આગથી બચવા બાળકો એકબીજાંને ભેટ્યાં, મોત બાદ પણ વિખૂટાં ન પડ્યાં, ઘડિયાળ-વીંટીથી ઓળખાયાં

મીટરપેટીમાં લાગેલી આગે વિકરાળરૂપ ધારણ કરી લીધુંબાળકો કૂદી પડ્યા પછી ફાયરની લાઇન લાગીફાયરની લાચારી: હાઇડ્રોલિક પ્લેટફોર્મ સમયસર નહીં આવતાં વિદ્યાર્થીઓ ચોથા માળેથી કૂદ્યા કરૂણ ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગિયોના મૃતદેહો હોસ્પિટલમાં કતારબદ્ધ મૂકાયા હતા.

સુરત: સરથાણા જકાતનાકા પાસે પ્રાણી સંગ્રહાલયની બાજુમાં, નિર્મળનગરના કોર્નર પર આવેલા તક્ષશિલા આર્કેડ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગ્યે આગ લાગી હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ક્લાસિસમાં ભણતાં વિદ્યાર્થીઓ સહિત 16 વ્યક્તિઓ જીવતાં જ ભડથું થઈ ગયા હતા. જ્યારે ગૂંગળાઈ જવાથી કે જીવ બચવા માટે કૂદી પડેતાં 4 લોકો સહિત 19 વ્યક્તિના મોત થયા હતાં.

બેઝમેન્ટથી ત્રણ માળ અને ડોમ સહિતના આખા બિલ્ડિંગમાં આગ ફેલાઈ જવાને કારણે ત્રણ માળના તક્ષશિલા આર્કેડના બહાર નીકળવાના ગેટને પણ ઝપેટમાં લઈ લીધો હતો. ગેરકાયદે ત્રીજા માળે ચાલતાં ક્લાસિસમાં જવા માટે માત્ર ત્રણ ફૂટની લાકડાની સીડી જ હતી. આવવા-જવાની એક માત્ર સીડી પણ સળગવા માંડતાં કોમ્પ્લેક્લમાં ફસાયેલા 40થી વધુ લોકો માટે જીવ બચાવવા બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો.

પરિણામે બીજા માળે ક્લાસિસમાંથી ત્રીજા માળની ઉપર ટેરેસ પર ભાગ્યા હતા. એટલામાં આગની જ્વાળાઓ છેક ટેરેસ સુધી પહોંચી જતાં ભાર્ગવ બુટાણીના સ્માર્ટ ડિઝાઇન સ્ટુડિયો ક્લાસિસના 12 વિદ્યાર્થીઓએ તો જીવ બચાવવા માટે ત્રીજા માળેથી છલાંગ મારી દીધી હતી. છલાંગ લગાવનારાઓમાં એકનું મોત થયું હતું જ્યારે 11 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. આ ઘટનાને પગલે મોડીરાત્રે વરાછઆમાં પથ્થરમારો થયો હતો.

ફાયરની લાચારી: હાઇડ્રોલિક પ્લેટફોર્મ સમયસર નહીં આવતાં વિદ્યાર્થીઓ ચોથા માળેથી કૂદ્યા

શુક્રવારની નમાઝ પૂરી થઈ ને કોલ આવ્યો, પાંચ કિલોમીટર દૂરથી ધુમાડા જોયા.

આજે શુક્વારનો હતો, હું નમાઝ પઢીને સાડા ત્રણ કલાકે મસ્જિદની બહાર નીકળ્યો ને કોલ આવ્યો કે સરથાણામાં આગ લાગી છે. આથી હું રિપોર્ટિંગ માટે તરત જ રવાના થયો. સ્થળથી પાંચથી છ કિલોમીટર દૂર હતો ને ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળતા હતા. તક્ષશિલા આર્કેટ પાસે પહોંચ્યો તો લોકોની બચાવો… બચાવોની દર્દનાક ચિચિયારીઓ ગૂંજતી હતી.

