માયાવી શક્તિને પળવારમાં ભગાડે છે સાળંગપુરના જગવિખ્યાત હનુમાનજી મહારાજ

વિશ્ર્વમાં યાત્રાધામ તરીકે પંકાયેલ સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરનાં પરચાઓ જાણીતાં છે. આ મંદિર વિશેની વિગતવાર તમામ માહિતીઓ અહીં પ્રસ્તુત છે. સૌ પ્રથમ મંદિરની સ્થાપના કઇ રીતે થઈ તેની ઐતિહાસીક ગાથા વર્ણવવામાં આવેલ છે.

એક વખત સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામિ બોટાદ ગામે પધાર્યા હતા ત્યારે સાળંગપુરના દરબાર શ્રી વાઘા ખાચર તેમના દર્શન કરવા ગયા ત્યારે સ.ગુ. ગોપાળાનંદ સ્વામિએ તેમણે પુછ્યું કે, “કેમ દરબાર? સુખી તો છો ને?” ત્યારે દરબારે વાઘા ખચારે કહ્યું કે, “સ્વામી ! અમારે તો બે જાતનો કાળ છે. એક તો એ કે ત્રણ વર્ષથી વરસાદ થતો નથી અને બીજો એ કે આ બાજુ બોટાદના હરિભક્તો ઘણા સુખ અને સમૃધ્ધ છે અને બીજી બાજુ કારીયાણીમાં વસતા ખાચર અને હરિભક્તો પણ સુખી છે. જેથી સાધુઓને રોકી રાખે છે. અને સાળંગપુર આવવા દેતા નથી. આ બે વાતનો દુષ્કાળ છે.

વળી, આ અમારું સાળંગપુર ગામ છે તે શ્રીજી મહારાજની બહુ પ્રસાદીનું છે. તેથી સંતો તથા હરિભક્તો આવે તો છે જ, પણ અમો આર્થિક રીતે દુર્બળ હોવઠ તેમની સેવા-સારવાર પણ કરી શકીએ એમ નહીં હોવાથી સંતો રોકતા નથી અને અમે આગ્રહથી રાખી શકીએ એમ પણ નથી. જેથી સત્સંગ અને સંતસેવાથી વંચિત રહીએ છીએ.” એમ જણાવી વાઘા ખાચર બહુ દિલગીર થઈ ગયા.

તેમની વાત સાંભળીને સ.ગુ. ગોપાળાનંદ સ્વામી થોડીવાર તો ગંભીર બની ગયા, કારણ કે શ્રીજી મહારાજની પ્રસાદીના આ સાળંગપુર ગામ પ્રત્યે તેમણે પણ સારું આકર્ષણ હતું. વળી, વાઘા ખાચરની નિષ્કામી ભાવના, સેવાવૃતિ અને આર્થિક સ્થિતિથી પણ પોતે અજ્ઞાન નહોતા. થોડીવાર પછી સ્વામી બોલ્યા કે, “વાઘા ખાચર ! હું તમને એક ભાઈ કરી આપું, જેથી તમારી બધી જ ફરિયાદો દૂર થઈ જશે.” વાઘા ખાચર સ્વામીની આ વાતોમાં કઈ સમજી શક્યા નહીં, જેથી અવાક બની રહ્યા.

પછી સ્વામીશ્રી બોલ્યા કે, “ભીડ ભાંગે એવા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું તમારા ગામમાં કરી આપું જેથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે.” એમ કહી સ્વામીએ કહાનજી મિસ્ત્રીને હનુમાનજીની એક સુંદર પ્રતિમા ઘડવાની આજ્ઞા કરી. કહાનજી મિસ્ત્રીએ કહ્યું કે, મને કોઈ જો સુંદર ચિત્ર દોરી આપે તો હું તે પ્રમાણે મુર્તિ કોતરી શકું, પણ ચિત્ર વિના ઘડતા ફાવશે નહીં, ત્યારે સ્વામીએ કહ્યું કે, લાવ, હું જ ચિત્ર દોરી દઉં,” એમ કહીને સ્વામીએ હનુમાનજીની પ્રતિમાનું ચિત્ર કરી આપ્યું અને તે જ પ્રમાણે જ્યારે કાનજી મિસ્ત્રીએ મુર્તિ તૈયાર કરી દીધી.

