હાર્દિક પટેલના આજથી ઉપવાસ ચાલુ થઇ રહ્યાં છે તેના પગલે રાજકોટ સહિત મોરબી જિલ્લાના પાસના કાર્યકરો સહિત અમુક પાટીદારોને પોલીસે નજર કેદ કર્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. કોઇ આંદોલન, રેલી, સભા, સરઘસ ન કરવા ચારથી વધુ વ્યકિતએ એક સ્થળ પર ભેગા ન થવા માટે જાહેરનામું પણ પ્રસિધ્ધ કર્યુ છે. છતાં ગોંડલના મોવીયા ગામના ચોરે પાટીદારોએ આમરણ ઉપવાસ શરૂ કરી દીધા છે.
પોલીસ સંતર્ક, પાટીદાર વિસ્તારમાં વધાર્યું પેટ્રોલિંગ, કાયદો જાળવવા અપીલ
હાર્દિક પટેલને ઉપવાસને ટેકો આપવા રાજકોટમાં કોઇ પાટીદાર ઉપવાસ ન કરે કે શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસે પાટીદાર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. જરૂર પડે ત્યાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. શહેરના મવડી, 150 ફુટ રિંગ રોડ, રણછોડ નગર જેવા વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામા આવી છે અને કાયદો જળવાઇ રહે તે માટે અપીલ કરવામાં આવી રહી છે. છતાં કોઇ કાયદાનું પાલન નહીં કરે તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર અને જૂનાગઢમાં પણ 144 લાગુ
જુનાગઢ જિલ્લામાં પણ 144 લાગુ કરવામાં આવી છે, હાર્દિકના ઉપવાસ અને સોમવારે ચુકાદાને લઇ પોલીસ સંતર્ક બની ગઇ છે. આજથી જ મોટાભાગના જિલ્લામાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. બે દિવસ સુધી કોઇ ચોકમાં કે મુખ્ય સ્થળો પર ચાર વ્યક્તિએ ભેગા ન થવા જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.