સુરત અગ્નિકાંડ પર ગુજરાતની દીકરી વિશ્વા રાવલે એક સંવેદનશીલ વાર્તા લખી વાંચવા લાયક

એક દિકરીની અગ્નિકાંડ પર વાર્તા / પોતાની દિકરી પર વીતેને ત્યારે જ ખબર પડે, એ બાળકોની જગ્યાએ હું (મેયરની દિકરી) હોત તો?

સુરત અગ્નિકાંડ પર સંવેદનશીલ વાર્તા લખનારી વિશ્વા રાવલની તસવીર

સુરત અગ્નિકાંડની કરૂણાંતિકાએ ભલભલાના કાળજા કંપાવ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની દિકરી વિશ્વા રાવલે એક સંવેદનશીલ વાર્તા લખી છે.

જયરાજ લખાણી આજે ખુબ ખુશ હતા. મેયર બન્યાને ત્રણ વરસ પુરા થયા હતા. ઘર જાણે બગીચો બની ગયું હતું. સવારથી અનેક લોકો શુંભેચ્છાઓ આપવા આવી ગયા હતા. નોકરો મિઠાઈઓ અને નાસ્તાની સગવડમાં દોડાદોડી કરી રહ્યા હતા. ઘરની પાછળ બગીચામાં કોઈ તૈયારીઓ ચાલી રહી હતી.

સાંજે ઉજવણી હતી તે તો બધાને ખબર હતી. અચાનક કોઈએ પૂછી નાખ્યું,” પેલા બાળકો સળગીને મારી ગયા?” જયરાજભાઈના ચહેરાની રેખાઓ બદલાઈ. “એનો જવાબ અમે સવારે જ આપી દીધો. વળતરના પૈસાની વાત પણ કરી દીધી. હવે એનું શું છે? તમ તમારે મજા કરોને.” “ પણ સાહેબ, કોઈ તપાસ કે પગલા…” “બે માસ્તરોને પકડી લીધા છે. અને ગીતામાં કહ્યું છે ને, કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એ બધાનો સમય નિશ્ચિત હતો. વળી તમે જુઓ અગ્નિની સાક્ષીએ જવા મળ્યું. આવું મોત કોને મળે?” એક ક્ષણ માટે ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. બોલવાની જાણે ઈચ્છાઓ મરી ગઈ. રખેને ન ગમે! ઓરડો ખાલી થયો ને નવા લોકોથી ભરાઈ ગયો.

“પપ્પા, મને બચાવો, ચારે તરફ આગ છે. મને તમારી ખુબ જ જરૂર છે.” નેહાનો ફોન આવ્યો અને કપાઈ ગયો. જયરાજભાઈ ખુરશીમાંથી ઉભા થઇ ગયા. સામે ફોન લગાડ્યો પણ માત્ર રીંગ જતી હતી. સતત પ્રયત્ન કરતા તેમણે બુમ પાડી,” રાધિકા… નેહા ક્યાં ગઈ છે?” સામેથી જવાબ આવ્યો, “ખબર નહિ.તમે બધા કહીને ક્યાં જાવ છો?” ગુસ્સો કાબુમાં લેતા જયરાજભાઈએ ફાયરબ્રિગેડના નંબર પર સવાલોની ઝડી વરસાવી. “ અરે તમને ખબર હોવી જોઈએ કે આગ ક્યાં લાગી છે.

તમને પગાર શેનો મળે છે? તપાસ કરો તાત્કાલિક.” એરકન્ડીશન રૂમમાં તેમને પરસેવો થતો હતો. તેમણે ફરી બુમ પડી,” રાધિકા… નેહાની ફ્રેન્ડસને ફોન લગાડ. તપાસ કર ક્યાં ગઈ છે.” અચાનક એમણે કોઈ બીજો નંબર લગાડ્યો અને ખુરશીપર હાથ પછાડતા બોલ્યા,” આ કોલેજોમાં પણ કોઈને ફોન ઉપાડવું ગમતું નથી.” અને સ્વગત બબડ્યા.. પ્રિન્સિપાલ પણ મફતનો પગાર લે છે. આગ લાગે ત્યારે છોકરાઓને બચાવાય કે ફોન બંધ કરીને ભાગી જવાય?” તેમના ચહેરાની રેખાઓ બદલાઈ રહી હતી. મળવા આવેલા માણસોને તે રૂમની બહાર નીકળવા ઈશારો કરી રહ્યા હતા.