સં.૧૯૦૫ના આસો વદ ૫નાં દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સ.ગુ. ગોપાળાનંદ સ્વામીએ સ્વહસ્તે તે પ્રતિમાની સ્થાપના કરી અને નૈષ્ઠિકવ્રતી એવા સ.ગુ. શુક્રસ્વામી તથા ગોવિંદાનંદસ્વામી પાસે આરતી ઉતરાવી. આરતી ઉતાર્યા બાદ સ.ગુ. ગોપાળાનંદસ્વામી એક દ્રષ્ટિથી લાકડીના ટેકે ઊભા રહીને હનુમાનજીની મુર્તિ તરફ જોઈ રહ્યા અને યોગેશ્વર્યથી હનુમાનજી પ્રત્યક્ષ આવિભાર્વ પામે તેવો સંકલ્પ કરવા લાગ્યા ત્યાં તો હનુમાનજીની મુર્તિ થરથર ધ્રૂજવા લાગી. અને જાણે બળી ઉઠશે એમ લાગવા માંડ્યુ. ત્યારે કેટલાક હરિભક્તોએ જે હાજર હતા તથા ઘણા સાંતી પણ હાજર હતા.

તે પૈકી સત્સંગની માં સમાન સ.ગુ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે, “સ્વામી, હનુમાનજીમાં આવું વધારે પડતું ઐશ્વર્ય પ્રકટ થશે તો એક તરફ નજીક ધોલેરામાં મદનમોહનજી મહારાજ છે અને બીજી બાજુ નજીક ગઢડામાં શ્રી ગોપીનાથજી મહારાજ છે ત્યાં દર્શન કરવા કોઈ નહીં જાય. એ સાંભળી સ્વામીએ દ્રષ્ટિ પાછી લીધી અને કહ્યું કે, “મારી ઈચ્છા તો હનુમાનજી પ્રત્યક્ષ વાત કરે એવો ચમત્કાર કરવાની હતી. છતાં પણ આ હનુમાનજીનાં દર્શન તથા માનતા, બાધા વગેરે કરનારનાં કષ્ટ દૂર થશે, માટે આ દેવનું નામ કષ્ટભંજન હનુમાનજી છે. ભૂત, પ્રેત, બ્રંહરાક્ષસ વગેરેની પીડા પણ આ દેવના દર્શનાદીકથી નાશ પામશે.

એ રીતે સ્વામિના સંકલ્પ અને વચનથી સાળંગપુરનાં કષ્ટભંજન હનુમાનજી મહારાજ આજે પણ ઉપર જણાવ્યા મુજબ લોકોના કષ્ટ દૂર કરે છે, તે પ્રત્યક્ષ જોવાય છે. ભૂતપ્રેતાદિકનો ગામે તેઓ ઉપદ્રવ હોય તો પણ તે વ્યક્તિને હનુમાનજી પાસે લાવવામાં આવે તો તદન સારું થઈ જાય છે એ સુવિદિત પણ છે.

કોઈપણ જ્ઞાતિ કે કોમનો હોય તો પણ આ હનુમાનજીનાં દર્શનાદિકથી દુખરહિત થાય છે. જેથી દૂર દૂરના ઘણા દુખીયા લોકો (જેમાં પારસી, મુસલમાન વગેરેનો પણ સમાવેશ થાય છે) સાળંગપુરમાં આવે છે અને પોતાની શક્તિ પ્રમાણે ભેટ પણ અર્પણ કરે છે.

હનુમાનજીની પ્રતિષ્ઠા સમયે પ્રતિષ્ઠાપક સ.ગુ. શ્રી ગોપાળાનંદજી જે લાકડીને ટેકો દઈને હનુમાનજીની સામે દ્રષ્ટિ માંડીને ઊભા રહ્યા હતા તે લાકડી પણ હનુમાનજીની પ્રતિમા પાસે જ રાખવામા આવી છે. કોઈ ભૂતપ્રેતાદિક વધુ મલીન હોય અને સરળતાથી જાય તેમ ન લાગે ત્યારે તે લાકડી કે જેને શિક્ષાદંડ કહેવાય છે, તેને જળમાં બોળીને જળ પીવડાવવામાં આવે છે તેથી તરત જ ત્રાસ પામીને ભાગી જાય છે એવો પ્રતાપ સ.ગુ. સ્વામીશ્રી ગોપાળાનંદજીમાં હતો.

