દુલા ભાયા કાગની વાણી એટલે શબ્દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્ચે પણ કંઠસ્થની પરંપરા ગ્રંથસ્થના સામર્થ્યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્વ. ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી ચાલતું વહેતું ઝરણું. દુલા કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્કૃતની સાહિત્ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી અને ગોપાલનનો વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા.
દુલા ભાયા કાગનો જન્મ ભાવનગર જીલ્લાના મજાદર ગામે 25-11-1902 ના રોજ થયો હતો, આજે ‘કાગધામ’ તરીકે ઓળખાતા મજાદરમાં, ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમની રચનાઓ લોકબોલીમાં, તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચારપ્રેરક અને ચિંતનપ્રદ બોધ આપી જાય છે. માં વિશેની તેમની કેટલીક રચનાઓમાંથી લેવામાં આવેલા આ દુહા તેમના માતૃપ્રેમને સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક કહી જાય છે. કાગવાણી ના 1 થી 7 ભાગોમાં સંગ્રહાયેલું સાહિત્ય, તેની વાણી આપણી ભાષાની અમૂલ્ય મીરાત છે. માતૃવંદના માટે આ અઠવાડીયા માટે કાગવાણીથી સુંદર કોઇ પ્રસ્તુતિ હોઇ ન શકે.
કાગવાણી ની સમજવા જેવી વાતો.

ભૂખ લાગવી એ સામાન્ય વાત છે પણ એકવાર પેટ ભરીને જામી લીધા પછી પણ ખાવું એ વિકૃતિ છે અને જે પોતે ભૂખ્યા રહીને બીજાને ભરપેટ ખવડાવે એ સંસ્કૃતિ છે.
થાકેલા વ્યક્તિને ટૂંકો રસ્તો પણ લાંબો લાગે, ઊંઘ ના આવતી હોય એ વ્યક્તિને રાત પણ લાંબી લાગે અને ઉત્સાહ વગર સફળતા પણ બહુ દુર લાગે.
નથ નાખવાથી બળદ કાબુમાં આવે છે, અંકુશ કરવાથી હાથી કાબુમાં આવે છે, નમ્રતાથી વાત કરવામાં આખું વિશ્વ કાબુમાં થાય છે અને જો બુદ્ધિમન અને વિદ્વાનોને કાબુમાં કરવા માટે વિનયથી વાત કરવી પડે છે.
પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. તેમને કશું શીખવાડવું પડતું નથી.
ઊંટ ત્રણ વર્ષની ઉંમરે, ઘોડો પાંચ વર્ષની ઉંમરે, સ્ત્રીને તેર વર્ષની ઉંમરે અને પુરુષને પચ્ચીસ વર્ષની ઉંમરે જવાની આવે છે.
જેમ આખા જંગલનો નાશ કરવા માટે ફક્ત એક તણખો જ બહુ છે અને દરેક સારા કર્મોનું નાશ કરવા માટે ફક્ત એક પાપ જ બહુ છે તેમ તમારા કુળનો નાશ કરવા માટે ફક્ત એક કુપુત્ર જ બહુ છે.
એ ઘર સ્મશાન સમાન છે જે ઘરમાં રોજ સવારે ઘંટી કે વલોણાનો અવાજ નથી આવતો, જે ઘરમાં બાળકોની કિલ્લ્કારી નથી સંભળાતી, જે ઘરના પરિવારજનો વચ્ચે સંપ નથી, જે ઘરમાં કોઈ મહેમાનનું આવનજાવન નથી હોતું.
કર્મ પહેલાં કે જીવ?, બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આવા સવાલના જવાબ એ હોશિયાર અને મુર્ખ બંને વ્યક્તિ એ એકસરખો જ આપે છે.
જયારે રાત્રી સૂર્યને મળવા જતાં, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.
