વહાલસોયા સંતાનોને ભારે હૃદયે વિદાય, પથ્થરદિલ માણસને પણ રડાવતો રૂદન

સોળે શણગાર સાથે વિદાય,જ્યાં લાડકવાયાઓની અર્થી ઊઠી ત્યાં સ્વજનો આક્રંદ સાથે ઢળી પડ્યાં. વહાલસોયા સંતાનોને ભારે હૃદયે વિદાય, પથ્થરદિલ માણસને પણ રડાવતો રૂદન. વાંકાચૂકા દાંત જોઇ પિતા ભારે આઘાત સાથે બોલી ઊઠ્યા કે, ‘હા, આ જ મારી ગ્રીષ્મા છે.

તક્ષશીલા આર્કેડની હોનારતમાં 16 બાળકો જીવતાં ભૂંજાઈ ગયા હતાં તેમાંથી એવી લાશો પણ હતી કે, જેને ઓળખવા પણ પરિવારજનો માટે ખુબજ કપરૂં અને કાળજું કંપાવનારુ હતું. ઠેર ઠેર લાશ ઘરમાં પડેલા હાડ-માસના લોચા પરની ઘડિયાળ, બુટ્ટી ને આધારે પરિવાજનો ઓળખ કરતાં હતાં. પરંતુ કમભાગી ગ્રીષ્મા જયસુખભાઈ ગજેરા જે કડોદરા રોડ 301, સરદાર પેલેસ ખાતે રહેતી હતી તેની લાશની ઓળખ તેના પિતાએ વાંકાચૂકા દાંત પરથી કરી હતી.!

ધોરણ 12 પછી ફાઈન આર્ટમાં તક્ષશીલા આર્કેડના ક્લાસીસમાં અભ્યાસ કરતી હતી મુળ સૌરાષ્ટ્રની વતની ગ્રીષ્મા શુક્રવારે ઘરેથી ક્લાસીસમાં ગયા બાદ તે પરત ફરી ન હતી તેથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો હાથ લાગ્યો ન હતો. ત્યારે આગ હોનારતની જાણ થતાં સોશિયલ મિડિયામાં પણ મેસેજ ફરતાં કરાયા હતાં તેમ છતાં કોઈ ઓળખ શક્ય થઈ ન હતી. તક્ષશિલા આર્કેડની આગમાં અન્ય બાળકો સાથે ગ્રીષ્મા પણ જીવતી ભૂંજાઈ ગઈ હતી.. તેની લાશને પોટલામાં સ્મીમેર હોસ્પિટલ ખાતે શબ ઘરમાં લવાઈ હતી. શરીરે સંપૂર્ણ બળી ગઈ હોય ઓળખ શક્ય બની શકી ન હતી.

પરિવારજનોએ શોધખોળ હાથ ધરવા છતાં કોઈ પત્તો લાગતો ન હતો. આખરે સ્મીમેરના શબ ઘરમાં અજાણી ક્ષતવિક્ષત બળેલી લાશો જોઈ હતી પણ કેમ કરી ને ઓળખી શકાય..! આ લાશો ભડથું થઈ ને હાડ-માસનો લોચો જ હતો. આખરે ત્યાંના તબિબની મદદથી પિતાએ પોતાની વ્હાલસોયી દિકરી ને ‘દાંત’ પરથી ઓળખી કાઢી હતી.! દિકરીના વાંકાચૂકા એકની પાછળ એક દાંત હોય દાંતની નિશાની પોતાની જ દિકરીની જણાતા પિતા બોલી ઉઠ્યા હતાં કે, ‘આજ મારી ગ્રીષ્મા છે. પિતા ચોધાર આંસુએ રડી ઉઠ્યાં સાથે પરિવારના આક્રંદથી ત્યાં હાજર સૌ કોઈની આંખોના ખૂણા ભિંજાઈ ગયા હતાં.