સમગ્ર બિલ્ડિંગને આગે પોતાના સપાટામાં લઈ લીધી હતી. બિલ્ડિંગ જાણે આગનો ગોળો બની ગઈ હતી. આગથી બચવા માટે અનેક તરુણો, યુવાનો બારીમાં રીતસરના ટીંગાઈ ગયા હતા. જીવ બચાવવા માટે તેઓ કૂદી રહ્યા હતા. નીચે ઊભેલા લોકો બૂમો પાડતા હતા કે ન કૂદો, પરંતુ ઉપર ફસાયેલા લોકો પાસે કોઈ વિકલ્પ જ ન હતો. તેઓ આગમાં મરવાની જગ્યાએ કૂદીને પોતાનું નસીબ અજમાવવા માગતા હોય એમ એક પછી એક ટેરેસ પરથી મોતનો ભૂસકો મારી રહ્યા હતા.

હું ત્યારે વિચારી રહ્યો હતો કે ફાયર ફાયટર ક્યાં છે. હાઇડ્રોલિક ક્રેઇન ક્યાં છે. હમણાં જો કોઈ નેતા ફસાયા હોય તો કેવા તરત જ હેલિકોપ્ટર પણ આવી જાય, આર્મી આવી જાય, પરંતુ અહીંથી મિનિટોમાં લાશોના ઢગલા ખટકાઈ ગયા પરંતુ કોઈ ફરક્યું નહીં. મારી અત્યાર સુધીના રિપોર્ટિંગ કેરિયરમાં મેં આવી ઘટના જોઈ નથી. આગ તો અગાઉ પણ આ શહેરમાં લાગી છે. જોકે, કૂદીને મરનારાઓ આટલા લાચાર મેં ક્યારે ય જોયા નહતા.

હીરો: જીવ જોખમમાં મુકી 2 ને બચાવ્યા.

આગ લાગતા એક યુવક દોરડા દ્વારા ત્રીજા માળે આવી ગયો હતો. અને ત્યાંથી ચોથા માળેથી કુદતા 4 લોકને તેણે બચાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાંથી બેને જીવ તે બચાવી શક્યો હતો.

આ રહી ગંભીર બેદરકારીઓ

5 મિનિટનો રસ્તો અને ફાયરને આવતાં 40 મિનિટ લાગી જ્યાં આગ લાગી ત્યાંથી કાપોદ્રા ફાયર સ્ટેશન 5 મિનિટ દૂર છે. ત્યાંથી ફાયરની ગાડીઓ આવતા 40 મિનિટનો સમય લાગી ગયો હતો. જોકે, તેમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મ ન હતું. આ ગાડીઓ માનદરવાજાથી મંગાવવામાં આવી હતી. જે પહોંચતાં જ 40 મિનિટ થઈ ગઈ હતી.

લાશ એટલી હદે બળી ગઇ કે વાલીઓ ઓળખી પણ ન શક્યા

ઘટના બાદ એક પછી એક મૃતકોની લાશો સ્મીમેર હોસ્પિટલમાં આવવા લાગી હતી.સ્મીમેર હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.બાળકોના પરિચિતો બાળકોને શોધવા સ્મીમેર હોસ્પિટલ આપવા લાગ્યા હતા અને આમ તેમ ફાંફા મારવા લાગ્યા હતા. સ્મીમેર હોસ્પિટલ પણ માત્ર ઇજાગ્રસ્તોની જ યાદી આપી શકે એ સ્થિતિમાં હતી.

સંપૂર્ણ સળગી ગયેલી લાશોની ઓળખ કરવી મુશકે હોય પીએમ રૂમમાં જ લાશોને સ્ટ્રેચર પર લાઈનસર મૂકી દેવામાં આવી હતી અને પરિજનો પોતાના વ્હાલસોયાઓની લાશ ઓળખવા મથામણ કરી રહયા હતા. હૈયાફાટ રુદન અને ગમગીન વાતાવરણ વચ્ચે કલેકટર ધવલ પટેલ અને સુરતના સાંસદ દર્શના જરદોશ સહિતનાઓ સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા.આખરે મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવી પહોંચ્યા હતા અને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ગુરુવારે પુત્રીને ડ્રોઇંગ ક્લાસમાં એડમિશન અપાવ્યું ને શુક્રવારે તેની લાશ આવી: માતાનું હૈયાફાટ રુદન

