પાટીદાર સમાજમાં મહિલા અગ્રણીઓમાં પાસ કન્વીનર કહેવાતા એવાં ગીતા પટેલને લઇને હાર્દિક પટેલે કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ એક મોટી ડિમાન્ડ મૂકી છે. જેમાં ગીતાબેન પટેલને ટિકિટ આપવામાં આવે તેવી હાઇકમાન્ડ સમક્ષ હાર્દિકે માંગ કરી છે.
કોંગ્રેસમાં જોડાતાં જ હાર્દિકે પોતાની માંગો શરૂ કરી દીધી છે. ત્યારે પાસ કન્વીનર કહેવાતા એવાં ગીતાબેન પટેલ પણ ચૂંટણી લડી શકે તે માટે કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ હાર્દિકે ધ્રાંગધ્રા બેઠક પરથી ગીતાબેન પટેલને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા સીટ પરનું રાજકારણ છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચામાં જ હતું. ત્યારે મહત્વનું છે કે ધ્રાંગધ્રા વિધાનસભાનાં ધારાસભ્ય કહેવાતા એવાં પરસોતમ સાબરિયા જ્યારથી ટિકિટ લઇને આવ્યાં હતાં ત્યારથી જ કાર્યકરોનો વિરોધ તો હતો પરંતુ જેમ-તેમ રીતે એટલે કે કોઇને કોઇ રીતે પરસોતમ સાબરિયાએ પોતાનાં કાર્યકરોને મનાવી લઇને તેઓ વિધાનસભા તો જીતી ગયાં હતાં.
મહત્વનું છે કે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય એવાં પરસોતમ સાબરીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ આખરે ભાજપમાં જોડાઇ ગયા હતાં. ધ્રાંગધ્રાનાં પૂર્વ MLA પરસોતમ સાબરિયા ભાજપમાં જોડાતાં જ તેમનાં સૂર પણ બદલાઇ ગયાં હતાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ છે જેનાં કારણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો.
તો સાથે એમ કહ્યું કે, હું કોઇ પણ શરત વગર ભાજપમાં વિકાસ માટે જોડાયો છું. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ આઈ.કે જાડેજા અને કે.સી.પટેલની હાજરીમાં તેઓએ 1000 ટેકેદારો સાથે ભાજપમાં કેસરિયો ભગવો ધારણ કર્યો હતો.
જેથી હવે ધ્રાંગધ્રાની બેઠક ખાલી થતાં હાર્દિકે પાસ કન્વીનર ગીતાબેન પટેલને ધ્રાંગધ્રાની ટિકિટ આપવાની કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ માંગ કરી છે.