અઢી વર્ષની કર્ણવીએ ગ્રીષ્મા સાથે જવાની જીદ કરી અને…

સરદાર માર્કેટ પાસે સરદાર પેલેસ ખાતે રહેતા વિનય સીતાપરા ફોટો લેબ ચલાવે છે. તેમની અઢી વર્ષીય પુત્રી કર્ણવી પાડોશમાં રહેતી અને કલાસિસમાં ફ્રીલાન્સ કામ કરતી ગ્રિષ્મા સાથે ભળ‌ી ગઈ હતી. શુક્રવારે ગ્રિષ્મા કલાસિસમાં તેનું પેમેન્ટ લેવા માટે ઘરેથી નીકળતી હતી. ત્યારે માસુમ કર્ણવીએ સાથે જવાની જીદ કરી હતી. ગ્રિષ્માં પણ એક કલાકમાં પરત આવવાની હોવાથી તેણે કર્ણવીને સાથે લઈ લીધી હતી.

જોકે કલાસિસમાં પહોંચ્યા બાદ દુર્ઘટના સર્જાતાં માસુમ કર્ણવી પણ ગ્રિષ્માની સાથે ત્યાં ફસાઈ ગઈ હતી. નીચે લોકોનું ટોળું જોઈ લોકો કર્ણવીને ઝીલી લેશે તેવી આશાએ ગ્રિષ્માએ તેને નીચે ફેંકી હતી. પરંતુ લોકો તેને કોઈક કારણસર ઝીલી ન શકતા કર્ણવીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સ્મીમેર હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

માસુમ કર્ણવીના પિતાએ કહ્યું હતું કે સરકાર જે સહાય આપે છે એ સારી વાત છે જરૂરીયા મંદ વ્યક્તિને સારવારના ખર્ચમાં કામ લાગી શકે પરંતુ આવી સહાય આપવી જ ન પડે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ જેથી કોઈ પરિવારના લાડકવાયાઓનો જીવ ન જાય.

દીકરાનો ફોન આવ્યો ‘પપ્પા, આગ લાગી છે મને બચાવી લો’

મૃતક અંશના પિતા મનસુખ ઠુમ્મરે કહ્યું હતું કે, મારા દીકરાના 11 સાયન્સમાં 83 ટકા આવ્યા છે. ક્લાસીસમાં એનો આખરી દિવસ હતો મેં ના કહીં હતી કે આજે છેલ્લો દિવસ છે મેં ક્લાસમાં જવાની મનાઇ કરી. પણ એ માન્યો નહીં. ઘટના બની રહી હતી ત્યારે એનો કોલ આવ્યો કે પપ્પા અમે ફસાઈ ગયા છીએ. દાદર પર આગ લાગી ગઈ છે. તમે આવો પ્લીઝ પપ્પા, હું ઘટના સ્થળે પહોંચ્યો પણ મને અંશ દેખાયો નહીં. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટક્યા બાદ આખરે સ્મીમેરમાંથી મૃતહાલતમાં મળ્યો.

બન્ને બહેનપણીઓનો ક્લાસિસમાં પહેલો દિવસ જિંદગીનો છેલ્લો દિવસ બન્યો

વરાછા લંબેહનુમાન રોડ કાળીદાસ નગર ખાતે રહેતી વંશવી જયેશભાઈ કાનાણી (18) 12 કોમર્સ પરીક્ષા આપી હતી. ઇન્ટિરિયર ડિઝાઇનમાં રસ હોવાથી ઘર નજીક ત્રિકમ નગરમાં સર્વોદય કોમ્પલેક્ષમાં રહેતી રૂતૂ સંજયભાઈ સાકરીયા (19) સાથે કોચિંગ ક્લાસમાં પૂછપરછ માટે ગઈ હતી. રૂતૂએ વંશવીને તેની સાથે ક્લાસ જોઈન્ટ કરવા આગ્રહ કર્યો હતો. જેથી બન્ને બહેનપણીઓ શુક્રવારે ક્લાસમાં ગયા હતા. તેમણે શુક્રવારથી જ ક્લાસ જોઈન્ટ કરી લીધો હતો.