માતાપિતાની એકની એક લાડકવાયી દીકરીને ડ્રોઇંગ શીખવાનો શોખ હતો એટલે માતા-પિતાએ તેની ઇચ્છા પૂરી કરવા માટે ગુરુવારે ડ્રોઇંગ ક્લાસમાં એડમિશન અપાવી પહેલાં દિવસે ક્લાસિસમાં મોકલી અને શુક્રવારે ક્લાસિસમાંથી લાશ આવી. આ તો કુદરતની કેવી કરુણતા, સ્મીમેર હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કરતાં દીકરીની માતાએ કહ્યું હતું કે, હે ભગવાન, મારી દીકરીનો શું વાંક હતો, મને જો ખબર હોત તો હું આ ડ્રોઈંગ ક્લાસમાં મોકલતે જ નહિ, પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા જયેશ કાનાણીને સરથાણા તક્ષશિલા કોમ્પ્લેક્સની આગની ઘટનાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

જોકે દીકરી ન મ‌ળતાં 4 જેટલી હોસ્પિટલો ખૂંદી નાખી છતાં કોઈ વાવડ મળ્યા ન હતા. આખરે તેઓ સ્મીમેર હોસ્પિટલમાં લાશ જોવા ગયા હતા. જ્યા દીકરીની લાશ જોઈને માતા-પિતા સહિત પરિવારજનોએ હૈયાફાટ આક્રંદ કરતાં આખી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. વંશી જયેશભાઈની એકની એક દીકરી હતી અને તેનો એક નાનો ભાઈ છે જેમણે ધો-10ની પરીક્ષા આપી છે.

સામેથી દોડીને આવેલા બે મિત્રોએ 3 ને બચાવ્યાં

આગની ઘટના બાદ ધુમાડા જોઇને ઘટનાસ્થળની સામે જ ઓફિસ ધરાવતા જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા લાલજીભાઈ અને તેમના મિત્ર જૈમિનભાઈ સવાણી દોડીને સીધા જ ત્યાં પહોંચી ગયા હતા. આ બન્ને પહોંચ્યા તે વખતે ઉપરથી વિદ્યાર્થીઓ કૂદી રહ્યા હતા.

આ બન્નેએ ત્રણ વિદ્યાર્થીઓને ઝીલી લીધા અને બચાવી લીધા પરંતુ 22 વર્ષીય ક્રિષ્ના સુરેશ વેકરિયાને વધુ વજનને કારણે ઝીલવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. તે હાથમાંથી નીચે પડી તેમના માથામાં ટેબલનો ખૂણો વાગ્યો ને તે મોતને ભેટી. ક્રિષ્ના વેકરિયા અહીં ચાલતા ડ્રૉઇંગ કલાસિસમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. તેમની સાથે અન્ય ચાર યુવતીઓ ગ્રિષ્મા, રુમિ બલર, કૃતિ અને એશા પણ હતી.

ફાયરની ગાડીઓ મોડી આવી, સ્થાનિકોએ સીડી મૂકીને 22 જણાનો જીવ બચાવ્યો

હું ક્રિએટિવ ઈન્સ્યુટ્યુટમાં નોકરી કરૂ છું. નજીકમાં એક હોડિંગમાં આગ લાગી હતી. જેના કારણે આગની જવાળાઓ અમારા કોમ્પ્લેક્ષ પણ આવી ગઈ હતી. અમારી ઓફિસમાં બીજા માળે 10 થી 15 કર્મચારીઓ હતા. જયારે ત્રીજા-ચોથા માળે પણ મોટી સંખ્યામાં લોકો ફસાયા હતા. મારા મોબાઇલથી ફાયરને 4.05 કોલ કર્યો હતો. છતાં ફાયરની ગાડીઓ 30 મિનિટ મોડી આવી હતી. જેના કારણે સ્થાનીકો લોકો અમારી મદદ માટે દોડી આવ્યા હતા.

