ભાજપના મંત્રી જયેશ રાદડિયાની SBIને ખુલ્લી ધમકી, ‘સંકેલી લ્યો, કામકાજ’

ખેડૂતોના પ્રશ્ને વારંવાર રજુઆત છતાં બેંકે કોઈ જવાબ ન આપતા અંતે તાળાબંધી કર્યાનો મંત્રી રાદડિયાનો દાવો

વિઠ્ઠલ રાદડીયાના પુત્ર અને સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ આજે રાષ્ટ્રીયકૃત બેંક “સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા”ની જેતપુર શાખામાં જઈને તાળાબંધી કરી હતી. એટલે સુધી કે તેમણે આ બેંકને તેનું કામ સંકેલી લેવાની ધમકી આપી દીધી! જોકે, મંત્રી જયેશ રાદડિયાનો દાવો છે કે અનેક રજુઆતો કરવામાં આવ્યા પછી પણ બેંકે ખેડૂતોનો પાક વીમો ન ચુકવતા તાળાબંધી કરવાની ફરજ પડી હતી, પરંતુ અહીં મંત્રી રાદડિયાએ એ ના ભૂલવું જોઈએ કે રાજ્યના એક જવાબદાર મંત્રી તેમણે તરીકે કેવી રીતે વર્તન કરવું જોઈએ.

જેતપુર તાલુકાના દસ જેટલા ગામના 150 જેટલા ખેડૂતોને વર્ષ 2017ના પાક વીમા માટે છેલ્લા એક વર્ષથી શહેરમાં આવેલી એસબીઆઈ બેંકે ધક્કા ખાઈ રહ્યા હતા. ખેડૂતોની અનેક રજૂઆત છતા બેંક દ્વારા પાક વીમા બાબતે ઉદાસીનતા દર્શાવતા હોય ખેડૂતો દ્વારા બે મહિના પૂર્વે અર્ધ નગ્ન અવસ્થામાં બેંક તેમજ મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને તાત્કાલીક પાક વીમો ચૂકવવાની માંગ કરી હતી. તત્કાલીન સમયે બેંક મેનેજર દ્વારા ખેડૂતોને ટૂંક સમયમાં વીમો ચૂકવશે તેવી ધરપત આપી હતી.

આ ધરપતને પણ બે મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં ખેડૂતોને પાક વીમો ન મળતા ખેડૂતો દ્વારા રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જયેશ રાદડિયાએ આજે ખેડૂતો સાથે એસબીઆઇ બેંકમાં જઈને બેંક મેનેજરનો કડક ભાષામાં ઉધડો લીધો હતો. રાદડિયાએ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો એક મહિનામાં ખેડૂતોને વીમાની રકમ નહીં મળે તો જેતપુરની અંદર તમામ એસબીઆઈ બેંકને તાળા મારી દેવામાં આવશે.

જયેશ રાદડિયાએ એસબીઆઇ બેંક પર ખેડૂતો સાથે હલ્લાબોલ કરતા બેંક મેનેજરે તરત જ પોલીસ બોલાવી લીધી હતી. જોકે, કેબિનેટ મંત્રી સામે પોલીસ પણ મૂક પ્રેક્ષક જ બની ગઈ હતી અને તમામ કાર્યવાહી મુંગા મોઢે નિહાળી હતી.

જયેશ રાદડિયાનું કહેવું છે કે ખેડૂતોને હજી ગયા વર્ષનો વીમો ભરી દીધો નથી. આ માટે 150 ખેડૂતોએ સમયસર બેંકને પ્રિમિયમ ભરી દીધું હતું. આ પ્રિમિયમ કોઈ કારણને લીધે બેંક તરફથી વીમા કંપનીને મળ્યું ન હતું. બેંક અને વીમા કંપનીની તકરારમાં ખેડૂતો છેલ્લા 11 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here