બધી નહીં પરંતુ અમુક જૂની ખોટી પરંપરાઓ પાછળ નું રહસ્ય દર્શાવતી વાર્તા . અચૂક વાંચવા જેવી

એવું કહેવાય છે કે નીચેનો પ્રયોગ યુ.કે.માં કરવામાં આવ્યો હતો – પાંચ વાંદરાઓને એક કમરામાં મૂકવામાં આવ્યા. કમરા ની વચ્ચોવચ એક નિસરણી મૂકવામાં આવી. વ્યવસ્થા એવી હતી કે આ નિસરણી પર ચઢી, વાંદરાઓ છત પરના હૂક પર લટકાવેલી કેળાંની લૂમને લઈ શકે.

પરંતુ સાથે સાથે બીજી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે જ્યારે પણ કોઈ વાંદરો નિસરણી ચઢવા જાય કે તરત બધા જ વાંદરાઓ પર બરફ નું ઠંડુંગાર પાણી છંટાવાનું શરૂ થઈ જાય. આ ઠંડા પાણીથી વાંદરાઓ ખૂબ યાતના અનુભવે.

થોડા વખતમાં એવું થઈ ગયું કે જ્યારે પણ કોઈ વાંદરો નિસરણી ચઢવા જાય કે બાકીના બધા વાંદરા તેને અટકાવવા તેના પર તૂટી પડે, કારણ કે તેઓ પેલા ઠંડાગાર પાણીનો છંટકાવ ન થાય તેવું ઇચ્છતા હતા. એટલે થોડા વખતમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ કે કોઈ વાંદરો નિસરણી પર ચઢતો નહીં.

હવે પાંચમાંથી એક વાંદરાને કમરા માંથી બહાર કાઢી, તેની જગ્યાએ એક નવા વાંદરાને મૂકવામાં આવ્યો. નિસરણી અને કેળાંની લૂમ જોઈને આ વાંદરાને થયું કે બાકી ના વાંદરા કેમ કે સ્વાભાવિક છે તે નથી કરી રહ્યા! તેણે તો તરત નિસરણી તરફ જવાનું શરૂ કર્યું.

આ વખતે ઠંડાગાર પાણીનો છંટકાવ ન કરવામાં આવ્યો. અચાનક મૂળ ચાર વાંદરાઓ તેના પર તૂટી પડ્યા ને તેને બરાબર દબાવી રાખ્યો. પેલા નવા પાંચમા વાંદરાને કાંઈ ગતાગમ ન પડી કે આ વાંદરાઓ આવું કેમ કરે છે. જેવો આ પાંચમો વાંદરો કેળાંની લૂમની નજીક જતો કે આ ઘટનાનું પુનરાવર્તન થતું. છેવટે આ નવા વાંદરાએ પણ નિસરણી પર ચઢવાના પ્રયત્નો

છોડી દીધા. ફરી પ્રયોગ આગળ વધારવામાં આવ્યો. હવે મૂળ પાંચમાંના બીજા વાંદરાને હટાવી, તેની જગ્યાએ નવા વાંદરાને મૂકવામાં આવ્યો. નવા વાંદરાએ પણ સ્વાભાવિક રીતે કેળાં માટે નિસરણી ચઢવાનો પ્રયત્ન કર્યો, પણ બીજા વાંદરાઓએ તેની પણ એ જ અવદશા કરી.

મજાની વાત એ છે કે તૂટી પડવામાં પેલો પહેલો નવો વાંદરો પણ હતો! તેને હવે જરા રાહત છે કે આ વખતે માર ખાવાનો વારો તેનો નથી! પેલા નવા વાંદરાને મારવામાં તે પણ એટલા માટે જોડાઈ ગયો કે બીજા વાંદરા પણ એમ કરી રહ્યા છે.

પેલા ચાર વાંદરાઓ તો પાણીનો છંટકાવ કળવા નવા વાંદરાને નિસરણી પર ચઢતા રોકી રહ્યા છે, પણ પેલા પહેલા વાંદરાને તો કાંઈ ખબર જ નથી કે તે બીજા વાંદરા પર હુમલો શા માટે કરી રહ્યો છે! આ જ રીતે પ્રયોગમાં છેવટે એક પછી એક કરીને બધા વાંદરાઓને હટાવી દેવામાં આવ્યા. એટલે હવે કમરામાંના પાંચેય વાંદરા નવા છે.

તેમાંથી કોઈની પર પણ ઠંડાગાર પાણીનો છંટકાવ નથી થયો. છતાં તેમાંથી કોઈ નિસરણી ચઢવાનો પ્રયત્ન નથી કરતું. અને જો કોઈ નવો વાંદરો પ્રયત્ન કરે તો પૂરા જુસ્સાથી તેઓ તેના પર તૂટી પડી, તેને અટકાવે છે, એ જાણ્યા વિના કે તેઓ આમ કેમ કરી રહ્યા છે!

આપણે પરંપરાઓ, પ્રણાલિકાઓ, ધર્મો, વ્યવસ્થાઓને શા માટે અનુસરીએ છીએ તે આપણે જાણીએ છીએ? “આમ શા માટે ?”- તેવો પ્રશ્ન આપણે કરીએ છીએ? શું બીજા લોકો જે કરે છે તેવું વિચાર્યા વિના કરવા માંડવું યોગ્ય છે? શું આપણે જીવન આપણી સમજણને અનુસરીને જીવીએ છીએ કે પછી દેખાદેખીથી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here