વેકેશન સ્પે: ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો? આ રહ્યા ગુજરાતના ૧૫ પ્રવાસન સ્થળો..

ગુજરાત યાત્રાધામો, ડુંગરો, દરિયા અને રણ માટે જાણીતું છે, કુદરતે ગુજરાતને ઘણું આપ્યું છે. જો ફરવા જવું હોય તો ગુજરાતની બહાર જઈને નહી પણ ગુજરાતમાં રહીને પણ ઘણા સ્થળોએ જઈ શકો છો. ઉનાળામાં વેકેશન શરુ થઇ ગયું છે, સૌ કોઈ હવે બહાર ફરવા જવાના આયોજન કરવા લાગ્યા છે.

ત્યારે We Gujjus તરફથી તમને આ આયોજનમાં મદદ થઇ શકે તે હેતુસર ૧૫ સ્થળોના નામ, ખાસિયત, રોકાવાની સુવિધા અને અંતર સહિતની માહિતી આપવામાં આવી છે. જેમાં જંગલો, દરિયા, પહાડો અને મંદિરો સહિતના સ્થળોનો ઉલ્લેખ છે.

ચાલો એક નજર કરીએ આ સ્થળોની યાદી પર

૧. ગીરનું જંગલ:

ગુજરાતનો સૌથી મોટો અભયારણ્ય વિસ્તાર એટલે ગીર ! સાવજોની વસ્તી ધરાવતો અદ્ભુત અરણ્ય સંગમ અનેક જાતના વૃક્ષો ધરાવતો અને અનેક નદી નાળાં સમેત ઝરણા ધરાવતો ભવ્ય પ્રકૃતિ મહોત્સવ ! માઇલો સુધી પથરાયેલ ગીરનું જંગલ પ્રકૃતિની પૂર્ણતા છે.

એશિયામાં માત્ર ગીર અભયારણ્યમાં જ ખુલ્લામાં સિંહો વિહરતા જોવા મળે છે. દેશ અને દુનિયામાંથી લોકો ગીરમાં સિંહો જોવા આવે છે ત્યારે આપણે ગુજરાતમાં રહેનારા માટે તો આ સૌભાગ્યની તક કહેવાય.

ગીરનું જંગલ પ્રાકૃતિકની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. ભવ્ય સંસ્કૃતિક ધરોહર ધરાવતા ગીરના જંગલ સાથે મહાભારતના પણ અમુક અંશો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

માનસિક શાંતિ માટે અને પ્રકૃતિની ખોજમાં ખોવાઈ જવા માટે ગુજરાતમાં ગીરનું જંગલ શ્રેષ્ઠ વિકલ્પ છે, ત્યાં જશો એકવાર તો તમે ગીરના ચાહક જરૂરથી બની જશો.

ગીરના જંગલની આસપાસ અનેક રિસોર્ટ આવેલા છે, આ ઉપરાંત તમે ઉના પણ રોકાઈ શકો છો, ગીરના એક છેડા ધારીમાં પણ રોકાવાની સુવિધા છે, વિસાવદરમાં પણ રોકાઈ શકો છો.

અમદાવાદથી ગીર જવા માટે અમરેલીથી ધારી થઈને જાવ તો ૩૩૦ કિમી જેવું અંતર થાય, ત્યારબાદ ગીરના જંગલમાં તમે તમારી રીતે ફરી શકો છો.

(અંતર અમદાવાદથી આપવામાં આવ્યું છે એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લોકો તેને પોતાના ગામ કે શહેરથી અમદાવાદ સુધીના અંતરને જોડીને ચોક્કસ અંતર જાણી શકે)

2. સાપુતારા:

સાપુતારા એટલે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે.

સાપુતારા ગુજરાતમાં હવા ખાવા માટેનું એકમાત્ર સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલ સાપુતારાની ભવ્ય પહાડીઓ ખરેખર મનમોહક છે. ત્યાં પ્રકૃતિ ખોબે ખોબે પથરાઇ છે.

સાપુતારામાં ઉનાળામાં વાતાવરણ ઠંડકભર્યું હોય છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી ૩૦ ડીગ્રીની ઉપર નથી જતો.

અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે.

ખાસ તો નૌકાવિહાર માટે જળાશય ! આહ્લાદક અનુભવની સાચી મજા ! ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઇઝ પોઇન્ટનો લ્હાવો પણ લીધા જેવો છે. સાપુતારાથી થોડે દુર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે.

સાપુતારામાં રોકાવા માટે અનેક હોટલોની સુવિધા છે. અમદાવાદથી સાપુતારાનું અંતર ૪૨૦ કિમી જેટલું છે.

