અમદાવાદના આ હનુમાન મંદિરમાં 10 હજાર પ્રેમીપંખીડા કરી ચૂક્યા છે લગ્ન, જાણો

10 હજારથી વધુ કપલ્સ કરી ચૂક્યા છે લગ્ન.

અમદાવાદ પરિવારજનો લગ્ન માટે તૈયાર ન હોય તેવા અનેક પ્રેમીપંખીડાઓની મૂંઝવણ હોય છે કે કઈ રીતે લગ્ન કરવા, અને તેની કાયદાકીય માન્યતા પણ પ્રાપ્ત કરવી. આવા પ્રેમીપંખીડાઓને મદદ કરવા માટે પ્રખ્યાત છે અમદાવાદનું લગનિયા હનુમાનનું મંદિર. આ મંદિરમાં 10 હજારથી પણ વધુ કપલ્સ લગ્ન કરી ચૂક્યા છે. એટલું જ નહીં, આ મંદિરમાં સાદાઈથી લગ્ન કરવા માગતા લોકોના લગ્ન કરાવી આપવાની પણ તમામ સગવડ છે. તેમાંય વેલેન્ટાઈન્સ ડે પર તો આ મંદિરમાં લગ્ન કરવા માટે જોરદાર ધસારો રહે છે.

હનુમાનજી ભલે બ્રહ્મચારી હતા પણ..

હનુમાન મંદિર પોતાની આખી જિંદગી ભગવાન રામની સેવા કરનારા હનુમાનજીએ લગ્ન નહોતા કર્યા, તેમના ઘણા ભક્તો પણ આજીવન બ્રહ્મચર્ય પાળે છે. પરંતુ, તેનાથી સાવ વિપરિત એવું અમદાવાદનું એક હનુમાન મંદિર પ્રેમીપંખીડાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

ગે કપલ્સ પણ કરી ચૂક્યા છે લગ્ન.

પરિવારજનો અપનાવવા તૈયાર ન હોય તેવા કપલ્સ અહીં આવીને હનુમાનદાદાની સામે સાત જન્મ સુધી સાથે રહેવાના સોગંદ ખાય છે. મેઘાણીનગરમાં આવેલા આ મંદિરમાં અત્યાર સુધી 10,000 થી વધારે કપલ્સ લગ્ન કરી ચૂક્યાં છે. નવાઈની વાત એ છે કે, સમાજ જેમને તિરસ્કારની નજરે જુએ છે તેવા ટ્રાન્સજેન્ડર તેમજ સજાતિય લોકો પણ અહીં લગ્ન કરી ચૂક્યા છે.

લગનિયા હનુમાનના પૂજારી વેલેન્ટાઈન બાબા

હવે તો લગનિયા હનુમાન તરીકે જ જાણીતા બની ગયેલા આ હનુમાન મંદિરને પ્રેમીઓમાં આટલું લોકપ્રિય બનાવવાનો શ્રેય તેના પૂજારી મહંતશ્રી હિરાભાઈ જગુજીને જાય છે. મહંતે જણાવ્યું કે ભૂંકપ બાદ 2003 થી લગ્ન કરાવવાની શરૂઆત કરવામાં આવી. અહીં લગ્ન માટે 24 કલાક દરવાજા ખુલ્લા રહે છે. ઘણી વખતો રાત્રે 3 વાગ્યે પણ લગ્ન કરાવ્યા છે.

પ્રેમીઓની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રખાય છે.

પ્રેમીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ફોટોગ્રાફરની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે. તેમજ જે લોકો લગ્ન કરવા આવે તેમનું ફોર્મ ભરાવાય છે, જરુરી આઈડી-પ્રુફ લેવાય છે અને તેમને મેરેજ સર્ટિફિકેટ માટેના ફોર્મ કોર્પોરેશન ઓફિસમાં જમા કરાવી તેમને મેરેજ સર્ટિફિકેટ આપાવવામાં આવે છે.

15 વર્ષથી કાર્યરત છે વેલેન્ટાઈન બાબા.

આ મંદિરમાં પ્રેમીઓના લગ્નને કાયદાની માન્યતા મળે તેવી પણ તમામ વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધીમાં 10 હજારથી પણ વધુ લગ્ન કરાવનારા મંહતને લોકો હવે વેલેન્ટાઈન બાબા તરીકે ઓળખે છે. જેઓ છેલ્લા 15 વર્ષથી આ મંદિરમાં સેવા આપી રહ્યા છે.

કોર્ટ ગઈ, મંદિર વિખ્યાત બની ગયું.

હનુમાન મંદિરમાં લોકોના લગ્ન કરાવવાની શરુઆત ક્યારથી થઈ તે અંગે માહિતી આપતા વેલેન્ટાઈન બાબા કહે છે કે, અગાઉ અહીં નજીકમાં જ કોર્ટ બેસતી હતી. ત્યારે કોર્ટમાં લગ્ન કરવા આવતા કપલ્સને હિંદુ વિધિથી લગ્ન કરવા હોય ત્યારે પંડિતની જરુર પડતી. ત્યારે હું જ લગ્ન કરાવવા જતો. ધીરેધીરે લોકો જ અહીં લગ્ન કરવા આવવા લાગ્યા. હવે તો કોર્ટ પણ અહીંથી શિફ્ટ થઈ ગઈ છે, પરંતુ આ હનુમાન મંદિરમાં લગ્ન કરવા આવતા લોકોનું પ્રમાણ જરાય ઓછું નથી થયું.

સાદાઈથી લગ્ન કરવા ઈચ્છતા લોકો પણ આવે છે.

આજે પણ જેમના પરિવારજનો લગ્ન કરાવી આપવા તૈયાર ન હોય તેવા લોકો અહીં આવે છે અને રાજીખુશીથી લગ્ન કરે છે. એટલું જ નહીં, કેટલાક પરિવારો પાસે લગ્નનો ખર્ચ કરવાની ક્ષમતા ન હોય તેવા લોકો પણ અહીં લગ્ન કરવા માટે આવે છે, અને મંદિર તરફથી તેમને શક્ય એટલી તમામ મદદ કરવામાં આવે છે.

હનુમાનજી પર શ્રદ્ધા છે.

લગ્ન કરવા માટે આવેલા હાર્દિક પંચાલે જણાવ્યું કે અમને હનુમાનજી પર શ્રદ્ધા છે. હું જે યુવતીને પ્રેમ કરતો હતો તેની સાથે મારે લગ્ન કરવા હતા. આ બાબતે બંને પરિવારજનોને વાત કરી અને તેઓ આખરે તૈયાર થઈ ગયા. જેથી આજે અમે અહીં લગ્ન માટે આવ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here