સ્થાનીકોએ સીડી મુકીને અમને બધાને બહાર કાઢયા હતા. જેમાં સીડી પહેલા માળ સુધી પહોંચી શકે એટલી લંબાઈ હતી જેના કારણે અમે લોકોએ કૂદકો મારી પહેલા માળે ગયા અને ત્યાંથી સીડી પરથી સ્થાનીકોએ અમને 15 જણાને સહીસલામત બહાર કાઢયા હતા. જયારે મારા સાહેબ જતીન નાકરાણીએ ત્રીજા માળે ફસાયેલા 7 જેટલા બાળકોને બચાવ્યા હતા. અમારા સાહેબ જીવ જોખમમાં રાખીને બાળકોને બહાર કાઢયા હતા. આગને કારણે અમારા સાહેબ નાકરાણીને ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં આઇસીયૂમાં દાખલ કરાયો છે. – કાજલબેન પટેલ

CM એ નવરંગભાઈના સાહસને બિરદાવ્યો

પ્રત્યદર્શી મહેશ વાધાણીના જણાવ્યા અનુસાર ચાર વાગ્યાની આસપાર ભભુકતી આગને જોઇને સામેની તરફથી અમે પાચ છ જણા દોડી આવી જ્યાં બાળકો કુદકા મારતા હતા ત્યાં ચાદર લઇને પહોંચી ગયા હતા. અને ચોથા માળેથી કુદેલા બાળકોને ઝીલવાનો પ્રયત્ન કર્યો હતો.

જેમાંથી કેટલાકને ગંભીર ઇજા નડી છે. અમે અમારી રીતે બાળકોના જીવ બચે તેવા પ્રયાસો કર્યા હતા. નવરંગભાઇ કોઇ કામ અર્થે સરથાણા તક્ષશિલા કોમ્પેલેક્ષમાં આવ્યા હતા. તે જ સમયે કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આગમાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું માલુમ પડતા જ નવરંગભાઇએ પોતાના માથા વડે કાચ તોડીને વિદ્યાર્થીઓને બચાવ્યા હતા. જોકે બાદમાં આગની જ્વાળાથી તે પણ દાઝી ગયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવરંગભાઇના આ સાહસને બિરદાવી હતી.

સ્વયમેવ જયતે ગ્રુપના સભ્યો બ્લડ ડોનેટ માટે ઊમટી પડ્યા

પાષણ હૃદયના માનવીને પણ હચમચાવી નાખે તેવી આગની ઘટનામાં ઇજાગ્રસ્તોની સેવામાં ખડેપગે ઉભા રહીને વરાછાની સ્વયમેવ જયતે ગૃપે માનવતા મહેકાવી હતી.ગૃપના સંજય હિરાણીએ જણાવ્યું હતુંકે, ઘટનાની જાણ થતા જ તમામ સભ્યો એકત્ર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તોને સ્મીમેર, પી.પી.સવાણી હોસ્પિટલ અને સ્પાર્કલ હોસ્પિટલમાં આ ગૃપના 50 50 જેટલા સભ્યો એકત્ર થઇ ગયા હતા અને બ્લડ આપવા ઉપરાંત ઇજાગ્રસ્તો માટે કોઇ પણ સેવા આપવા માટે તત્પરર્તા બતાવી હતી.

શબવાહિની ખૂટી પડતાં 108 માં મૃતદેહો લઇ જવાયા

ઘટનામાં 19 ના મોત થઈ ગયા હતા. જેને સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ સુધી લઈ જતાં શબવાહિની ખૂટી પડી હતી. જેથી ઘણી લાશને 108માં લઈ જવાય હતી.

એફએસએલની મદદથી તપાસ કરાશે: કલેક્ટર

કલેક્ટર ડો. ધવલ પટેલનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે સત્તાવાર રીતે 19 લોકોનાં મોત થયાં છે. આગ લાગવાનું કારણ શું અને કોની બેદરકારી હતી? એ મુદ્દે વિસ્તૃત તપાસ કરાશે જેમાં એફએસએલની પણ મદદ લેવામાં આવશે. તપાસ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેનું નેતૃત્ત્ત્વ અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પુરી સંભાળશે.

6 ના મામલતદારને જુદી જુદી હોસ્પિટલની જવાબદારી સોંપાઈ

કલેક્ટરે અલગ અલગ પાંચ હોસ્પિટલ પર નાયબ મામલતદારને જવાબદારી સોંપી દીધી હતી. એ સાથે જ પાંચેયના સંકલનમાં રહેવાની છઠ્ઠા નાયબ મામલતદારને જવાબદારી સોંપી છે. બી.પી. બારૈયા-સ્પાર્કલ હોસ્પિટલ, વરાછા, એસ.એમ. વાઘાણી, નવી સિવિલ હોસ્પિટલ, શાશ્વત ભટ્ટ, કિરણ હોસ્પિટલ, કતારગામ, એચ.એચ. કાકલોતર, પી.પી. સવાણી હોસ્પિટલ, વરાછા અને બી.એલ. પટેલ, સ્મીમેર હોસ્પિટલનો સમાવેશ થાય છે.

