આજે ધોરણ 12 સાયન્સ નું પરિણામ આવ્યું, આ વખતે પરિણામ ભલે વધુ આવ્યું પણ સારા સારા ઘરના 2-2 ટ્યુશન રાખનાર લોકો ફેલ થયા, કેમ કે આ કેમેસ્ટ્રી, ફિઝિકઝ એ લોકો ને પેપર ના દિવસે પણ રોવડાવ્યા હતા અને આજે પણ રોવડાવ્યા..
ત્યારે આપણે જોઈએ અમદાવાદના એક પાથરણા વારા ની પુત્રીની કમાલ
‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’, આ ઉક્તિને સાર્થક કરી અમદાવાદની અલ્ફીનાએ, પડકારો વચ્ચે મેળવી ઉજળી સફળતા પાથરણાવાળાની દીકરીએ ધો.12 સાયન્સમાં મેળવ્યા 75%, અઘરા વિષય માટે આ રીતે કરી તૈયારી.
પડકારો વચ્ચે પણ મેળવી સફળતા
અમદાવાદ: બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય ત્યારે સૌ પહેલા લોકોના મોઢે એ જ સવાલ આવતો હોય છે કે આ વખતે કોણે ટોપ કર્યું. ટોપર્સના વિશે તો સૌ કોઈ ચર્ચા કરે છે, પરંતુ અનેક મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે પણ સારું પરિણામ લાવનારા સ્ટૂડન્ટ્સની ચર્ચા ભાગ્યે જ થાય છે. આવી જ એક સ્ટૂડન્ટ છે અમદાવાદની અલ્ફીયા સૈયદ. જેના પિતા પાથરણાવાળા છે. કપડાં વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
12 સાયન્સમાં મેળવ્યા 75 ટકા
નાનકડાં ઘરમાં રહેતી અલ્ફીયાએ અનેક પડકારો વચ્ચે 12 સાયન્સમાં 75 ટકા મેળવીને તેના માતાપિતા તેમજ શિક્ષકોનું માથું ગર્વથી ઉચું કર્યું છે. અલ્ફીયાના પિતા ફિરોઝ મિયાં સૈયદ ત્રણ દરવાજા પાસે પાથરણા પાથરીને કપડાં વેચે છે. માસિક 8થી 9 હજાર રૂપિયા તેના પિતાની કમાણી છે. હવે આજના જમાનામાં 8-9 હજાર રૂપિયામાં ઘર ચલાવવું અઘરું હોય છે. એમાંય બાળકોને ભણાવવાનો ખર્ચો પણ કાઢવો મુશ્કેલ બને છે.
સ્કૂલ અને ટ્યૂશનની ફી ઘણી વખત મા-બાપની કમર ભાંગી નાખે છે. સદ્ધર હોય તેમને તો કોઈ ચિંતા નથી હોતી પરંતુ નબળી આર્થિક સ્થિતિ કેટલીક વાર શિક્ષણને આડે આવે છે. જો કે, અલ્ફીયાના માતા પિતાએ આર્થિક સ્થિતિને દીકરીના શિક્ષણને આડે ન આવવા દીધી. પેટે પાટા બાંધીને પણ દીકરીને ટ્યૂશન મોકલી અને ભણાવી ત્યારે જોઈ લો, અલ્ફીયાએ પણ માતા-પિતાને નિરાશ ન કર્યા.
કેમેસ્ટ્રી માટે આ રીતે તૈયારી કરી
એફ. ડી. ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિની અલ્ફીયાને શિક્ષકોનો પણ ખૂબ સપોર્ટ મળ્યો. અલ્ફીયા માટે કેમેસ્ટ્રી સૌથી અઘરો વિષય હતો અને આ વર્ષે કેમેસ્ટ્રીનું પેપર પણ વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું. તેમ છતાં અલ્ફીયાએ આ વિષયનો ડર કાઢીને મહેનત કરીને કેમેસ્ટ્રીમાં 70 માર્ક મેળવ્યા. કેમેસ્ટ્રીમાં સારા ગુણ મેળવવા માટે શિક્ષકોની વાત અલ્ફીયાએ યાદ રાખી. તેના શિક્ષકોએ લખીને યાદ કરવાની સલાહ આપી હતી. એટલે કેમેસ્ટ્રીના અઘરા સમીકરણો અને સૂત્રો અલ્ફીયા લખીને યાદ રાખતી હતી. અલ્ફીયા દરરોજ 8 થી 10 કલાક વાંચન કરતી હતી.
શિક્ષક બનવા માગે છે અલ્ફીયા
અલ્ફીયા દિવસને બદલે રાત્રે વાંચતી હતી. તેનું માનવું છે કે, રાત્રે શાંતિ હોવાથી સરળતાથી વાંચેલું યાદ રહી જાય છે. અલ્ફીયાને અઘરો લાગતો વિષય કેમેસ્ટ્રી તે રાત્રે વાંચતી હતી. ફ્રી ટાઈમમાં કે મૂડ ફ્રેશ કરવા માટે યૂટ્યૂબનો ઉપયોગ કરતી હતી. યૂટ્યૂબ પર અલ્ફીયા પેપર વધુ સારા કઈ રીતે લખી શકાય તેનું જ્ઞાન મેળવતી હતી.
અલ્ફીયા હવે આગળ B.Sc કરીને શિક્ષક બનવા માગતી અલ્ફીયા વિદ્યાર્થીઓને એ જ સલાહ આપવા માગે છે કે લાંબા સમય સુધી યાદ રાખવું હોય તો લખીને તૈયાર કરો. ગોખવાને બદલે વિષયને સમજીને યાદ રાખશો તો સફળતા ચોક્કસ મળશે.