મુંબઈઃ ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ કાર્ડનો વીડિયો વાઈરલ થયા બાદ આ રોયલ કાર્ડની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હવે આ કાર્ડની કિંમત સામે આવી છે. તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી અને આનંદ પીરામલ 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ જશે.
લાખોમાં છે લગ્નના કાર્ડની કિંમત
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નના કાર્ડની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે. જોકે આ રિપોર્ટનુ પુષ્ટિ કરવામાં આવી નથી. ઈશા અંબાણીના લગ્નનું આ કાર્ડ બે ભાગમાં વહેંચાયેલું છે.
ખાસ છે કંકોત્રીના બોક્સની કારીગરી
કાર્ડના વીડિયોમાં બે બોક્સ દેખાઈ રહ્યા છે. પહેલા બોક્સ પર ઈશા અંબાણી અને આનંદ પીરામલના નામનો પહેલો અક્ષર ‘ia’ લખ્યો છે. પહેલું બોક્સ ક્રિમ કલરનું છે. અને તેના પર ફૂલોની સજાવટ છે. તો બીજું બોક્સ લાઈટ પિંક અને ગોલ્ડન કલરનું છે. બોક્સની અંદર માતા લક્ષ્મીની તસવીર છે. જો એક સ્ટેન્ડ પર મૂકેલી છે. બોક્સ ખોલતા જ ગાયત્રી મંત્ર સાંભળી શકાય છે.
મુંબઈમાં જ થશે ઈશા-આનંદના લગ્ન
ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન ભારતમાં જ થશે. બંને મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરે જ ભારતીય પરંપરા, રીતિ-રિવાજો અને સંસ્કૃતિ અનુસાર લગ્નના બંધનમાં બંધાશે. લગ્નમાં માત્ર નિકટના મિત્રો અને પરિવારના લોકો જ શામેલ થશે.