પટાવાળાની પુત્રીએ દસમાની પરીક્ષામાં મેળવ્યા 90.67 ટકા, હવે ડોક્ટર બનવાનું લક્ષ્ય
હાલ મુસ્લિમ લોકોનો પવિત્ર મહિનો માહે-રમજાન ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ ના એક પરિવાર માં આજે ડબલ ખુશી છે, કેમ કે તેમના પરિવારની દીકરીએ આજે 90% લાવીને પરિવાર નું નામ રોશન કર્યું છે.
આશિયાએ મેળવી ઝળહળતી સફળતાઃ
આજે દસમા ધોરણનું રિઝલ્ટ જાહેર થતા હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો હતો. હજારો વિદ્યાર્થીઓમાંથી અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે જેમણે આખા વર્ષ કરેલી તનતોડ મહેનતનું તેમને આજે મીઠું પરિણામ મળ્યું છે. આવી જ એક છે આશિયા સિદ્દીકી જેણે 99.45 પર્સન્ટાઈલ અને 90.67 ટકા મેળવ્યા છે.
ડોક્ટર બનવાનું છે સપનુંઃ
સફળતા મેળવવા માટે જરૂરી નથી તમારી પાસે બધી જ સુખ સુવિધા હોય. આશિયા જમાલપુરના એક સાધારણ પરિવારમાંથી આવે છે. તેના પિતા એફ.ડી કૉલેજમાં પ્યુન છે અને માતા ગૃહિણી છે. પરિવારની આવક મહિને 8 થી 10 હજાર છે. પરંતુ આ પરિસ્થિતિ આશિયાને તેનું ડોક્ટર બનવાનું સપનુ પૂરુ કરતા રોકે તેમ નથી. જમાલપુરની એફ.ડી ગર્લ્સ સ્કૂલમાં ભણતી આશિયાએ પહેલેથી નક્કી કરી લીધું હતું કે તેને ડોક્ટર જ બનવું છે. આથી દસમા ધોરણથી જ તેણે પોતાનું સપનુ પૂરુ કરવા આકરી મહેનત શરૂ કરી દીધી છે.
10 કલાકનું નિયમિત વાંચનઃ
આશિયાએ જણાવ્યું, “હું દિવસના 10 કલાક નિયમિત વાંચતી હતી. શાળા ઉપરાંત નિયમિત ટ્યુશન અને વાંચનને કારણે મને મારુ ધાર્યું પરિણામ મેળવવામાં સફળતા મળી છે. આગળ હું સાયન્સ ફિલ્ડ પસંદ કરીને મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માંગુ છું. મારા એક કઝિન ડોક્ટર છે, હું પણ આગળ ચાલીને MBBS ડોક્ટર બનવા માંગું છું.” આશિયાએ સૌથી વધુ 95 માર્ક્સ પર્શિયન ભાષામાં મેળવ્યા છે. તેણે ગુજરાતીમાં 88, સોશિયલ સાયન્સમાં 89, સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં 91, ગણિતમાં 92, અંગ્રેજીમાં 89 ગુણ મેળવ્યા છે.
લક્ષ્ય પરથી ધ્યાન ન હટાવોઃ
આશિયાના પરિણામથી સિદ્દીકી પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આશિયા પોતાની સક્સેસ સિક્રેટ શેર કરતા કહે છે, “પોતાના લક્ષ્ય પરથી ધ્યાન ન હટાવો. ફોકસ સાથે અભ્યાસ કરવાને કારણે જ મને પરીક્ષામાં સફળતા મળી છે.” આશિયાની સફળતા સાધારણ પરિવારમાંથી આવતા બાળકો માટે આશાની કિરણ સમાન છે.