ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ફરી એકવાર સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પદ પર નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગે ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો અને ચેરમેન પદે કેશુભાઈ પટેલની સર્વાનુમતિથી નિમણુંક કરવામાં આવી હતી. આ પહેલા અટકળો ચાલી હતી કે, કદાચ કેશુભાઈની અસ્વસ્થ તબિયતને લઇને અન્ય ચેરમેનની નિમણૂક કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી પણ સોમનાથ મંદિરના ટ્રસ્ટી છે.
23 ઓગસ્ટે મળી હતી ટ્રસ્ટની વાર્ષિક બેઠક
23 ઓગસ્ટના રોજ રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની વાર્ષિક બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી સભ્યો એવા સાંસદ લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પરિમલ નથવાણી અને પી.કે. લહેરી હાજર રહ્યા હતા.
પીએમ મોદી સવારે સુરત ખાતે આવી પહોંચ્યા બાદ વલસાડ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને ત્યાંથી તેઓ જૂનાગઢ ગયા હતા. જૂનાગઢમાં મેડિકલ કોલેજ સહિત અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને ત્યાંથી તેઓ ગાંધીનગર આવ્યા હતા. જ્યાંથી તે દિલ્હી રવાના થયા હતા.