ચોમાસાના ચાર પૈકી ત્રણ મહિના પૂરા થઇ ગયા છે. અને હવામાન વિભાગ મુજબ દેશમાં અત્યાર સુધી 6 ટકા ઓછા વરસાદ સાથે ચોમાસું સામાન્ય રહ્યું છે. પરંતુ જો હવામાન વિભાગના ડેટાનું વિશ્લેષણ કરીએ તો ચોમાસાનું ચિત્ર કંઇક અલગ જ ઉપસી રહ્યું છે.
એક તરફ દેશના 20 ટકા જિલ્લાઓમાં પૂરે હાહાકાર મચાવ્યો છે. જ્યારે કે બીજી તરફ દક્ષિણ. પૂર્વ અને ઉત્તર-પૂર્વના અનેક વિસ્તારો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ પ્રદેશોના કુલ 40 ટકા વિસ્તારમાં દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે. અહીં સામાન્યથી 20 ટકા ઓછો વરસાદ થયો. જ્યારે કે દેશના 10 ટકા વિસ્તારોમાં 10 થી 19 ટકા ઓછો વરસાદ થયો છે. આ ડેટા મુજબ અડધોઅડધ દેશમાં ચોમાસું ઘણું જ નબળું રહ્યું છે.
ચોમાસાના ત્રણ મહિના દરમ્યાન વરસાદની પેટર્ન અને તેના આંકડા જોઇએ તો વાસ્તિવક ચિત્ર સામે નથી આવતું. ખરેખર તો વાવણી વખતે કેવો વરસાદ પડ્યો તેનું ખાસ મહત્વ છે. વાવણીના પહેલા અઠવાડિયામાં વરસાદ પડે તો તેનો ખૂબ જ ફાયદો થતો હોય છે. સરકારે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં 1.86 ટકા વધુ ઉત્પાદન થયું હોવાનું જણાવ્યું છે. જો કે છેલ્લા 3 વર્ષોમાં 2014-15 અને 2015-16ના વર્ષ દુષ્કાળના રહ્યા પરંતુ ઉત્પાદનમાં વધારો થયો. પરંતુ મુખ્ય સવાલ એ છે કે ઉત્પાદન વધવા છતાં ખેડૂતોની આવક કેમ નથી વધી.
ચાલુ વર્ષે પૂરને કારણે થયેલી જાનહાનિની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષોની સરખામણીએ પૂરની ઘટનાઓમાં ઘટાડો થયો છે. પરંતુ જાનહાનિ સૌથી વધુ થઇ છે. કેરળ, યુપી, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સૌથી વધુ જાનહાનિ થઇ છે. પૂરને કારણે 9 રાજ્યોના કુલ 1310 લોકો માર્યા ગયા. તેમજ 75 લાખ લોકો પ્રભાવિત થયા. દેશમાં કેરળમાં સૌથી વધુ 443 લોકો મોતને ભેટ્યા છે. તો હિમાલયના રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે 200 લોકોના મોત થયા છે. 2017માં દેશના 15થી વધુ રાજ્યોમાં પૂરની સ્થિતિ હતી. જેના કારણે 1200 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તો 2016માં પૂરપ્રકોપને કારણે 936 લોકોના મોત થયા હતા. વર્ષ 1953થી ભારતમાં દર વર્ષે પૂરને કારણે સરેરાશ 1600 લોકો મોતને ભેટે છે.