સેફ્ટી વગરના કોચિંગ ક્લાસો બંધ કરવા પાલિકાનો આદેશ

સરથાણાની તક્ષશિલા આર્કેડની ગંભીર ઘટનાને પગલે શહેર હચમચી ગયું છે. પાલિકા કમિશનરે શહેરના તમામ ટ્યૂશન ક્લાસિસના સંચાલકોને બાળકોના હિતમાં આદેશ જારી કર્યો છે અને ફાયર સેફ્ટી વગરના તમામ કોચિંગ કલાસ ફાયર સેફટી ઉપલબધ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા હુકમ કર્યો છે.

લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો: સાંસદની કારને ઘેરી વળ્યા

આગની આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોમાં પ્રચંડ રોષ ભભૂકી ઊઠ્યો હતો. લોકો સ્વયંભૂ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સિટી અને બીઆરટીએસ બસોને બંધ કરાવી દીધી હતી. એટલું જ નહીં, વરાછા રોડ પર બીઆરટીએસ ઘટનાસ્થળે જ્યારે તાજેતરમાં જ ચૂંટાયેલા સુરતના સાંસદ દર્શના જરદોશ પહોંચ્યાં ત્યારે લોકોએ તેમની કારને ઘેરી વળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ચોથા માળેથી પટકાયેલી છોકરીને મેં ઝીલવાનો પ્રયાસ કર્યો, ન ઝીલાતા એનું માથું જ ફાટી ગયું ‘સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ આગ લાગી એટલે મેં ફોન કર્યો, 30 મિનિટ સુધી તો કોઈ આવ્યું નથી. છોકરાઓ બારીની બહાર આવીને અમારી સામે જોઈને બોલવા લાગ્યા કે અમને બચાવો.. બચાવો… ચાર વાગ્યાની આજુબાજુ ત્રણ બંબાવાળા આવ્યા, પણ એની પાસે સીડી નહોતી. એવામાં છોકરાઓ નીચે કૂદવા લાગ્યા.

અમે એને ઝીલવા લાગ્યા. છતાં એક છોકરી પડી ગઈ ને એનું માથું ફાડી ગયું. આ બંબાવાળાઓથી પાઇપલાઇનનું પાણી ચાલુ ન થયું, એની પાસે એવી કોઈ સીડી નહોતી કે છોકરાઓને બચાવી શકાય. બે છોકરીને એક છોકરો બારીમાંથી નીચે લટકીને ત્રીજા માળે આવી ગયો એટલે સીડીથી નીચે ઊતરી ગયો. ફાયર બિગ્રેડ હતું તો પણ છોકરાઓને નીચે પડવું. ઓછામાં ઓછા 20 છોકરા નીચે કૂદી પડ્યા. એક પણ એમ્બ્યુલન્સ ન હતી, – ભરતભાઈ ઠુમ્મર, પ્રત્યક્ષદર્શી

ઘટના સમયે અમે મદદ કરી અને પાછળથી આવેલા નેતાઓએ અમને જ ભગાડ્યા

વરાછાના લોકોએ હાથમાં છોકરાઓને ઉપાડી-ઉપાડીને હોસ્પિટલ લઇ ગયા ને આ નેતાઓ કહે છે કે ભાગો અહીંથી, અહીંયા શું કરો છો?, જગ્યા કરો, રસ્તો કરો. જ્યારે ઘટના બની ત્યારે અમે ત્યાં હાજર હતા, કોઈ ન હતું. પબ્લિકે મદદ કરીને હવે એને જ ધક્કા મારે છે આ લોકો. આ બધું બે નંબરમાં ચાલે છે. ઉપરનો પતરાંવાળો માળ ગેરકાયદે છે. લાગવગ ચાલે છે, કોર્પોરેશનમાં સેટિંગ કરીને થાય છે.