વ્યક્તિ ત્યારે બહુ દુખી થાય છે જયારે તેનો પાડોશી એ લડાયક હોય છે, ઘાસવાળું ખેતર એ પણ વ્યક્તિના દુઃખનું એક કારણ છે, ઘરમાં કોઈ વિધવા સ્ત્રીને જોવી એ પણ વ્યક્તિના દુઃખનું કારણ હોઈ શકે છે.
વધારે તારાઓથી ચંદ્ર એ છુપાઈ નથી જતો, ગમે એટલા વાદળ આવે તો પણ સુરજ છુપાઈ શકતો નથી, એકબીજાની સામે જોવો નહિ તો પણ પ્રેમ છુપાતો નથી એવી જ રીતે કપાળે ગમે એટલી રાખ લગાવો તોપણ ભાગ્ય બદલાતું નથી અને છુપાતું નથી.
જયારે પારસ પથ્થર એ તલવારને અડે છે અને તે તલવાર એ સોનાની બને છે તેમ છતાં તે તેની ધાર અને આકાર બદલતી નથી એવી જ રીતે કોઈ દુષ્ટ વ્યક્તિ એ સંતની પ્રસાદી લે છે અને તેનો સ્વભાવ બદલે છે પણ જયારે સમય આવે છે તેઓ પોતાનો સાચો સ્વભાવ બતાવે જ છે.
જયારે બે સગા ભાઈઓ લડે છે ત્યારે અને સો વર્ષનો વૃદ્ધ વ્યક્તિ એ વધારે જીવવા માટે દવા અને બીજા ઈલાજ કરાવે છે ત્યારે ઈશ્વર બહુ હસતા હોય છે.
સાપને ઘીનો દિવો, લોભી વ્યક્તિને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભી લોકોને કવિ એ દીઠો પણ ગમતો નથી.
સાપને મોરનું ગીત, કરજદારને લેણદાર, નોકરિયાતને તેમનો બોસ અને સ્વચ્છંદી બાળકને સ્કુલમાં ક્યારેય ગમતું નથી.
ફળ વિનાના વૃક્ષ પર પક્ષીઓ આવતા નથી, સેવકની જેમને પણ કદર નથી હોતી એ સેવક તેમને છોડી દે છે તેવી જ રીતે વૃદ્ધ થયેલા વ્યક્તિનો કુટુંબીજન ત્યાગ કરે છે.
જયારે ઉંદરના ઘરે મૃત્યુના ગાણા ગવાય છે ત્યારે બિલાડીના ઘરે ખુશીના ગીતો ગવાય છે, બસ આવું જ આપણા સંસારનું પણ છે.
ધરતી માતાનો ચમત્કાર તો જુઓ, આપણે ગમે તેવું ગંધાતું ગોબરું ખાતર આપીએ તો તે પણ ૪ મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે.
જેમ ખાંડના નાના નાના કણ એ ફક્ત કીડીઓ શોધી શકે છે, વાછરડી એ પોતાની ગાયને શોધી શકે છે, ગુનેગારોને ખબરીઓ શોધી શકે છે, એવી જ રીતે કર્મનું ફળ એ જે તે કર્મ કરનાર વ્યક્તિ જ્યાં હોય ત્યાંથી શોધી શકે છે.
સજ્જન વ્યક્તિ એ સુપડા જેવો હોય છે સારી વસ્તુને પોતાની પાસે રાખે અને ખરાબ બહાર ઝાટકી નાખે છે જયારે દુર્જન વ્યક્તિ એ ચારણી જેવો હોય છે ના રાખવાની વસ્તુ રાખે અને જે કામની વસ્તુ હોય તેને ત્યજી દે છે.
જુવાનીની કિમત ઘડપણમાં સમજાય, પૈસાની કિમત ગરીબીમાં સમજાય અને વધારે પડતું બોલવાવાળા વ્યક્તિ એ જીવનભર પસ્તાય છે.
વગર મહેનતે બનેલ ધનવાન, થોડા પાણી વાળી નાની નદી અને આકાશમાં ઉંચે ઉડતું પાંદડું એ પોતાની જાતને મહાન સમજે છે.
