સુરતના અગ્નિકાંડમાં એક સરસ પેઈન્ટર હોમાઈ ગઈ, જુઓ તેના પેઇન્ટિંગ અદભુત છે આ પેઇન્ટિંગ

બિમાર માતાના ગાલ પર હાથ ફેરવીને ભાઇ આ રીતે આપતો હતો સાંત્વના.

17 વર્ષ જૂની ઘટનાને સ્કલ્પચરમાં કંડારી 3 દિવસ પહેલા જ ગ્રિષ્માએ માતાને ભેટ આપી હતીગ્રિષ્માએ બનાવેલ ચિત્રગ્રિષ્માએ બનાવેલ ચિત્ર સાથે તેના માતા-પિતા તસવીરગ્રિષ્માએ બનાવેલ ચિત્ર.

17 વર્ષ જૂની ઘટનાને સ્કલ્પચરમાં કંડારી 3 દિવસ પહેલા જ ગ્રિષ્માએ માતાને ભેટ આપી હતી.

તક્ષશીલામાં જે બન્યું, એ ભયાવહ હતું. ગણતરીની મિનિટોમાં 22 જણના અવાજ કાયમ માટે શાંત થઈ ગયા! એ લોકોએ શું અનુભવ્યું હશે! એ વખતે એમના મનમાં શું વિચાર ચાલતા હશે! એ કહેવા માટે એ લોકો તો રહ્યા નથી, પણ એ લોકોનાં સ્વજનો અને સંબંધીઓ સાથે વાત કરીને જાણવાની કોશિશ કરી, એમના મનમાં એ વખતે શું ચાલતું હશે! એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની કેફિયત કહેવાનો પ્રયોગ દ્વારા કરવામાં આવ્યો.

મારું સ્વપ્ન હતું કે જગતના મહાન ચિત્રકારોમાં ગ્રિષ્મા ગજેરાનું નામ હોય! ચિત્રકાર બનવા માટે મેં તો નક્કી કરી નાખ્યું હતું કે હું લગ્ન પણ નહીં કરું અને મમ્મીને પણ કહી દીધું. અરે! ગુરુવારે રાત્રે 2 વાગ્યા સુધી તો હું એક ચિત્ર પર કામ કરતી હતી. ચિત્ર અઘરું હતું. પછી મારી મમ્મીએ કહ્યું કે હવે તો ઊંઘી જા! મમ્મી કહે એટલે ઊંઘવું પડે અને હું ઊંઘી ગઈ. મારા ઘેર જાવ તો જોજો, હું જે બેડ પર ઊંઘું છું, એની સામેની દીવાલ પર હજુ એ અધૂરું ચિત્ર છે. તમે જોજો ને એ પૂરું થાય એટલે લોકો મારા એટલા વખાણ કરશે કે વાત ન પૂછો!

સાચું કહું તો મારે એ ચિત્ર ત્યારે જ પૂરું કરવાનું હતું. મારી મમ્મી કોઈ અનોખી માટીની જ બનેલી છે. તમને કહું, મારા ઘરમાં એણે પેનથી લખ્યું છે, ‘એક સમયે મરવાનું જ છે. કોઈ અમરપેટી લઈને નથી આવ્યું. એટલે કોઈએ દોષ ન દેવો, વહેલામોડા બધાને જવાનું જ છે!’ આ વાક્યો જ્યારે વાંચતી ત્યારે મને લાગતું, આપણે ક્યાં વહેલાં જવું છે. હજી ઘણી વાર છે.

એક દિવસ મેં મમ્મીને પૂછ્યું, ‘આવું કેમ લખ્યું?’ મમ્મીએ કહ્યું, ‘જેમની આપણાં કરતાં ભગવાનને વધુ જરૂર હોય, એને ભગવાન બોલાવી લે. પ્રભુની ઇચ્છા આગળ આપણું કાંઈ ચાલે નહીં. આપણાથી તો પાંદડું પણ હલે નહીં.’ મને થતું કે ભગવાન પાસે તો બધું છે. જેની આપણને જરૂર હોય, એમની જ ભગવાનને શું જરૂર હોય! આમ કોઈનું પડાવી લે એવો ભગવાન ક્રૂર તો નથી જ ને! આ ભગવાનની વાત કરી એટલે મને મમ્મી યાદ આવી. 17 વર્ષ પહેલાં અમે જ્યારે વતનમાં રહેતાં હતાં ત્યારે મમ્મીને ખૂબ તાવ આવેલો. હું બહુ દુ:ખી થઈ ગયેલી.