૩. સોમનાથ

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

સોમનાથમાં મંદિરની સાથે તોફાની દરિયો પણ આવેલો છે, આ ઉપરાંત સોમનાથમાં ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ પણ જોવા લાયક છે.

સોમનાથમાં રોકાવા ગેસ્ટ હાઉસ, હોટલોની સુવિધા છે. અમદાવાદથી સોમનાથનું અંતર 410 કિમી જેટલું થાય છે.

૪. તારંગા 

મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી ૧૨૦૦ ફિટ ઉંચી આ ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે.

અહીની પર્વતીય સુંદરતા જોવાલાયક છે.ઉપરથી માઇલો સુધી પથરાયેલ અરવલ્લીના અનેક ટેકરાઓની રમણીયતા નજરે પડે છે.

અહી જૈન મંદિરૌ આવેલા છે.કુમારપાળે અહિં ભગવાન અજિતનાથનું સુંદર દેરું બનાવેલું.અહિં ઘણા જૈન મંદિરો આવેલા છે.જૈન લોકો માટે આ સ્થળ શ્રધ્ધાનું કેન્દ્ર છે.અહિંની મુલાકાત પણ મનોહર છે.

૫. દિવ

આમ તો દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, સરકારી રીતે ગુજરાતમાં ગણવામાં નથી આવતું પણ ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે જ જોડાયેલું છે. દીવની ફરતે દરિયો છે.

દિવમાં નાગવા બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, આ ઉપરાંત દીવનું આહ્લાદક વાતાવરણ પણ મનને ખુશ કરી દે તેવું છે. દીવમાં ઘોઘલા અને જલંધર બીચ પણ ફરવાલાયક સ્થળો છે. દીવનો કિલ્લો – મ્યુઝીયમ સહિત દરિયાકિનારે સહેલગાહ પણ યાદગાર રહી જાય તેમ છે. આ ઉપરાંત અહીની નાઈડા કેવ્સ પણ શાનદાર છે.

દિવમાં અનેક હોટલો આવેલી છે આ ઉપરાંત દીવની નજીક ઉનામાં પણ રોકાવા માટે અનેક ગેસ્ટ હાઉસો અને હોટલો આવેલી છે. અમદાવાદથી દીવનું અંતર 400 કિમી જેટલું થાય છે.

૬. પાલિતાણા 

ભાવનગરમાં આવેલ જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થળ છે.આ નગરને “મંદિરોનું શહેર” પણ કહેવાય છે. પાલીતાણામાં જૈન યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે. અદ્ભુત કોતરણી અને પવિત્રતાનો સંગમ ! બસ,જોતા જ રહીએ એવી આહ્લાદક અનુભુતિ અને શાંતિનો અનુભવ આ સ્થળે થયા વિના રહેતો નથી.

જૈનોના પ્રથભ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલ આ તીર્થંને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. દેરાસર પાસે અહિં મુસ્લીમોની પવિત્ર દરગાહ પણ આવેલ છે. અહિયાનું નયનરમ્ય વાતાવરણ બધાંને આકર્ષિત કરનાર છે.

આ ઉપરાંત પાલીતાણા નજીક હસ્તગીરી પણ ફરવાલાયક સ્થળ છે. અમદાવાદથી પલીતાનાનું અંતર ૨૧૪ કિમી જેટલું થાય છે.

૭. ગિરનાર:

ગીરની લીલોતરી વિશે તો આગળ વાત કરી પણ હવે ગીર જેને લીધે જાણીતું બન્યું એવા ગિરનાર વિશે. ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને શ્રેષ્ઠત્તમ ઉંચાઇ ! જુનાગઢની ઉપર ગિરનાર જાણે પડછાયો બનીને ઉભેલ છે.

ગીરનાર ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે.

ગિરનારના  ધોધો, અહિંના ઝરણાં અને અહી મળતી અનેક ઔષધિઓ, દિવસરાત ફરતા જ રહો તેમ થયા કરે ! ગિરનારની ટોચ ઉપર ગુરૂદત્ત બિરાજમાન છે. તો ઉપરકોટનો કિલ્લો પણ તેની ભવ્યતા માટે આકર્ષક છે.

ગિરનાર પર હિંદુ, જૈન અને બૌધ્ધ ધર્મના તીર્થસ્થળ આવેલા છે. કહેવાય છે કે, ગિરનાર ના ચડે એ વ્યક્તિએ કુદરતને જોઇ જ નથી !

ગીરનાર જુનાગઢમાં આવેલ છે અને જુનાગઢમાં રોકાવા માટેની અનેક સુવિધાઓ રહેલી છે. અમદાવાદથી જૂનાગઢનું અંતર 315 કિલોમીટર જેટલું થાય છે.