જોકે કલાસિસમાં બન્ને બહેનપણીઓને પ્રથમ દિવસ તેમની જીંદગીનો અંતિમ દિવસ બની ગયો હતો. વંશવીના પિતાએ જણાવ્યું હતું કે વંશવીનો ફોન આવતા હું ત્યાં દોડી જઇ પણ ફાયર બ્રિગેડે મને જવા દિધો ન હતો. રાત્રે હાથની ઘડિયાળ બુટ્ટી અને ડ્રેસ પર સ્ટોન લગાડેલા હતા તેના આધારે ઓળખ થઈ હતી. તેવી જ રીતે રૂતૂના પિતા સંજયભાઈએ પણ જણાવ્યું હતું કે રૂતૂએ ફોન કરી જણાવતા હું ત્યાં દોડી ગયો હતો પણ ત્યાં મને ઉપર જવા દીધો ન હતો. તેમણે રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ પાસે પુરતાં સાધનો જ ન હતા. જો પુરતાં સાધનો હોત તો અમારી દીકરીઓ બચી ગઈ હોત.

ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ, બે બિલ્ડરો હજી પણ ફરાર

આગની ઘટના અંગે પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદ યોજીને મીડિયાને જણાવ્યું હતું કે, ડ્રોઇંગ ક્લાસના સંચાલક ભાર્ગવ મનસુખ બુટાણી (ઉ.વ.26) (રહે. બાલકૃષ્ણ રો હાઉસ, મહાદેવ ચોક, મોટાવરાછા) ની ધરપકડ કરી છે. જ્યારે હરસુખ વેકરિયા(રહે. નિર્મળનગર સોસાયટી, સરથાણા) તથા જીગ્નેશ સવજી પાઘડાળ (રહે. ઉત્રાણ, મોટા વરાછા) આ ઘટના બાદ ઘર બંધ કરીને ભાગી ગયા હતા. બન્ને મોબાઇલ પણ બંધ આવે છે.

તક્ષશિલાનો માલિક અને વરાછાની એક જાણીતી સ્કૂલનો શિક્ષક હરસુખ વેકરિયા, જીગ્નેશ પાઘડાળ ભાગી ગયા. હાલમાં ક્રાઇમબ્રાંચે ટીમો બનાવીને તેના વતન ઉપરાંત મુંબઈ ખાતે તપાસ અર્થ મોકલી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે ભાર્ગવ બુટાણીએ જગ્યા ભાડેથી લઈને તેમાં ક્લાસિસ શરૂ કર્યા હતા. જોકે, તેમાં ફાયર સેફ્ટીની સુવિધા તેમ જ હવા-ઉજાસ માટે વેન્ટિલેશન, આગની ઘટના બને ત્યારે બહાર નીકળવાનો માર્ગ સહિતની સુવિધાઓ ન હતી. આ ઉપરાંત જેટલી જવાબદારી ભાડુઆતની છે એટલી જવાબદારી બિલ્ડિંગ-માલિકોની પણ છે.

63 ઓરિજીનલ માર્કશીટ પણ સ્વાહા થઇ ગઇ

વિદ્યાર્થિની જીનલ અશોકભાઈએ જણાવ્યું કે, અમારી ધો. 10 અને 12 ની માર્કશીટ ક્લાસિસમાં એડમિશન વખતે લીધી હતી તે પણ આગમાં સ્વાહા થઈ ગઈ છે. મારી જેમ અન્ય ફેશન ડિઝાઇનિંગ કોર્સ કરતા 60 અને જ્વેલરી કોર્સ કરતા 3 મળીને 63 વિદ્યાર્થીઓએ ધો-10 અને 12 ની ઓરિજિનલ માર્કશીટ પણ સંચાલકોને એડમિશન વખતે આપી હતી. જે માર્કશીટ પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે.