મામા માસીના છોકરાઓને આવું ગેરકાયદે બનાવવાની પરમિશન મળી પણ જાય છે. વ્રજચોક બાજુની લાઇનમાં જેટલા પણ બિલ્ડિંગ છે એમાં આવા પતરાંવાળા ફ્લોર બનાવી દીધા છે. આગ લાગે એટલે બધી જ પબ્લિક હેરાન થઈ જાય.- દીપક વાઘાણી, પ્રત્યક્ષદર્શી

એક તરફ લોકો કૂદી રહ્યા હતા, સળગી રહ્યા હતા ત્યા અમુક શુટિંગ ઉતારવામાં મશગૂલ

હું ઘરે જવા માટે નીકળતો હતો, રસ્તામાં બિલ્ડિંગમાં આગ લાગતાં જોઈ. અમે થોડા લોકો નીચે જમા થઈ ગયા. એવામાં ઉપરથી છોકરાઓ પડવા લાગ્યા. જે હાથમાં આવ્યા એમને થોડી ઈજાઓ પહોંચી, પણ અમુકને અમે બચાવી ન શક્યા. જ્યારે છોકરાઓ પડી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકો સિવાય કોઈ ન હતું. આજુબાજુમાંથી સીડીની વ્યવસ્થા કરવા લાગ્યા. અમુક લોકો તો ફોટો પાડવામાં અને શુટિંગ ઉતારવામાં જ મશગૂલ હતા. ફાયર બિગ્રેડની ગાડીઓ પણ મોડી આવી અને સાતથી 10 મિનિટ તો ક્યાંથી પાઇપો સેટ કરવા એ જ નક્કી કરવામાં બગાડ્યા. – નરેશભાઈ

ચોથા માળે જઇને જોયું તો ફૂલ જેવાં માસૂમ બાળકો રીંગણાંની જેમ ભડથું થઈ ગયાં હતાં

મેં દૂરથી આગના ધુમાડા જોયા અને તરત જ તક્ષશિલા પાસે પહોંચ્યો, ત્યાં બાળકો ફસાયાં હોવાનું જાણ્યું અને હું જીવના જોખમે બિલ્ડિંગમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો. હું ચોથા માળે પહોંચી ગયો. ફાયર ફાયટર ત્યાં હતા. ત્યાં જઈને જોયું તો ફૂલ જેવાં બાળકો રીંગણાંની જેમ ભડથું થઈ ગયાં હતાં.આ બાળકોને બચાવવાના લોકોના બચાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતાં.

આશરે 5000 થી વધુ ગેરકાયદે ક્લાસિસો ધમધમી રહ્યા છે.

આગની આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં વિવિધ મેસેજો ફરતા થયા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો. એક માહિતી મુજબ સુરત શહેરમાં આશરે 5000 થી વધુ ગેરકાયદે ક્લાસિસો બેરોકટોક ધમધમી રહ્યા છે.

આવાં ગેરકાયદે ક્લાસિસોમાં ક્યાંય પરમિશન નથી કે ફાયર સેફ્ટીનાં સાધનો પણ નથી. મોટા ભાગના ક્લાસિસો પાસે પરમિશનની વાત તો દૂર પણ પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસવાળી જગ્યા પણ નથી હોતી. શહેરમાં 10 બાય બાય કે 8 બાય 8ની જગ્યામાં ક્લાસિસોની હાટડીઓ ખોલી દેવામાં આવી છે. જોકે, ભ્રષ્ટ તંત્ર અને પાલિકાના પાપે બિનધાસ્ત ક્લાસિસો તંત્રની રહેમ નજર તળે ચાલી રહ્યા છે. જેના પર રોક લાગવાનો સમય આવી ચૂક્યો છે.

ઇમ્પેક્ટ-ફીના કાયદા હેઠળ ગેરકાયદે બાંધકામ મંજૂર કરાયું પણ કોન્ટ્રાક્ટરની જાણ જ નથી!

સરથાણાના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની ઘટનાથી હાહાકાર મચી ગયો છે તેમાં કોમ્પલેક્સનું બાંધકામ ગેરકાયદે હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પાલિકામાં દિવ્ય ભાસ્કરે તપાસ કરતાં બીજો અને ત્રીજો માળ ગેરકાયદે તાણી દેવામાં આવ્યો હતો. જોકે, સરકારના ઇમ્પેક્ટ-ફીના કાયદાનું રક્ષણ મળતાં તેને બિલ્ડરે મંજૂર કરાવ્યું હતું. પરંતુ ટેરેસ પર ગોળાકારમાં ડોમ આકારે બનાવી દેવાયેલો માળ ગેરકાયદે જ હોવાનું જાણવા મળે છે.