“હલ્લો, કમિશ્નર સાહેબ, જરા તપાસ કરોને મારી દીકરી નેહા બહાર ગઈ છે અને આગમાં ફસાઈ ગઈ છે. એ મરી જશે સાહેબ…” અને બાકીનો અવાજ ડૂસકામાં ભળી ગયો. મન કામ કરતુ બંધ થઇ ગયું હતું. “ આ રાધિકાના લીધે જ મારી જિંદગીના બદતર થઇ ગઈ છે. આટઆટલું થયું પણ રસોડામાંથી બહાર નીકળે છે?” તેમણે બધુ જ ભૂલીને બુમ પાડી, રાધિકા… એક વાર કહ્યુંને આ બાજુ આવ. આ નેહાની કોલેજમાં આગ લાગી છે અને તે ફસાઈ ગઈ છે.” રાધિકા દોડીને આવી. જરાક સાડીનો છેડો સરખો કરતા તેણે કહ્યું, એ કોલેજ ક્યાંથી જાય આજે તો રજા છે.” “ શેની રજા? કોઈને કામ જ નથી કરવું. મફતનો પગાર જોઈએ છે.” “ પણ આજે…” મારે કંઈ સાંભળવું નથી. તેની ફ્રેન્ડસને પૂછ્યું?” “ કોઈને ખબર નથી. પાછુ બે-ચારના તો ફોન પણ નથી લાગતા.” “ નક્કી એ બધા આગમાં સપડાયા હશે. મારી દીકરી, જરાક દઝાય તો કેવું રડતી? ક્યાં હશે? ટ્યુશનમાં તપાસ કરી?”

ક્યાંય ફોન લાગતો ન હતો. થોડીજ ક્ષણોમાં હર્ષનું વાતાવરણ ભયમાં પરિવર્તિત થઇ ગયું હતું. થોડા સમયમાં મીડિયાવાળા પણ આવી ગયા હતા. નેહાનો ફોન આવ્યો,” પપ્પા, મને માફ કરજો. આગ વધી રહી છે.” “ નેહા, તું ક્યાં છે? નેહા…” સામે છેડેથી ફોન કપાઈ ગયો હતો. જયરાજભાઈએ ફોન ફેંકતા બાજુમાં ઉભેલા તેના સેક્રેટરીને કહ્યું,” નેહાનું લોકેશન કઢાવો. આપણી પાસે સમય નથી. બસ, બધાને તમાશો જોવો છે. તમારી દીકરી સાથે આવું થાય તો?” એક કેમેરામેન હિંમત કરીને નજીક આવ્યો અને તે વાત કરે એ પહેલા જ તેને ધક્કો મારી દેવામાં આવ્યો.

જે મીડિયાને પોતાના પ્રચાર પ્રસાર માટે દેવતા ગણવામાં આવતી હતી તેને જ આજે હડધૂત કરાઈ રહી હતી. કેમેરા તુટ્યો નહિ તે સારી બાબત હતી. નેહા ક્યાં છે તે ખબર ન હતી. અને કોઈ તેની સાચી માહિતી આપવા સક્ષમન હતું. થોડા સમય પછી ફોન આવ્યો,” આગની કોઈ માહિતી નથી. અમે બધેજ ફોન કરીને પૂછી લીધું.” “અરે પણ બની શકે કે કોઈ ફોન કરી શકે તેવી સ્થિતિમાં ન હોય. ગઈ વખતે આગ લાગી ત્યારે તમે લહેરથી જ પહોંચ્યા હતાને?” “ ના સાહેબ. એ વાત સાચી નથી.” જયરાજ ભાઈને લાગ્યું કે તેઓ ફાટી પડશે. ગુસ્સો સાતમાં આસમાન પર હતો. તેમણે ગાડીની ચાવી લીધી અને ભીડને ધક્કા મારતા બહાર નીકળી ગયા. ક્યાં જવું તે સમજાતું ન હતું.