કોમ્પલેક્સમાં 4 શિક્ષકો ભાગીદાર હોવાની શંકા

તક્ષશિલા કોમ્પ્લેક્સના માલિક હરસુખ વેકરિયા વરાછા હીરાબાગ પી. પી. સવાણી સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષક છે. જ્યારે જીગ્નેશ સવજી પાઘડાળ બિલ્ડર છે. એવી પણ વાતો સામે આવી રહી છે કે આ કોમ્પલેક્સમાં અલગ-અલગ સ્કૂલોના ચાર શિક્ષકો ભાગીદાર હોવાની આશંકા છે.

ચોથા માળનું ભાડું 25 હજાર વસુલાતું હતું

ક્રાઇમબ્રાંચના સ્ટાફે જણાવ્યું કે ક્લાસિસ ચલાવતા ભાર્ગવ બુટાણી ચોથા માળનું દર મહિને 25 હજારનું ભાડું હરસુખ વેકરિયા અને તેના ભાગીદાર જીગ્નેશ પાઘડાળને આપતો હતો.

ક્લાસ ચલાવવા ફાયરનું એનઓસી જરૂરી

પોલીસ કમિશનરે જણાવ્યું કે હવે કોઈ પણ વ્યક્તિ ટ્યૂશન ક્લાસિસ ફાયરના એનઓસી વગર ચલાવી શકશે નહિ. પહેલાં ફાયરનું એનઓસી લીધા બાદ ક્લાસિસ ચાલુ કરી શકશે. સાથે એનઓસીની એક નકલ ક્લાસિસની બહાર દરવાજા પર ચોંટાડવાની રહેશે. જેની પાસે ફાયરનું એનઓસીની નકલ પણ દરવાજા પર ચોંટાડીને ટ્યૂશન ક્લાસિસ ચાલુ કરી શકે છે.

તંત્ર સામે લોકોમાં આક્રોશ, આરોપીઓ સામે બિનજામીનપાત્ર ગુનો નોંધાયો

તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ ભાજપ શાસકો અને તંત્ર સામે લોકઆક્રોશ ફાટી નીકળ્યો છે. આજે જિલ્લા વકીલ મંડળએ પણ કલેક્ટરને આવેદન આપીને જવાબદારો સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી. પોલીસે માત્ર બિલ્ડર અને ટ્યૂશન સંચાલક સામે ગુનો દાખલ કર્યો છે. જેની સામે સવાલ કરતાં વકીલોએ જણાવ્યું હતું કે, ફાયરનાં સાધનો ન હોવા છતાં બીયુસી આપનારા પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ ગુનો દાખલ થવો જોઇએ.

ગેરકાયદે ‌BUC આપનારા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ ગુનો નોંધો: વકીલો

દરમિયાન પોલીસે સમગ્ર કેસમાં ઇ.પી.કો. 304, 308 અને 114 કલમ લગાવવામાં આવી છે. જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. જોકે, શહેરીજનોનો રોષ જોતાં તમામ સામે સીધો સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવે એવી માંગ ઊઠી છે. આ માટે કાયદામાં ફેરફાર કરવો પડે તો સરકાર કરે એવી ડિમાન્ડ પણ પ્રબુદ્ધ નાગરિકો કરી રહ્યા છે.

જવાનોની ભરતીમાં કરાતાં કૌભાંડ કારણભૂત તાજેતરમાં જ ફાયરમાં પણ ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલમ 304 મુજબ આજીવન કેદની સજાની જોગવાઈ, જામીન નહીં

અગાઉ મેરિટના આધારે જવાનોને ફાયરની નોકરી મળતી હતી. જીવની પરવા કર્યા વગર ફાયર-ફાયટરો કૂદી પડતા હતા. પરંતુ જ્યારથી ભરતીમાં વહાલાદવલાની નીતિ અપનાવવામાં આવી છે ત્યારથી અયોગ્ય લોકો આ ફીલ્ડમાં આવી ગયા હોવા સહિતની અનેક ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે.

આ ગુનામાં કઈ કલમ હેઠળ કેટલી સજા

કલમ 304: સાપરાધ મનુષ્ય વધનો ગુનો, આજીવન કેદની સુધીની સજાની જોગવાઈ છે. જેમાં જામીન સુધ્ધાં મળતા નથી.

