“શ્રી ખોડિયાર માતાજી” નાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧ મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી.
એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ‘મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.
આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.
આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.
જાનબાઈ માંથી ખોડિયાર કહેવાયા
વિશ્વમાં ઘણીબધી વ્યક્તિઓ કે દેવી દેવતાઓનાં ઉપનામ પડવા પાછળનું કોઈને કોઈ કારણ જોવા મળે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્ર માં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
‘હે નવદુગાઁ માઁ આઇ ખોડીયાર’ તમારા સપ્તાક્ષરમાં સાક્ષાત દર્શન થાય છે ‘જ ‘ કેતા જીવન સુધરે, ‘ય’ કેતા અવની સુખ મળે, ‘ખો’ કેતા માઁ ખડી થાય, ‘ડી’ કેતા દળદળ જાય, ‘યા’ કેતા માઁ આવી મળે, ‘ર’ કેતા રિદ્ધિ સિદ્ધિ મળે, ‘માઁ ‘ કેતા મરણ ટાળે, ‘જય ‘ કેતા જયકાર થાય, ‘ખોડિયાર’ કેતા સંકટ જાય.
ખોડિયાર જયંતિ – મહાસુદ આઠમ
માતાજી કુંભ લઈને પાછા આવતા હતાં ત્યારે મગર ઉપર સવાર થઈને બહાર આવેલાં. બહાર આવ્યા પછી તેમને ઠેસ વાગતા પગ ખોડંગીને ચાલતા હતા તેથી લોકો બોલી ઉઠયાં ‘ખોડી આઈ, ખોડી આઈ’ તે પરથી ખોડિયાર નામ પડયું.
મહા સુદ આઠમ એટલે જગત જનની માં ખોડિયારનો પ્રાગટયદિન. મા ખોડિયારના પ્રાદુર્ભાવની કથા કંઈક આવી છે. ભાવનગર જીલ્લાના પાળીયાદ પાસે રોહીશાળા ગામે રહેતા મામૈયા (મામળદેવ) નામે ચારણ જ્ઞાાતિના પ્રભુ ભક્ત રહેતા હતા. તેમના પત્નીનું નામ દેવળબાઈ. દેવળબાઈ વલ્લભીપુરના દીકરી હતા તથા પ્રખર ભક્ત હતાં. ભગવાન શંકરના તેઓ ઉપાસક હતા. તેમનાં ઘેર સંતાન ન હોઈ તેમણે ભગવાન શંકરને આજીજી તથા પ્રાર્થના કરી. તેથી શિવજીનાં વરદાનથી તેમને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ.
પુત્રનું નામ રાખ્યું મેરખીયો. ત્યાર પછી તેમને ત્યાં વારાફરતી સાત પુત્રી જોગમાયાના રૃપમાં અવતરી. આ પુત્રીઓનાં નામ રાખ્યા આવળ, જોગલ, તોગલ, હોલબાઈ, બીજબાઈ, ખોડલ તથા સાંસાઈ. ખોડલ શિવમંદિરથી દર્શન કરીને પાછી ફરી રહી હતી ત્યારે તેના પગમાંથી કંકુ ઝરવા લાગ્યું હતું. તેની પાછળ પાછળ કંકુનાં પગલાં જોઈ સહુ આશ્ચર્યમાં મુકાઈ ગયા. પછી લોકોને પરચા મળવા લાગ્યા તેથી જાણ થઈ કે આ ખોડલ માનો સાક્ષાત અવતાર છે.
ખોડિયાર માતાનું વાહન મગર છે. એક વખત માના નાનાભાઈ મેરખીયાને સર્પે દંશ દીધો. સર્પદંશથી તેને બચાવવા માટે મા પોતે અમૃત કુંપી લેવા ધરામાં ગયેલા. જેને તળીયું નથી તેવા ઉંડા ગળધરામાં મા ઉતર્યા. આ ગળધરાને પાતાળ લોક સાથે જોડાણ હતું. માતાજી કુંભ લઈને પાછા આવતા હતાં ત્યારે મગર ઉપર સવાર થઈને બહાર આવેલાં. બહાર આવ્યા પછી તેમને ઠેસ વાગતા પગ ખોડંગીને ચાલતા હતા તેથી લોકો બોલી ઉઠયાં ‘ખોડી આઈ, ખોડી આઈ’ તે પરથી ખોડિયાર નામ પડયું.
માતાજીનું પ્રતીક દેવચકલી છે. ભાવનગરના નરેશને ખોડિયારમાં અતિશય શ્રદ્ધા હતી તેથી તેમણે જ ભાવનગર પાસેના રાજપરામાં માના મંદિરની સ્થાપના કરેલી. આજે અસંખ્ય ભાવિક ભક્તો ધરાનાં તથા માનાં દર્શને આવે છે.
અમરેલી પાસે ખોડિયાર ડેમ નજીક ગળધરા પાસે પણ ખોડિયાર મંદિર આવેલું છે તો સૌરાષ્ટ્રમાં વાંકાનેર પાસે માટેલ ગામમાં પણ ખોડિયાર માનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. પાટીદારની લેઉઆ જ્ઞાાતિનાં કુળદેવી ખોડિયાર માંનું ભવ્ય મંદિર જેતપુર પાસે કાગવડમાં તાજેતરમાં જ નિર્માણ પામ્યું છે. મા ખોડિયાર પાટીદાર ઉપરાંત ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય તથા ઉચ્ચ અને મધ્યમ વર્ણના પણ કુળદેવી છે.
ખોડીયાર માના પ્રાગટયને ૧૨૦૦ વર્ષ થઈ ગયા છતાં કળીયુગમાં ખોડિયારને અઢારેય વર્ણ પુજે છે. ઉપાસકો, ભક્તો, શ્રદ્ધાળુઓ પોતાનાં મકાનના તથા ધંધા કે વ્યવસાયમાં પણ ખોડિયારનું નામ રાખે છે. ભાવનગર તથા અમદાવાદ પાસે ખોડિયાર રેલ્વે સ્ટેશનો પણ છે. જામનગરમાં ખોડિયાર કોલોની પણ છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, કચ્છ તથા રાજસ્થાનમાં પણ ખોડિયાર માના મંદિરો આવેલાં છે.
કાગવડ ગામમાં નિર્માણ પામેલું ખોડલધામ ખુબજ ભવ્ય, મનોહર, આકર્ષક તથા દર્શનીય છે.
ખોડિયાર મા ભક્તોની આસ્થા, શ્રદ્ધા પુર્ણ કરે છે. ખોડિયાર જયંતિ નિમિત્તે મા ખોડલનાં ચરણોમાં શતકોટિ નમસ્કાર વંદન! મા ખોડીયારની જય! મા ખોડલને ઘણી ખમ્મા!