૮. તુલસીશ્યામ 

સિંહોનો વસવાટ

ગીરની રમણીય વનરાઇઓમાં આવેલ આનંદમય પ્રકૃતિ ધરાવનાર તીર્થસ્થળ એટલે તુલીસુશ્યામ. અમદાવાદથી ધારી થઈને દુધાળા થઈને જઈ શકાય તો બીજીતરફ ઉના થઇને પણ જઇ શકાય.

જ્યારે જુનાગઢથી ૧૨૩ કિલોમીટરનું અંતર કાપી સત્તાધાર અને ધારી ઉપરથી પણ જઇ શકાય. તુલસીશ્યામની આસપાસ કોઇ ગામ નથી,માત્ર અફાટ ગીરની વનરાજી પથરાયેલ છે !

રાત્રે 8 પછી બહારથી તુલસીશ્યામ તરફ પ્રવેશ નથી મળતો તો રાત્રે તુલસીશ્યામથી બહાર રસ્તા પર વાહન રોકવાની પણ મનાઇ છે.

જંગલની અંદર મંદિર આવેલું હોવાથી અહિયાં વન્યજીવોની અવરજવર રહેતી હોય છે. ભગવાન વિષ્ણુ અને વૃંદા અર્થાત્ તુલસીના મહિમાનો સિતાર આપે છે તુલસીશ્યામ ! અહિયાં વૃંદા રીસાયા હતાં.

કુદરતી સૌદર્યથી ભરપુર છે આ સ્થળ. અહીંના જંગલમાં ઘોડા, હરણ, સિંહ, દિપડા વગેરે જોવા મળે છે. આ સ્થળે જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. અહીંયા શ્યામસુંદર ભગવાનનું મંદિર છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે.

તુલસીશ્યામ મંદિરે હાલમાં રાત્રી રોકાણની વ્યવસ્થા શરુ થઇ છે અને અમદાવાદથી તુલસીશ્યામનું અંતર ૩૫૦ કિમી જેટલું થાય છે.

૯. ગીર કનકાઇ

ગીરની અસલ સુંદરતા અને પ્રકૃતિની વિશાળતા નિહાળવી હોય તો આ સ્થળે જવું જ રહ્યું. અહી કનકાઇ માતાજીનું મંદિર આવેલ છે. પ્રકૃતિ અહી પુરજોશમાં ખીલી છે.

સદાય લીલીછમ રહેતી વનરાજીઓની વચ્ચે આ સ્થળ આવેલ છે. ગીરના જંગલના મધ્યના ભાગમાં આ મંદિર આવેલું છે. તુલસીશ્યામથી ૨૨ કિ.મી.દુર આ સ્થળ આવેલ છે.

અહી વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે કારણકે જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં ૭ વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે.

તેમજ ગીરના જંગલની મધ્યમાં હોવાથી સિંહોની મહત્તમ વસ્તી ત્યાં વસવાટ કરતી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે. આ ઉપરાંત હાલમાં ત્યાં જવાનો રસ્તો પણ ઘણો બિસ્માર છે છતાંયે આ સ્થળનો લ્હાવો લેવાની એ જ સાચી મજા છે…!

૧૦. માંડવી બીચ 

કચ્છનો એક લાવણ્યમય વિસ્તાર એટલે માંડવી બીચ…! માંડવી શહેરનો આ દરિયા કિનારો ખરેખર અદ્ભુત છે.  અહી દુર સુધી સમુદ્રનું સ્ફટિકમય પાણી જોવા મળે છે. વિદેશોના બીચ જોવો જ એકદમ સ્વચ્છ…!

અહિયાંનો બીચ આ ખાસિયત માટે જ લોકપ્રિય બન્યો છે.આ ઉપરાંત માંડવીમાં કલાઓના નમુના પણ મળી જાય છે.

કચ્છના ભરત-ગુંથણ ઇત્યાદિ કલાઓ જોવા અને જાણવા માટે પણ માંડવીની મુલાકાત લેવા જેવી ખરીઅને ખાસ તો અહિંના સમુદ્રી વાતાવરણ માટે…!

૧૧. ચોરવાડ બીચ 

દરિયાની સુંદરતા નિહાળવા માટે આ બીચ પણ લોકપ્રિય છે.ચોરવાડના કિનારે આવેલ આ બીચ પર હોલિ ડે કેમ્પનું પણ આયોજન થાય છે. અહીના બીચની સુંદરતાથી આકર્ષાઈને સહેલાણીઓ દુરદુરથી ચોરવાડ ફરવા આવે છે. આ ઉપરાંત ત્યાં આવેલો નવાબનો પેલેસ પણ ખાસ જોવાલાયક છે.