કલમ 308: આ કેસમાં સજાની જોગવાઈ સાત વર્ષની છે. પરંતુ સજા ઓછી હોવા છતાં આ કલમ સેશન્સ ટ્રાયેબલ છે. તેમાં પણ જામીનની જોગવાઈ નથી. આ ઉપરાંત મદદગારી માટેની 114 ની કલમ પણ લગાવવામાં આવી છે. જે હળવી છે.

સેફ્ટી વિનાની બીયુસી આપવાનું કૌભાંડ

આજે જિલ્લા કલેક્ટરને વકીલો દ્વારા આપવામાં આવેલા આવેદનમાં વકીલોએ જણાવ્યું હતું કે, ‘લો અને હાઈ રાઇઝ કમર્શિયલ પ્રિમાઇસિસમાં શાળા, ટ્યૂશન ક્લાસસ, હોટલ, રેસ્ટોરાં, હોસ્પિટલ જેવી જાહેર જગ્યાએ ફાયર સેફટીનાં સાધનો વિના જ પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ બીયુસી આપી દે છે. જેના કારણે આવી ઘટનાઓ બને છે. શહેરમાં આવી અનેક બિલ્ડિંગો છે.

જ્યાં ફાયર સેફટીનાં સાધનો નથી. નવાઈની વાત તો એ છે કે ચાર માળ સુધી પહોંચી શકે એટલાં સાધનો પણ પાલિકા પાસે નથી. એક નેટ પણ ન હતી. જેથી કૂદતા લોકોને પણ બચાવી શકાય. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવાનાં કોઈ સાધનો પાલિકા પાસે નથી જે દુ:ખની વાત છે.’

4 માળ સચવાતા નથી અને 24 માળનાં સપનાં

હાલ શહેરમાં 22 થી 24 માળ સુધીની બિલ્ડિંગો બની રહી છે. ત્યારે વકીલો સવાલ ઉઠાવ્યા હતા કે આગ જેવી જો કોઈ આવી ઘટના વખતે લોકોને બચાવવા માટેનાં સાધનો પણ તંત્ર પાસે હોવા જરૂરી છે. જે ઉપકરણો પાલિકાએ તરત જ વસાવી લેવા જોઇએ.

15 મીટરથી ઓછી બિલ્ડિંગની હાઇટ હોય તો ફાયર સેફટીની જરૂર નથી

ચીફ ફાયર ઓફિસરે આ ગંભીર ઘટનામાં છટકવાનો પ્રયાસ કરતાં જણાવ્યું કે નિયમ મુજબ 15 મીટર નીચેની બિલ્ડીંગની હાઇટ હોઇ તો ફાયર સેફટીની જરૂર નથી. જેથી તક્ષશીલા આર્કેડને ફાયર સેફટીના સર્વેમાં નોટીસ અપાઇ ન હતી. પરંતુ મહત્વની વાત એ છે કે કોર્મશીયલ બિલ્ડીંગોમાં કોચિંગ કલાસીસ, હોસ્પિટલો, કલીનક, સ્કૂલો ધમધમી રહી છે ત્યાં લોકોની અવરજવર વધુ હોવાથી ફાયર સેફટીના સાધનો લગાડવા જરૂરી છે.

ચીફ ફાયર ઓફિસર બસંત પરિકનો લૂલો બચાવ

પરંતુ માત્રને માત્ર હાઇટના નિયમને જોઇને તક્ષશીલા બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનોનો સર્વે કરાયો ન હતો. જે ખૂબ જ ગંભીર બાબત છે. આ અંગે મ્યુ.કમિશનરે જણાવ્યું હતું કે, આ નિયમ તો છે પરંતુ કોચિંગ ક્લાસીસોમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હોઇ તો ફાયર સેફટી ફરજીયાત હોવી જોઇએ. અત્રે ઉલ્લેખનિય છે કે, બસંત પરિખે કરાયેલા સરવે માત્રને માત્ર 15 મીટરથી ઉંચી ઈમારતોમાં જ કરવામાં આવ્યો છે નીચી બિલ્ડીંગોને સરવેમાંથી બાકાત રાખવામાં આવી છે. શહેરમાં હજારો ટ્યુશન ક્લાસીસો છે પરંતુ પાલિકાના સરવેમાં માત્ર 235 ના જ આંકડા દર્શાવતાં હોય સરવેમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું જણાય છે.