વરાછા-પુણા ઝોનના એડિશનલ સિટી ઈજનેર ડી. સી. ગાંધીએ ઘટના અંગે જણાવ્યું હતું કે, એફપી 1 ટીપી સ્કીમ 22 સરથાણાની આ મિલકત ભોલેનાથ શોપિંગ સેન્ટર અને તક્ષશિલા આર્કેડ તરીકે ઓળખાય છે. બાંધકામ ગેરકાયદે હતું. 2007 માં પ્રથમ માળ બનાવ્યો હતો. ત્યાર બાદ 2010 માં બીજો અને ત્રીજો માળ ગેરકાયદે તાણી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2011 માં ઇમ્પેક્ટ-ફીનો કાયદો આવ્યા બાદ 2012 માં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે અરજી કરવામાં આવી હતી અને તેની 2013માં મંજૂરી મળી છે. ઇમ્પેક્ટ-ફીના કાયદા હેઠળ બાંધકામ મંજૂર કરાયું છે. આ કોમ્પ્લેક્સનો કોઈ પ્લાન મંજૂર નથી. ઇમ્પેક્ટ-ફીના કાયદા હેઠળ મંજૂર થયું છે. મૂળ માલિક કોણ છે તેનો રેકોર્ડ તપાસવામાં આવી રહ્યો છે રાજ્ય સરકારમાં તેનો રિપોર્ટ કરવામાં આવશે.

3 સામે ગુનો નોંધાયો, સાપરાધ મનુષ્ય વધની કલમ લગાવાઈ

આગની દુર્ઘટનામાં 19 વિદ્યાર્થીઓનાં મોત થયાં અને 16 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા તેમાં મોડી રાત્રે સરથાણા પોલીસ મથકમાં ત્રણ સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. આઇપીસીની કલમ 304, 308 અને 114 મુજબ નોંધાયેલા ગુનામાં આરોપીઓ તરીકે હરસુલ વેકરિયા ઉર્ફે એચ.કે., જિજ્ઞેશ સવજી પાઘડાળ અને ભાર્ગવ બુટાણીનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ હરસુલ વેકરિયા અને જિજ્ઞેશ પાઘડાળે બિલ્ડર પાસેથી માળ ખરીદ્યા બાદ ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જ્યારે ભાર્ગવ બુટાણી ડ્રોઇંગ ક્લાસિસનો સંચાલક હતો.

જેથી આ ત્રણેય સામે સાપરાધ મનુષ્ય વધની કલમ 304 તેમજ પોતે જાણે છે કે કોઇ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ શકે છે તેમ છતાં કાળજી ન રાખવાની કલમ 308 લગાડવામાં આવી છે. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચના એસીપી આર.આર. સરવૈયાને સોંપાઇ છે.

હોસ્પિટલે રૂપિયા લીધા હોવાની ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના કાકાએ સીએમને ફરિયાદ કરી. સાહેબ, 500-500 રૂ. કરીને અમે સારવાર ખર્ચ હોસ્પિટલમાં જમા કરાવ્યા છે. બાળકોની સારવાર માટે હોસ્પિટલ રૂપિયા લેતા હોવાની ફરિયાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થી દર્શન ઢોલાના કાકા ધર્મેશે મુખ્યમંત્રી વિજય રૂપાણી રૂબરૂમાં કરી હતી.

