ચાર દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિકની તબિયત લથડી શકે છે. સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે તેને જ્યૂસ લેવાની સલાહ આપી છે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે જો હાર્દિકે ફ્રુટ અને જ્યૂસ ન લીધા તો તેની કિડની પર તેની અસર થઈ શકે છે. ઉપવાસ પર બેઠેલા હાર્દિકના વજનમાં પણ એક કિલોનો ઘટાડો થયો છે.
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે ચોથો દિવસ છે. એનસીપીના નેતા પ્રફુલ પટેલે આજે હાર્દિકની મુલાકાત લઈને તેની માગણીઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે. પાસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હાર્દિકના સમર્થનમાં પૂર્વ પીએમ એચડી દેવગૌડા પણ બેંગલુરુમાં આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.
હાર્દિકે ગઈકાલે દાવો કર્યો હતો કે, મધ્યપ્રદેશથી 300 ગાડીઓ ભરીને તેના સમર્થકો તેને મળવા અમદાવાદ આવી રહ્યા છે. આજે મધ્યપ્રદેશથી કેટલાક લોકો હાર્દિકને મળવા આવી પહોંચ્યા હતા. જોકે, પોલીસે તેમને વૈષ્ણોદેવી સર્કલ તરફ જવા ફરજ પાડી હતી. પોલીસે માત્ર સાત જ આગેવાનોને હાર્દિકને મળવાની મંજૂરી આપી હતી. જ્યારે અન્ય લોકોને જવા નહોતા દીધા. આ લોકોએ લોકલ ન્યૂઝ ચેનલ્સને જણાવ્યું હતું કે, તેઓ કોઈ હંગામો કરવા નથી આવ્યા છતાં પોલીસ તેમને હાર્દિકને મળવા નથી દેવાઈ રહ્યા.