વિશ્ર્વપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર વિશે આગળ ઘણું લખાઇ ગયું છે. અહીં દરરોજ ભારતભરનાં આસ્તિકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પરંતુ અહીં પહેલી વખત દર્શનાર્થે આવનાર અથવાં જે લોકો અગાઉ દર્શને આવી ગયાં હોય અને ઉતાવળે દર્શન કરીને જતાં રહ્યાં હોય તેમને સાળંગપુર મંદિર સિવાયની જાણકારી હોતી નથી. અહીં મંદિર આસપાસ બીજાં પણ ઘણાં જોવાલાયક સ્થળો આવેલાં છે. જેની વિગતો આ મુજબ છે.

નારાયણ કુંડ – જે લોકોને વળગાડ ઉતારવાં માટે હનુમાનજી સમક્ષ બેસવાનું હોય છે. તેમને આ વિધિ પુર્વે નારાયણ કુંડમાં સ્નાન કરવું પડે છે. એ પછીજ વિધીમાં બેસી શકાય છે. જોકે, આ માટે આગલાં દિવસે બેસનાર વ્યક્તિને બધી માહિતી મંદિરનાં કાઉન્ટર ઉપર વ્યવસ્થિત આપી દેવામાં આવે છે. નારાયણ કુંડમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતાં હોઇ ભકતોમાં પ્રસાદીનાં કુંડ તરીકેનું મહત્ત્વ ધરાવે છે.

જીવા ખાચરનો દરબાર – મંદિરની બાજુમાં આવેલ જીવા ખાચરનો દરબારગઢ કાષ્ઠનો બનેલ છે જેનું નમુનેદાર નકશીકામ જોવાલાયક છે.

હનુમાનજીની પ્રસાદીની લાકડી- એવું કહેવાય છે કે, હનુમાનજીની સ્થાપના કરતી વખતે ગોપાળાનંદ સ્વામીએ જે લાકડી વડે મૂર્તિનું સ્થાપન કર્યું હતું એ લાકડી મૂર્તિની બાજુમાં રાખવામાં આવી છે. ભૂત-પ્રેતથી પિડીત વ્યક્તિને જરુર પડે આ લાકડી વડે મંત્રેલ પાણીથી છંટકાવ કરવામાં આવે છે.

વિશાળ ગૌશાળા – મંદિર પાસે આવેલી ગૌશાળાનાં દુધ, દહીં, છાશ અને ચ્હા-પાણીનો ઉપયોગ દર્શનાર્થીઓ માટે કરવામાં આવે છે.

ગામનો ચોરો – સાળંગપુર ગામનાં ચોરા ઉપર ભગવાન સ્વામિનારાયણ બેસીને ભક્તોને સત્સંગનો લાભ આપતાં જેથી આ જગ્યા પ્રસાદીની ગણાય છે.

મંદિરની બાજુમાં નમૂનેદાર કાષ્ઠનું આધુનિક વિશાળ મંદિર બનાવેલ છે જેમાં ભગવાન સ્વામિનારાયણે જે વસ્તુઓનો ઉપયોગ કરેલો તે ગાડુ, પથ્થર, ઢોલીયો અને બાજોઠ વગેરે દર્શન માટે રાખવામાં આવેલ છે.

આરતી માટેનો સમય :

  • સવારે 05:30 કલાકે મંગળા આરતી
  • સવારે 06:30 થી 07:70 બાળભોગ આરતી
  • સવારે 7 કલાકે શણગાર આરતી
  • રાજભોગનો સમય – 10:30 થી 11:00
  • સંધ્યા આરતી – સૂર્યાસ્ત બાદ અને તે પછી થાળ ધરાવવામાં આવે છે.

આ સમય સિવાય સવારે 10:30 થી 11:00, બપોરે 12:00 થી 3:15 તેમજ રાત્રે 09:00 થી સવારનાં 05:30 સુધી દર્શન બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here