શુક્રવારે સાંજે સરથાણા ખાતે લાગેલી આગમાં ચોથા માળેથી કુદી પડેલા વિદ્યાર્થી દર્શન ભરતભાઈ ઢોલાને ગંભીર ઈજા પહોંચી હતી. સર્વાઈકલના ભાગે થયેલી ઈજા બાદ તેને સારવાર અર્થે સરથાણાની સ્પાર્કલ હોસ્પિટલ ખાતે તેના પરિવારજનો દ્વારા ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા ચકાસવા મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી તથા ધારાસભ્ય ઝંખના પટેલ સાથે સ્પાર્કલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની ખબર અંતર પુછી પરત ફરી રહ્યા હતા. તે સમયે વિદ્યાર્થી દર્શન ઢોલાના કાકાએ, ઓ રૂપાણી સાહેબ, એક વાત કરવી છે તેમ બૂમ પાડી હતી. વિજય રૂપાણીએ તેમને મળવા બોલાવતાં કાકા ધર્મેશન રજૂઆત કરી હતી કે, વિદ્યાર્થી ઇજાગ્રસ્ત છે, તેવી જાણ હોસ્પિટલ તંત્રની હોવા છતાં અમારી પાસે સારવાર પેટે રૂ.7500 માંગવામાં આવ્યા હતા. અમે આસપાસના લોકો પાસેથી રૂ.500-500 કરીને હોસ્પિટલમાં જમા કરાવ્યા છે.

252 ટયુશન કલાસીસ પૈકી તક્ષશિલા કોમ્પલેક્સમાં ચાલતું ટ્યૂશન ક્લાસિસ મનપાની યાદીમાં ન હતું નફ્ફટ અને નગારા જેવા મનપા અધિકારીઓ અને ઓફિસરોના પાપે 19થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો પડયો હતો. આ ઘટનામાં ખુદ ડેપ્યુટી કમિશનર ઉપાધ્યાયએ  વાતચીતમાં જણાવ્યું કે શહેરમાં 252 ટયુશન કલાસીસમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાને કારણે નોટીસ આપવામાં આવી હતી. જો કે તેમાં સરથાણા તક્ષશિલા કોર્મોશીયલ કોમ્પેલક્ષમાં ચાલતા ટયુશન કલાસીસ બાબતે મનપાના અધિકારીઓ પાસે યાદી ન હતી.

જેના કારણે તેઓને નોટીસ આપવામાં આવી ન હતી. કદાચ મનપાએ આ ટયુશન કલાસીસને નોટીસ આપી હોત તો નિર્દોષ બાળકોનો જીવ બચી ગયો હોત તે વાત સાચી છે. ગેરકાયદે બાંધકામમાં બિલ્ડરો પાસેથી હપ્તાખોરી લઈને મનપાના અધિકારી અને ઓફિસરોએ ચુપકીધી સાંધી છે. એટલું જ નહિ મ્યુ. કમિશનર અને ડેપ્યુટી કમિશનરની પણ આ ઘટનામાં જવાબદારી બને છે. તેઓએ પણ ઝોનમાં ઓફિસરો શું કરે છે તેની દેખરેખ રાખવાની ફરજ છે.

15 લાખની વસ્તી વચ્ચે વરાછામાં હાઈડ્રોલિક પ્લેટફોર્મનો અભાવ, ફાયર વિભાગની મરામત જરૂરી. 24 આગ ઓલવવામાં ફાયરની ગાડી કામે લાગી હતી. 05 શહેરના વિવિધ ફાયર સ્ટેશનનું મહેકમ કામગીરીમાં. 02 મોડે મોડે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાપરાયા. 02 બુમ બાઉઝર જોતરાયાં પણ આગ ઓલવવામાં કામે લાગ્યા. 19 કમનસીબ મૃતકોની યાદી: 15 યુવતી, 4 યુવક

 1. ઋતુ સંજય સાકરિયા
 2. શ્રી દિનેશ કેવળિયા
 3. હસ્તી હિતેશ સુરાણી
 4. યેશા રમેશ ખડેલા
 5. દૃષ્ટિ વિનુ ખૂંટ
 6. જાહ્નવી ચતુર વસોયા
 7. કૃતિ નીલેશ દયાળ
 8. માનસી પ્રવીણ વરસાણી
 9. ગ્રિષ્મા જયેશ ગજેરા
 10. ઇશા કાંતિ કાકડિયા
 11. જાહ્નવી મહેશ વેકરિયા
 12. વંશવી જયેશ કાનાણી
 13. ક્રિષ્ણા સુરેશ ભીડકિયા
 14. ખુશાલી કિરીટ કોટડિયા
 15. રુમિ રમેશ બલર
 16. નિસર્ગ પરેશ કાતરોડિયા
 17. મિત દિલીપ સંઘાણી
 18. અંશ મનસુખ ઠુંમર
 19. રુદ્ર ઇશ્વર ડોંડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here