ગીર સોમનાથ જીલ્લામાં આ સ્થળ આવેલ છે. નાઘેરના પ્રદેશની પશ્વિમ તરફથી શરૂઆતનું બિંદુ એટલે ચોરવાડ ! ચોમાસામાં અહિયાંનો સમુદ્ર ગાંડોતૂર બને છે, માટે શિયાળા અને ઉનાળાનો સમય આ સ્થળ વિહાર માટે ઉત્તમ છે…!

૧૨. પોલો ફોરેસ્ટ (પોળોના જંગલો)

પોળોનું જંગલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી વિજયનગર જવાના રસ્તે આવેલું છે. આ જંગલ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી ૭૦ કિમી અને અમદાવાદથી ૧૫૦ કિમીના અંતરે છે. જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.

પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ – પિકનિક માણી શકો છો. બારેય મહિના તમે પોળોના જંગલોમાં આવી શકો છો પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ.

ચોમાસામાં અને દિવાળી આસપાસના સમયમાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે, વધુમાં તમને આ સ્થળે રોકાઈ જવાની ઈચ્છા થશે, જો કે હાલમાં અહિયાં રોકાવા માટેની કોઈ સુવિધા ઉભી થઇ નથી.

૧૩. ધોરડો – સફેદ રણ

કચ્છનું સફેદ રણ આપણને જમીન પર જ ચન્દ્ર પર હોઈએ તેવો સંપૂર્ણ અનુભવ આપે છે. અહિયાં ઘણા પ્રવાસો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત ત્યાં કચ્છની પરંપરાગત વસ્તુઓ – કલાત્મક વસ્તુઓ પણ મળે છે.

કચ્છનું સફેદ રણ માત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ક્ષારના કારણે રણની રેતીનો ભુખરો રંગ સફેદ થઇ જાય છે અને ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવું ર્દશ્ય દેખાય છે.

આથી આ રણને સફેદ રણ કહેવામાં આવે છે.પાણી સુકાઈને રણના રૂપમાં ફેરવાઈ જાય છે તે ખારોપાટ ચાંદી જેવો ચમકતો વિશાળ વિસ્તાર છે. કચ્છના બન્ની પંથક ના ઘોરડો પછી આ રણ શરૂ થાય છે. શીતળ ચાંદનીમાં આ રણની નજાકત ખીલી ઉઠે છે.

અમદાવાદથી ૪૦૩ કિલોમીટરના અંતરે ધોરડો આવેલું છે.

૧૪. દ્વારકા મંદિર

અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુ છે. ૬૦ થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે.

દ્વારકાથી ત્રીસ કિ.મી. દુર બેટદ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.

ચાર ધામ અને સાત નગરીઓમાં શ્રેષ્ઠ એવી દ્વારિકા નગરી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય રહી છે. આદ્ય શંકરાચાર્યે અહી શારદાપીઠની સ્થાપના કરી અને પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્ય ( મંડન મિશ્ર ) ને પીઠાધીશ્વર સ્વરૂપે અધિષ્ઠિત કર્યા.

કંસવધ પછી ભગવાન શ્રી કૃષ્ણે મથુરાથી દ્વારિકા પોતાની ગાદી સ્થાપી. શ્રી કૃષ્ણની ભૌતિક લોકલીલા સમાપ્ત થવાની સાથે દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ. આજે દ્વારકા નાનું એવું નગર છે, પણ પોતાનામ એક ગૌરવપૂર્ણ સંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છુપાવી રાખ્યો છે.

અમદાવાદથી દ્વારકાનું અંતર 441 કિલોમીટર જેટલું છે.

૧૫. રતનમહાલ

ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા દાહોદ જિલ્લાના રતનમહાલ જંગલની સુંદરતા કઈક વિશેષ છે. પાનમ નદીના કાંઠે રતનમહાલ અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યમાં રીંછો જોવા મળે છે.

આ ઉપરાંત ઉડતી ખિસકોલી પણ તે સ્થળે જોવા મળે છે. અમદાવાદથી રતનમહાલ ૨૦૬ કિલોમીટરના અંતરે આવેલું છે. રતનમહાલના જંગલમાં રીંછ અને અનેક વન્યપ્રાણીઓ વસે છે.

આ યાદી થઇ ગુજરાતમાં ફરવાલાયક સુંદર અને પ્રાકૃતિક સ્થળોની, આમાંથી કોઇપણ જગ્યાએ જવાથી આપનું દિવાળી વેકેશન યાદગાર બની જશે તે વાત નક્કી છે. ત્યારે જાઓ, માણો અને જાણો ગુજરાતની પ્રાકૃતિક સંસ્કૃતિને.

આ આર્ટીકલ જો આપને ગમ્યો હોય તો ફ્રેન્ડસ અને પરિવારજનોમાં શેર જરૂરથી કરજો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here