આવડા મોટા શહેરમાં ક્યાં જઈશ? નેહા ક્યાં હશે? મારી ફૂલ જેવી દીકરી જીવતી હશે કે નહિ? મારી જ ભૂલ છે. બે હોનારત થઇ પણ કોઈ પગલા ન લીધા.” ગાડીની સીટ પર બેસતા જ સામે કાચ પર ચોંટાડેલો કાગળ દેખાયો. નેહાના હસ્તાક્ષર હતા.“

પપ્પા, ગઈકાલે જે ઘટના ઘટી તે ખુબજ દુ:ખદ હતી. હું આગની વાત નથી કરતી. આવી આગ તો ઘણી લાગે છે. અનેક નિર્દોષ મરે છે.

એનાથી હવે બધા જ ટેવાઈ ગયા છે. મને જયારે તમે એવું કહ્યું કે એમનો જન્મ જ મરવા માટે થાય છે. અને વળી આવા માણસો જીવે તોય શું મોટા માણસો થઇને દેશનો ઉદ્ધાર કરવાના હતા? એ ન ગમ્યું. તમે મા-બાપને સાંત્વન આપવાના બદલે આજની પાર્ટીની તૈયારીમાં પડ્યા તે મારા માટે દુ:ખદ ઘટના હતી. જરા વિચારો એ બાળકોની જગ્યાએ હું હોત તો? તો શું તમે પાર્ટી કરત?” તો શું નેહાએ આત્મહત્યા..? ના ના એવું તો ન કરે… કરી પણ શકે, મારી દીકરી છે.

ગુસ્સામાં કંઈ પણ કરી શકે. ક્યાં હશે?” તેમણે આગળ વાંચવાનું શરુ કર્યું.” તમે મેયર બન્યાને, ત્યારે લોકોની આંખોમાં તમારા માટેની અપેક્ષાઓ મેં જોઈ હતી. મમ્મીએ જયારે તમને કહ્યું કે હવે જવાબદારી આવી એટલે કામ પણ એવા કરવા પડશે ત્યારે તમે મજાકમાં બોલ્યા હતા કે હવે તો જે કરીએ તે. એ લોકો જશે ક્યાં? એ મને પણ નહતું ગમ્યું. હું તમને મારા હીરો માનતી હતી. કાલની ઘટનાથી મને તમારી દીકરી હોવાનો રંજ થાય છે.” અચાનક ફોનની રીંગ વાગી. “ સાહેબ, લોકેશન મળી ગયું છે. ૭, વડી વાડી…” “ અરે, એ તો મારા ઘરનું લોકેશન છે. ફરી તપાસ કરો.

મારા ઘરમાં તો ક્યાંય આગ નથી લાગી. હા. બાજુમાં એની ફ્રેન્ડ રહે છે, નવ નંબર. હા, હા તમને આગની ખબર ન પડે. ફોન મુકો.”એ દોડીને બહાર નીકળ્યા, આખી સોસાયટીમાં ક્યાંય આગ ન હતી. હવે પરિસ્થિતિ બદલાઈ હતી. જયરાજભાઈએ નેહાના રૂમ તરફ દોટ મૂકી. પાછળથી રાધિકાનો અવાજ આવ્યો.

“આજે રવિવાર છે. કોલેજને ક્લાસ બંધ હોય. હું કહું પણ તમે સાંભળો તો ને?” દરવાજો ખુલ્યો. નેહા સામે હતી. પલંગ પર. સટાક, અવાજ સાથે નેહાનો ગાલ લાલ થઇ ગયો. “ પપ્પા. પોતાની દીકરી પરવીતેને ત્યારે જ ખબર પડે. આ લાફો એનો સાક્ષી છે. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ આવી રીતે? આપણે ગરીબ હતાને ત્યારે તમે સારા માણસ તો હતા. મારે મારા પપ્પા પાછા જોઈએ છે. નથી કહેવરાવવું મેયરની દીકરી. હા, આગ લાગી છે. મારા હૃદયમાં. મને ખુબ બળતરા થાય છે.” બંનેના ખભા એકબીજાના આંસુથી ભીંજાતા હતા. બીજા દિવસે સમાચાર હતા,’ મેયરનું રાજીનામું.”

વિશ્વા રાવલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here