આગમાં બચી ગયેલા લોકની આપવીતી વાંચો એમના જ શબ્દોમાં

કૂદવાનો પ્રયાસ કરતો હતો અચાનક અંધારું થઈ ગયું

ત્રીજા માળેથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા અને સ્પાર્કલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હર્ષ પરમાર (19) એ જણાવ્યું હતું કે હું અન્ય વિદ્યાર્થીઓ સાથે ક્લાસમાં હાજર હતો. અચાનક ધુમાડો આવવા માંડતા અમે જે ક્લાસમાં વૅન્ટિલેશન હતું ત્યાં પહોંચી ગયા. પણ ત્યાં પણ ધુમાડો વધવા માંડયો. શ્વાસ લેવામાં તકલીફ થવાં માડી. અમારી સાથેના એક છોકરાએ ઉપરથી કુદકો મારી દીધો.

પછી હું પણ સલામત રીતે કુદવાનો પ્રયાસ કરતો હતો. ત્યાં અચાનક મારા મોંઢા સામે ધુમાડો આવ્યો અને અંધારુ થઈ ગયું. હાથમાં બેનર આવ્યું હતું તે તુટી જતા હું તેની સાથે નીચે પટકાયો હતો. મને સારવાર માટે લઈ જતા હતા ત્યારે કોઈકને મારા ઘરનો નંબર આપ્યો હતો. ત્યાર બાદ બેભાન થઈ ગયો હતો.

દુકાનની અંદર હતો ત્યારે કોઇએ બહારથી શટર બંધ કરી દીધુ

હું ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાનમાં કલેક્શન માટે ગયો હતો.જેને મળવાનું હતું એ ભાઈ સામેની કોઈ દુકાનમાં ગયા હતા.અચાનક જ આગ લાગી હોવાનું જણાતા દુકાનમાં હાજર માણસે શટર અંદરથી બંધ કરી દીધું. થોડી જ ક્ષણોમાં શટર સળગવા લાગ્યું અને ગરમી વધતા અને અંધારાને લીધે મારી હાલત બગડી ગઈ.

આગ લાગ્યાને 30 મિનિટ બાદ ફાયર વિભાગ આવ્યું.મને બહાર કાઢ્યો. સદ્નસીબે હું બચી ગયો પણ કેટલાક કમભાગી બાળકો ન બચી શક્યા. વિડીયો જોઈ મારું દિલ દ્રવી ઉઠ્યું છે. ઘટનામાં જવાબદાર લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી દાખલો બેસે.આ ગંભીર પ્રકારની બેદરકારી છે. – દિપક શાહ

મારા મિત્રો બળી ગયા, એમને ન્યાય મળે એ જ મારી ઇચ્છા

હજી ઘટના મારી આંખ સામે રમી રહી છે. પપ્પાને આર્થિક મદદ કરવા માંગતી હતી.એક વર્ષથી જ્વેેલરી કોર્સ કરતી હતી અને 7 દિવસ બાદ નોકરી પણ પાકી થઇ ગઈ હતી. પણ સર્ટિફિકેટ આગમાં બળી ગયું અને સાથે જ મારા સપનાઓ પણ ,મને ઘટના ભૂલતા સમય લાગશે.મારા પપ્પા હીરાના કારખાનામાં નોકરી કરે છે.

