ગૌરક્ષકો શીખોઃ કચ્છના મુસ્લિમો પોતાના જીવ કરતા પણ વધારે કરે છે ગાયોનું જતન

ગુજરાતમાં એકમાત્ર કચ્છ એવું સ્થળ છે જ્યાં માણસો કરતાં પશુઓની સંખ્યા વધારે છે. તેમાં પણ હજારો મુસ્લિમ પરિવારો ગાયોનું પોતાના જીવ કરતાં પણ વધારે જતન કરે છે. આપણે જ્યારે ગૌહત્યા અને ગૌરક્ષાના મુદ્દાને રાજકીય વમળોમાં ફેરવીએ છીએ પરંતુ આ મુસ્લિમ પરિવારો વર્ષોથી ગાયનું માતાની જેમ જ જતન કરી રહ્યાં છે. તેઓ કોઇને બતાવવા માટે કે કોઇની સહાનુભૂતિ માટે આ કામ નથી કરતાં પરંતુ પોતાની ખુશી અને પોતાના પેટ માટે જ આ કામ કરે છે. ગાય તેમની અન્નદાતા છે.

60 હજારથી વધુ મુસ્લિમ પશુપાલકો ગાય રાખે છે

કચ્છની નરી વાસ્તવિકતા એ છે કે, પશુપાલન કરતા હજારો મુસ્લિમો બે-ત્રણ કે ચાર પેઢીથી માતાની જેમ ગાયનું જતન કરે છે. કચ્છના બન્ની-પચ્છમ તરીકે ઓળખાતા વિસ્તારના યુવા અગ્રણી આમદભાઈ જત કહે છે કે, અહીં 60 હજારથી વધુ મુસ્લિમ પશુપાલકો ગાય રાખે છે. ગાય તેના માટે ફક્ત આજીવિકા જ નહીં, બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટેનું માધ્યમ પણ છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર હજારો મુસ્લિમ પશુપાલકો ગાયોનું ધણ લઈને જતા જોવા મળશે. ગાયના દૂધ, ગૌમૂત્ર અને ગોબરના વૈજ્ઞાનિક ફાયદા પણ આ પશુપાલકો જાણે છે.

આ વિસ્તારોમાં પશુપાલન

કચ્છમાં કુલ પશુઓની સંખ્યા 18 લાખ 96 હજાર છે. તેમાંથી 5 લાખ 83 હજાર ગાય છે. કચ્છના બન્ની, અબડાસા, લખપત,રાપર, ભચાઉ વગેરે વિસ્તારોમાં કુલ પશુપાલકોમાં 30થી 35 ટકા જેટલા મુસ્લિમો છે. તથા બેથી અઢી લાખ ગાયોનું જતન આ મુસ્લિમ પશુપાલકો કરે છે.

વરસાદ ખેંચાતા સરકાર પાસે ઘાસચારાની માંગ

કચ્છમાં પશુપાલન સાથે સંકળાયેલ મુસ્લિમ જ્ઞાતિઓ સિવાય પણ અન્ય સમાજો અને જ્ઞાતિઓ પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ મુખ્યત્વે કચ્છ જિલ્લામાં મુસ્લિમ જ્ઞાતિના શમા,સુમરા, નોળી, નોતિયાર, મુતવા, હાલેપોત્રા, હિંગોળજા, બમ્ભા,મંધરા, રાયમા, ભડાલા વગેરે મુસ્લિમ પ્રજાતિ પરંપરાગત રીતે ગાય સહિતના પશુઓના પાલન સાથે સંકળાયેલી છે. પરંતુ હાલ કચ્છમાં વરસાદ ખેંચાતા પશુપાલન સાથે સંકળાયેલા તમામ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા તાત્કાલિક ઘાસ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ પશુપાલકો કરી રહ્યા છે.

ગૌરક્ષા મુદ્દે રાજકારણ

હિન્દુ ધર્મમાં માતાનું સ્થાન ધરાવતી ગાયની હત્યાનો સંવેદનશીલ મુદ્દો દરેક વખતે રાજકીય સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. પછી ભલેને ગાયો ઉકરડામાં રઝળતી હોય, પ્લાસ્ટિકના થેલી-ઝભલા ખાતી હોય, ટ્રાફિકની વચ્ચે હડકોલા ખાતી હોય, એંઠવાડ ખવડાવવામાં આવતો હોય, પરંતુ બે કોમને ઉશ્કેરીને તેનો રાજકીય લાભ લેનારા તત્વો કોઈ ગાયની હત્યા થાય એટલે તેને ચગાવીને રાઈનો પહાડ કરી દેતા હોય છે. આવા તત્વો માટે કચ્છ જિલ્લાના મુસ્લિમ પશુપાલકો જડબાતોડ જવાબ છે.

‘ગૌહત્યાને અલ્લાહ કબૂલ ન કરે’

મુસ્લિમ પશુપાલકો ગાયોનું પાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેની સાથે એવી માન્યતા પણ ધરાવે છે કે ગૌ હત્યા ભારતના કાયદા મુજબ કરવી એ મુસ્લિમો માટે હરામ છે. કદાચ કોઈ ગાયની હત્યા કરીને તેની કુરબાની આપે તો અલ્લાહ તેને કબુલ કરતા નથી. કચ્છના લખપત વિસ્તારમાં પશુપાલકો પૈકી 55થી 60 ટકા મુસ્લિમ છે.

માલધારી નામ બોલે તો ગાય પાસે આવી જાય છે

કચ્છના બન્ની વિસ્તારમાં મુસ્લિમ પશુપાલકો પોતાની ગાય સાથે એટલી આત્મિયતા રાખે છે કે હજાર ગાયોના ધણ હોય ત્યાં માલધારી કોઇ એક ગાયનું નામ બોલે તો તે ઉઠીને તેની પાસે આવી જાય છે. ગાયના પેટમાં કોઇ બાળક મૃત્યું પામ્યું હોય તો તેને ઓપરેશન કરીને બચ્ચું બહાર કાઢીને ગાયની સારવાર કરીને તેને બચાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here