ગરીબીના કારણે જેણે પોતાનું બાળપણ અનાથાશ્રમમાં વિતાવ્યું, તે આજે આઈએએસ ઓફિસર બની ગયો છે

જેને જીવનમાં ખરેખર કંઈક મેળવવું છે, કંઈક બનવું છે તો જીવનમાં આવતી ગમે તેટલી કસોટી પાર કરી પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી જ લે છે. આવાં લોકો માટે કંઈ પણ અશક્ય નથી હોતું. આવું જ કંઇક કરી બતાવ્યું છે મુહમ્મદ અલી શિહાબે.

શિહાબે ગરીબીના કારણે પોતાનું બાળપણ એક અનાથાલયમાં પસાર કર્યું. પરંતુ જીવનમાં કંઈક મેળવવાનો જુસ્સો એવો હતો કે તેણે આખરે આઈએએસ અધિકારી બનીને જ રાહતનો શ્વાસ લીધો.

મુહમ્મદ અલી શિહાબનો જન્મ કેરળના મલપ્પુરમ જીલ્લાના એક ગામ એડવન્નાપ્પરામાં થયો હતો. તે બાળપણમાં પોતાના પિતા સાથે પાન અને વાંસની બાસ્કેટની દુકાનમાં કામ કરતાં હતાં. લાંબી બીમારી બાદ પિતાનું અવસાન થતાં તેને એક અનાશ્રામમાં મૂકવામાં આવ્યો કારણ કે, તેની માતા બહુ ગરીબ હતી. અનાથાશ્રમમાં પ્રવેશ મેળવવા માટે મુહમ્મદ અલી શિહાબને પાંચમા ધોરણમાં ફેલ થવું પડ્યું. તે સમયે શિહાબ ફક્ત 11 વર્ષનો હતો અને તેણે જીવનનાં 10 વર્ષ અનાથાશ્રમમાં વિતાવ્યાં.

સરકારી શાળા અને કોલેજમાં તેણે ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેણે એક પ્રાઇમરી સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરી. પરંતુ તે સમયે, મર્યાદિત લાયકાત હોવા છતાં તેમણે 21 રાજ્ય સ્તરની પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષાઓ પાસ કરી બતાવી. ત્યારબાદ તેમણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. જોકે, શિહાબ માટે આઈએએસ અધિકારી બનવું સરળ નહોતું. શિહાબ સિવીલ સર્વિસની પ્રથમ બે પરીક્ષામાં અસફળ થયાં હતાં. પરંતુ તેમણે ધીરજ રાખી અને ફરી મહેનત કરી ત્રીજીવાર પરીક્ષા આપી. જેમાં તેમને સફળતા મળી.

2011માં યુપીએસસી એક્ઝામમાં મુહમ્મદ અલી શિહાબનો 226 મો રેન્ક આવ્યો હતો. શિહાબનું અંગ્રેજી સારું ના હોવાથી તેણે ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રાન્સ્લેટરની જરૂર પડી, તેમ છતાં તેમણે આ ઈન્ટરવ્યૂમાં 300 માંથી 201 માર્ક્સ મેળવ્યા. અત્યારે શિહાબ નાગાલેન્ડના કિફિરેમાં આઈએએસ ઓફિસર તરીકે સેવા આપી રહ્યાં છે. તેમણે વન વિભાગ, જેલ વોર્ડન અને રેલવે ટિકિટ પરીક્ષકના પદો માટે પણ પરીક્ષા આપી છે.

મુહમ્મદ અલી શિહાબ એવાં લોકો માટે પ્રેરણારૂપ છે, જેનાં સપનાં તો મોટાં હોય છે, પરંતુ પરિસ્થિતિનાં કારણે તે પૂરાં કરવાં અશક્ય લાગે છે. આવા કિસ્સામાં જીવનમાં કંઈ જ અશક્ય નથી, એવું માનીને વ્યક્તિ પોતાના ધ્યેય પ્રત્યે અડગ રહે તો સપનું પૂરું કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here