માતાની મમતા મૃત્યુ સુધી, વાસના એ અવતારો સુધી, નદીની હદ છે દરિયા સુધી પણ જીવનનો આખરી મુકામ છે ઈશ્વર સુધી.
વિદ્યાર્થીએ ભણવામાં, ખેડૂતને ખેતી કરવામાં, સ્ત્રીએ ઘી બનાવવા મુક્યું હોય એમાં અને યુવાનીની સાચવણીમાં ક્યારેય આળસ ના કરવી જોઈએ.
મોઢાથી પેટમાં ગયેલ ઝેર એ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે પણ જયારે લોકો એકબીજાના કાનમાં જે ઝેર નાખે છે તેનાથી અનેક વ્યક્તિઓ મૃત્યુ પામે છે.
જયારે બાળકએ માતાના ઉદરમાં હોય છે ત્યારે તેને જીવવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી, પણ આ વિશ્વમાં વ્યક્તિને જીવન પસાર કરવા, ખોરાક માટે કપડા માટે અને ઈજ્જત કમાવવા માટે બહુ મહેનત કરવી પડતી હોય છે.
જેમ ગધેડાને ખાંડ કડવી લાગે, તાવમાં સપડાયેલ વ્યક્તિને દૂધ કડવું લાગે એવી જ રીતે દુર્જન વ્યક્તિને સુવિચાર કડવો લાગે.
જેમ ભોગની પછી રોગ છે, વિલાસની પાછળ વિનાશ છે, દિવસ પછી રાત છે એવી જ રીતે જીવન પછી મૃત્યુ છે.
જીવનમાં સૌથી મુશ્કેલ કામ છે વચન નિભાવવું, અજાણી જગ્યાએ ફરવા જવું, સાચી દોસ્તી નિભાવવી, યુદ્ધમાં હાર ના માનવી, દુશ્મનોને માફ કરી દેવા અને ડરનો સામનો કરવો.
જયારે ઋતુ અને વૃક્ષ બંને બરાબર હોય ત્યારે જ સારા ફળ પાકે છે એવી જ રીતે જયારે મહેનત અને નસીબ ભેગા થાય ત્યારે યોગ્ય પરિણામ મળે છે.
માતા વગર બાળક રડે, માલિક વગર ઢોર રડે, ઘરે રહેવાથી ખેતર રડે, સાવધાની રાખ્યા વગરનો વેપાર રડે અને વેરવાળાનું જીવન રડે.
દૂધ ખરાબ થાય ત્યારે ખટાશ આવે, ખેતર ખરાબ થાય ત્યારે ખાર આવે, લોખંડ ખરાબ થાય ત્યારે કાટ આવે અને જયારે બુદ્ધિ ખરાબ થાય ત્યારે વ્યક્તિ રાવણ થાય.
છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ અને માન વિનાનો મહેમાન એ બધા સરખા ગણાય છે.
એવા લોકોને પોતાના મિત્ર ક્યારેય ના બનાવશો જે લોકો પોતાની પર દેવું હોવા છતાં અનોખા મોજશોખ કરતા હોય છે, જેની પાસેથી પૈસા ઉધાર લીધા હોય એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહિ, ખાસ મિત્ર પાસેથી સલાહ લેનાર અને તેની જ ખાનગી માહિતી એ બહાર લાવનાર વ્યક્તિ સાથે પણ ક્યારેય મિત્રતા કરશો નહિ.
દિવો એ પોતે પ્રગટીને બીજાને અજવાળું આપે છે, ઘટાદાર વૃક્ષ એ બીજાને છાયો આપવા તાપ સહન કરે છે, ફૂલો એ પોતાની સુગંધ ફેલાવવા માટે તાવડા પર ચડે છે એવી જ રીતે સજ્જન વ્યક્તિ એ બીજાને ખુશ રાખવા માટે પોતે દુઃખ સહન કરે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…