરાબ હોવાના? કદાપિ નહી!

અહીં જેની વાત કરી છે એ ડિલીવરી બોય આપણા પબ્જીના કમાન્ડરોની માફક સાજોનરવો નથી. વિકલાંગ બોય છે! પગો ભરખાઈ ગયા છે. છતા આ યુવક હરેક ઘર પર હેમખેમ ડિલીવરી પહોંચાડે છે. પગે અપંગ આ યુવક ત્રણ પૈડાંવાળી બાવડાનાં બળે ચાલતી સાઇકલ લઈને પોતાને સોપેલું કામ પાર પાડે છે. વળી, લોકોને ફૂડ ટાઇમસર મળી રહે એ માટે હાથોને પુષ્કળ મહેનત આપીને હેંડલ જોરથી ફેરવીને સાઇકલ દોડાવે છે.

આ વ્યક્તિનું નામ જાણી શકાયું છે. રામુ નામ છે. પોતાની અક્ષમતાને જરા પણ બાધક ના બનવા દઈને આ રામુ મન લગાવીને કામ કરે છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિઓ વાઇરલ થયો છે. ઘણો જોવાયો. હરેક વ્યક્તિએ રામુના હોંસલાને બિરદાવ્યો. અમુક લોકો ઝોમેટોને પણ આવા લોકોને રોજગારી આપવા માટે બિરદાવે છે. જરૂરી છે!

રાજસ્થાનના નિવાસી તરીકે દર્શાવાતા આ ડિલીવરી બોયનો ટ્રેડિંગ બની ગયેલ વીડિયો અભિનેત્રી રવિના ટંડન પાસે પણ પહોંચ્યો. એમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝોમેટોને ટેગ કરીને આ વીડિયો પોસ્ટ પણ કર્યો. લખ્યું : ” લોકોનો ઉત્સાહ વધારવા માટે આપણે આવી જ કંપનીઓની જરૂર છે. સારું કામ કરતા રહો. ”

સલામ છે કઠણ કાળજાના રામૂને!

ગમ્યું? તો શેર કરવામાં શેહ કોની ને શરમ કોની!?

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here