પુત્રના લક્ષણ પારણામાંથી જ જોવા મળે છે. મુંબઈના 13 વર્ષના એક બાળક પર આ કહેવત સાચી સાબિત થઇ છે. તેણે નાની ઉંમરમાં એક કંપની ઊભી કરી દીધી છે અને આ કંપની 2 વર્ષમાં 100 કરોડ રૂપિયાની કમાણીનો ટાર્ગેટ નક્કી કરી દીધો છે. એક બેન્કરને બાળકનો આ આઇડિયા એટલો શાનદાર લાગ્યો કે તે પોતાની નોકરી છોડીને તેની કંપનીનો સીઇઓ બનવા પણ તૈયાર થઇ ગયો. 8મા ધોરણમાં ભણતા આ બાળકનું નામ છે તિલક મહેતા, જેણે એક લોજિસ્ટિક કંપની ‘પેપર્સ એન પાર્સલ્સ’ની સ્થાપના કરી.
મુંબઈના સબઅર્બન એરિયામાં રહેતા તિલક મહેતાનું કહેવું છે કે તેને બિઝનેસ શરૂ કરવાનો આઇડિયા પોતાના પિતા પાસેથી મળ્યો. તેના પિતા વિશાલ મહેતા એક લોજિસ્ટિક કંપનીમાં ચીફ એક્ઝિક્યુટિવ હતા. કામ પરથી પાછા ફર્યા પછી તેમને થાકેલા-હારેલા જોઇને મન ઉદાસ થઇ જતું હતું. પિતાની તકલીફોને જોઇને તેને લોજિસ્ટિક સેક્ટરમાં બિઝનેસ શરૂ કરવાનો આઇડિયા મળ્યો.

‘પેપર્સ એન્ડ પાર્સલ્સ’ની શરૂઆત કરનારા તિલકે પોતાનો બિઝનેસ આઇડિયા વિશે બેન્કરને જણાવ્યું. બેન્કરને તેનો આઇડિયા એટલો સારો લાગ્યો કે તેણે પોતાની આટલી સારી નોકરી છોડીને કંપનીનો ચીફ એક્ઝિક્યુટિવ બનવા માટે તૈયાર થઇ ગયો. સાથે જ તેણે બિઝનેસ વધારવાના પ્લાનિંગ હેઠળ ડબ્બાવાલા સાથે હાથ મિલાવ્યો જેથી પાર્સલની ડિલિવરી દૂર સુધી પહોંચી શકે. 8મુ પાસ તિલકે પોતાના બિઝનેસની શરૂઆત કરતા પહેલા 4 મહિના સુધી તેના પર રિસર્ચ કર્યું. તેના પિતાએ પણ દીકરાને સપોર્ટ કર્યો. તેણે લોજિસ્ટિક સર્વિસની જાણકારીઓ તિલકને આપી. તેના પિતા વિશાલ મહેતા એક લોજિસ્ટિક કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ છે.
પાર્સલની ડિલિવરી માટે તિલકે 300 ડબ્બાવાળાઓને પાર્ટનર બનાવ્યા અને 200 લોકોને કામ પર રાખ્યા. ‘પેપર્સ એન પાર્સલ્સ’ દરરોજના 1200 પાર્સલ્સની ડિલિવરી કરે છે. એપ દ્વારા કોઇપણ કસ્ટમર પોતાનો ઓર્ડર આપી શકે છે. તે જ દિવસે બપોરે 2.30 વાગ્યા પહેલા ડિલિવરી થઇ જાય છે.
તિલકની લોજિસ્ટિક કંપની 3 કિલો સુધીના પાર્સલની ડિલિવરી કરે છે. કંપની 40થી 180 રૂપિયા જેટલું વજન પ્રમાણે ચાર્જ કરે છે.
બેંકની નોકરી છોડીને તિલકની કંપનીના સીઇઓ બનેલા ઘનશ્યામ પારેખે કહ્યું કે કંપનીનું લક્ષ્ય ઇંટ્રા-સિટી લોજિસ્ટિક માર્કેટના 20 ટકા હિસ્સા પર કબ્જો કરવાનું અને 2020 સુધી 100 કરોડ રૂપિયાનો રેવેન્યુ મેળવવાનું છે.