એ વખતે મારો નાનો ભાઈ બૉબી કશું સમજે નહીં. એને એટલી ખબર પડે કે મમ્મીને સારું નથી. એ આવે, મમ્મીના ગાલ પર વ્હાલ કરે અને જતો રહે. આવું એણે ઘણી વાર કરેલું. આ દૃશ્ય મારા મનમાં ક્યાંક સંગ્રહાઈ ગયેલું. થોડા દિવસ પહેલાં મારે એક સ્કલ્પચર બનાવવું હતું અને મને આ ઘટના યાદ આવી. અને મેં માના ગાલે વ્હાલથી સ્પર્શ કરતા દીકરાનું સ્કલ્પચર બનાવ્યું અને મમ્મીને આપ્યું. મમ્મી જોઈને ખુશ થઈ ગઈ. એણે એક બોક્સમાં એ સાચવીને મૂકી દીધું છે. વ્હાલનો સંબંધ કોઈ અનોખો હોય છે. જેને જેટલું મળે એ સાચવીને એક દાબડીમાં પૂરીને રાખી લેવું હોય છે! આ જુઓ ને મારી બાજુમાં પેલી નાનકડી અઢી વર્ષની કર્ણવી રહે છે.

એને જોઉં એટલે મને એની પર વ્હાલ આવે. લાડથી અમે અેને ગોપી કહીએ છીએ. ગોપી બોલે એટલે તમે સાંભળતાં જ રહી જાઓ. તક્ષશીલામાં એ દિવસે હું ક્લાસમાં ગઈ ત્યારે કર્ણવીને પણ સાથે લઈ ગઈ હતી. આગ લાગી ત્યારે હું ડરી ગઈ હતી, હેબતાઈ ગઈ હતી.

બધા કૂદી રહ્યા હતા પણ ચોથા માળેથી કૂદવાની હિંમત હું ભેગી કરી શકી નહોતી પણ મારી સાથે નાનકડી કર્ણવી હતી. મારે એની જિંદગી બચાવવાની હતી. મને થયું કે આટલા મોટા છોકરાઓને નીચે ઊભેલા લોકો ઝીલી લે છે તો આ નાનકડી ફૂલ જેવી કર્ણવીને તો ઝીલી જ લેશે ને! મેં બૂમો પાડી. લોકોનું ધ્યાન ખેંચ્યું. મેં કહ્યું, હું આને નાખું છું, તમે ઝીલી લો.

કર્ણવીને બચાવવાનો મારી પાસે આ એક જ રસ્તો હતો. સાક્ષાત મોત બનેલા આગ અને ધુમાડાથી બચાવવા મેં એને જિંદગી તરફ ફેંકી પણ નીચે રહેલા લોકો એને ઝીલી ન શક્યા! કર્ણવીને બચાવવાનો મારો છેલ્લો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો હતો. મને લાગ્યું કે હવે મારી જિંદગીનો પણ કોઈ અર્થ નથી. આઘાતને કારણે હું ત્યાં જ ફસડાઈ પડી. ધુમાડો મને ઘેરી વળ્યો. સાચું કહું, આવું કંઈક બને ને ત્યારે અંદરની આગ તમને જેટલું દઝાડે ને એના કરતાં બહારની આગ ઓછું દઝાડતી હોય છે!

ધુમાડાનો કાળો રંગ અને આગનો લાલાશ પડતો પીળો રંગ મને વિંટળાઈ વળ્યો હતો. મેં ભાન ગુમાવી દીધું. હૉસ્પિટલમાં હતી ત્યારે થોડીક ક્ષણો માટે મને કદાચ ભાન આવ્યું હતું. પીડા અસહ્ય હતી. ચહેરા પર ભયાનક બળતરા થતી હતી. આસપાસ બહુ લોકો હતા પણ મારું કોઈ નહોતું. મને કર્ણવી પાસે જવાની તીવ્ર ઇચ્છા થઈ આવી પણ શરીર હવે બોજ સમાન થઈ ગયું હતું. થોડો આરામ મળે એ માટે કાયમ ઊંઘી જતી, એમ સૂઈ ગઈ.

‘મમ્મી, તું ચહેરા પરથી તો મને નહીં ઓળખી શકે પણ મારી સૂવાની રીતથી તને ખબર પડી જશે કે તારી ગ્રિષ્મા જ અહીં સૂતી છે! મમ્મી, તું કાયમ કહેતી હતી ને કે આ તો પ્રભુની ઇચ્છા! આપણું કંઈ ચાલે નહીં! આપણાંથી પાંદડું પણ હલે નહીં! તારી વાત સાચી છે. હવે, ક્યારેય હું આ હાથમાં પીંછી નહીં પકડી શકું! ગ્રિષ્મા ગજેરા હવે કાયમ માટે અધૂરું ચિત્ર બનીને રહી જશે!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here