અહીં 55,000 રૂપિયા ભર્યા હતા એ પણ કલાસ સળગી જતા હવે અર્થ વગરના થઇ ગયા છે. ઘટના પાછળ જે જવાબદાર હોય એને જલ્દી સજા થવી જોઈએ. મારી સાથે ક્લાસમાં આવતા કેટલાક મિત્રો તો હવે દુનિયામાં નથી રહ્યા પણ એમને ન્યાય મળવો જોઈએ. – આરઝૂ કિશોર ખૂંટ, (20)

મેં મારી આંખની સામે જ મોતનું તાંડવ જોયું

લગભગ 4 વાગ્યાની આસપાસ કલાસના મુખ્ય દરવાજા પાસે ધુમાડો દેખાવા માંડ્યો હતો. અમે ગભરાઈ ગયા, 7 થી 8 વિદ્યાર્થીઓ કાચ તોડી નીચે કૂદી પડયા. આગના પ્રેશરને લીધે દરવાજાનો કાચ તૂટી ગયો ડરેલા વિદ્યાર્થીઓ કુદવા માંડયા હતા.

ઘટનામાં જે નથી રહ્યા એમના પરિવાર પર શું વીતતી હશે હું સમજી શકું છું.મેં મારી આંખ સામે મોતનું તાંડવ જોયું છે.જવાબદારોને સજા થવી જ જોઈએ. – રેંસી પ્રકાશ (18)

આ ગોઝારી યાદો મન પરથી કદી નહીં ભુંસાય

રોજની જેમ જ બધા પોત પોતાના કામમાં વ્યસ્ત હતાં. ફાયર સેફટી ન હોવાથી આગ વિકરાળ બની. અંદાજે પોણા પાંચે અચાનક કલાસમાં ધુમાડો ઘુસવા માંડ્યો. અમારા આખા ફ્લોરમાં ધુમાડો જ હતો. બધા જ ગભરાયેલા હતા. મારું કિસ્મત છે કે હું બચી ગયો પણ અન્યો સાથે જે થયું એ બહુ દુઃખદ છે. ઘટનામાં કડકમાં કડક સજા થવી જોઈએ. હું કદી આ ગોઝારી યાદને મન પરથી ભૂંસી નહિ શકીશ. – ઋષિત અરવિંદ વેકરીયા (16)

હવે અનસેફ બિલ્ડિંગને સીલ કરવા નીકળ્યા

અત્યાર સુધી જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેના સંચાલકોને માત્ર નોટિસ આપી સંતોષ માની લેનારું વહીવટી તંત્ર હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા નીકળ્યું હોય તેમ જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સગવડ ન હોય તો તુરંત જ સીલ કરી દેવામાં આવશે. જ્યારે તે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ રજૂ કરશે ત્યારે તેના પરથી સીલ દૂર કરવામાં આવશે. આ કામગીરી સુરત જિલ્લામાં કરાશે.

કલેક્ટર ડો. ધવલ પટેલે આપેલી માહિતી મુજબ શનિવારે બપોરે મહેસૂલી અધિકારીઓની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ મળી કુલ 11 ટીમો બનાવવામાં આવી છે. જે કોમર્શીયલ કોમ્પ્લેક્સ સાથે તેમાં ચાલી રહેલી હોટલ, ક્લાસિસ, કોર્પોરેટ ઓફિસ સહિતની ઓફિસો પણ ચેક કરશે.

ટીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ મળી 11 ટીમો બનાવી જિલ્લામાં ચેકિંગ હાથ ધરાયું: કલેક્ટર

જો ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તો તાત્કાલિક અસરથી તે જ વખતે બિલ્ડિંગ અથવા તો જે તે ઓફિસ સીલ કરી દેવામાં આવશે. જ્યારે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર રજૂ કરે ત્યારે જ સીલ દૂર કરવામાં આવશે. તેમણે કહ્યું કે સુરત જિલ્લાના તમામ બિલ્ડિંગની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ 11 ટીમો કાર્યરત રહેશે. સુરત જિલ્લામાં આવાં મોટાં કોમ્પ્લેક્સ સૌથી વધુ ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, કીમ, સાયણમાં છે. આ તપાસ સમિતિએ શનિવારે બપોરથી જ ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here