તક્ષશિલા અગ્નિકાંડ: આગમાં મોતને ભેટેલી આર્ટીસ્ટ ક્રિષ્નાની યાદમાં પરિવારે પક્ષીઓના માળાનું વિતરણ કર્યુ..

આગમાં મોતને ભેટેલી આર્ટીસ્ટ ક્રિષ્નાની યાદમાં પરિવારે પક્ષીઓના માળાનું વિતરણ કર્યુ.

શહેરના ઈતિહાસમાં 24 તારીખના કાળા દિવસ ગોઝારા દિવસે લાગેલી ભીષણ આગમાં 22 માસૂમો હોમાઈ ગયા. જેમાં આર્ટીસ્ટ ગર્લ તરીકે જાણીતી 21 વર્ષિય ક્રિષ્ના સુરેશ ભીકડીયાનો પણ સમાવેશ થાય છે. પરિવારને દીકરી ગુમાવ્યાનો વર્ણવી ન શકાય તેવો શોક છે. દીકરીના મોત બાદ તેની યાદો હંમેશ માટે કંડારી રાખવા માટે પરિવાર દ્વારા અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. પરિવારે હજારથી વધુ એક્રેલિકના ચકલીના માળાનું નિઃશુલ્ક રીતે વિતરણ કર્યું છે.

પરિવારે હજાર જેટલા માળા બનાવી દીકરીને જીવંત રાખી

એક્રેલિકના ચકલીના માળામાં દીકરીના યાદોને કંડારાઈ.

આગમાં પરિવારનો માળો વિખેરાયો

તક્ષશિલાની કાળમુખી આગ અગાઉ ભીકડીયા પરિવારનો 100 સભ્યોનો માળો હતો. પરંતુ આગમાં પરિવારે ક્રિષ્નાને ગુમાવતાં 99 પર આવી ગયો છે. આગમાં પરિવારે દીકરી ખોઈ પરંતુ બાગમાં કોઈ પક્ષી ઓછુ ન થાય તે માટે પરિવારે માળાનું વિતરણ શરૂ કર્યું છે.તક્ષશિલા ગેરકાયદે હોવાથી દુર્ઘટના બની તેવી વાતો વચ્ચે પરિવારે પક્ષીઓની સલામતી અને એક કાયદેસરનું ઘર આપવા માટે આ નવી પહેલ કરી છે.

દાદા સાથેનો ફોટો યાદ બની ગઈ

આર્ટીસ્ટ ગર્લ તરીકે ઓળખાતી ક્રિષ્ના મોર્ડન લાઈફ સ્ટાઈલ જીવતી હતી. બેરંગ કાગળના કેનવાસ પર પોતાની પીંછીથી કલરો પુરતી ક્રિષ્ના દુર્ઘટના પહેલાં સોમવારે આખું પરિવાર સાથે નવસારી ફાર્મ પર ગઈ હતી. હસમુખી સ્વભાવની ક્રિષ્નાએ દાદા-દાદીનો ફોટો પાડી લેવા કહેતા કહેલું કે, તમારી ગેર હાજરીમાં આ ફોટો યાદગાર રહેશે. પરંતુ તક્ષશિલામાં લાગેલી આગમાં હવે ક્રિષ્ના જ યાદ બની ગઈ છે.

પ્રાણી-પક્ષીઓ પ્રત્યે અપાર સ્નેહ હતો

સરથાણા જકાતનાકા ખાતે આવેલી રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતી ક્રિષ્નાને ભગવાન કૃષ્ણ પ્રત્યે અપાર શ્રધ્ધા હતી. એકાદશીના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી ફળાહારમાં લેવી પસંદ હતી. ક્રિષ્ના પ્રકૃતિ અને પ્રાણી પ્રેમી હતી.

તેણે એક બિલાડી પણ પાળી હતી. અને બિલાડીને કોઈ મારી ન નાંખે તેની પણ તે સંભાળ રાખીને ચિંતા કરતી હતી. પક્ષીઓ પ્રત્યે લગાવ રાખતી ક્રિષ્નાને પક્ષીઓ પણ યાદ કરે તે માટે માળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here