ગુજરાતના શિલ્પ સ્થાપત્યોઃ
શિલ્પ સ્થાપત્યોની વાત આવે તો કદાચ ગુજરાત સૌથી સમૃદ્ધ રાજ્ય છે. અહીં વિશ્વના સૌથી પ્રાચીન શિલ્પ સ્થાપત્યો આવેલા છે જે આજની તારીખે તમને મુગ્ધ કરી શકે તેમ છે. આ સ્થાપત્યો ગુજરાતના ખજાનો અને ભવ્ય વારસો છે. આખી દુનિયામાંથી કળા રસિકો આ જગ્યાઓની મુલાકાતે આવે છે. એક ગુજરાતી તરીકે તમને આ સ્થળોની જાણ જરૂર હોવી જોઈએ.
મોઢેરા સૂર્ય મંદિરઃ
ગુજરાતના મહેસાણા જિલ્લામાં અમુક અદભૂત શિલ્પ સ્થાપત્યો આવેલા છે, મોઢેરાનું સૂર્ય મંદિર તેમાંથી એક છે. આ મંદિર સૂર્યદેવને અર્પિત છે. પુષ્પાવતી નદીના કાંઠે પથરાયેલા આ મંદિરની સુંદરતા ભવ્ય છે. અહીં હવે કોઈ પૂજાપાઠ નથી થતા અને પુરાતત્વ ખાતુ આ જગ્યાની સારસંભાળ રાખી રહ્યું છે. આ મંદિરમાં ચૌલક્ય શૈલીથી કારીગરી કરવામાં આવી છે. દીવાલ પરની બારીક કારીગરી પરથી તમે નજર હટાવી નહિ શકો. તેમાં પાણીના સંગ્રહ માટે એક કુંડ પણ આવેલો છે જેને વાવની જેમ બનાવવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં અહીં ત્રણ દિવસના ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
મહાબત મકબરાઃ
જુનાગઢમાં આવેલા મહાબત મકબરાના આગ્રાના તાજમહેલ સાથે પણ થાય છે, આના પરથી જ કલ્પના કરો કે આ સ્થળ કેટલું સુંદર હશે. આ મકબરો નવાબ મહાબત ખાને બંધાવ્યો હતો. તેનું બાંધકામ 1851 થી 1882 દરમિયાન થયું હતું. તે બહાદુદ્દીનભાઈ હસૈનભાઈનો મકબરો છે. તેની આસપાસ પણ સુંદર મકબરા આવેલા છે.
જામા મસ્જિદઃ
અમદાવાદની જામા મસ્જિદ અહેમદ શાહે 1424 માં બનાવી હતી. શિલ્પ સ્થાપત્યમાં રસ ધરાવનારા લોકોમાં આ મસ્જિદ ખૂબ જ પ્રચલિત છે. એ સમયે આ મસ્જિદ સમગ્ર વિસ્તારમાં સૌથી મોટી મસ્જિદ હતી. તેમાં દીવાલ પર ખૂબ સરસ કામ કરવામાં આવ્યું છે, પીળા પથ્થરથી બનેલી આ મસ્જિદમાં વિશાળ હૉલ આવેલો છે જેમાં શિયાળાની સાંજે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા. મુખ્ય પ્રાર્થના રુમ મસ્જિદની અંદર છે. મસ્જિદમાં 260 જેટલા પિલર્સ મસ્જિદની છતને ટેકો આપે છે. જોવામાં આ દૃશ્ય અદભૂત લાગે છે.
સિદી સૈયદની જાળીઃ
અમદાવાદની વચ્ચોવચ આવેલી સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ગઈ છે. તેની બારીમાં કરેલી બારીક કોતરણી માટે તે ફેમસ છે. તેની જાળી પરની ડિઝાઈ IIM અમદાવાદનો લોગો બની ચૂકી છે. આ ડિઝાઈનને તમે અમદાવાદનો સિમ્બોલ કહો તો પણ અતિશયોક્તિ નથી.
ધોળાવીરાઃ
ઈતિહાસ અને આર્કિટેક્ચરના શોખીનો ધોળાવીરાની મુલાકાત અવશ્ય લે છે. તે સિંધુ સંસ્કૃતિની ભવ્યતાનું પ્રતીક છે. એક સમયે ધોળાવીરા પશ્ચિમ ગુજરાતમાં વસેલુ સૌથી ભવ્ય શહેર હતું.
તે આખા દુનિયામાં આવેલી પાંચ સૌથી મોટી હડપ્પન સાઈટ્સમાંની એક છે. ડિસેમ્બરમાં આ સ્થળની મુલાકાત લેવાની મજા આપશે. કચ્છનારણોત્સવમાં જાવ ત્યારે ધોળાવીરાની મુલાકાત લેવાનું ચૂકતા નહિ.
સરખેજ રોજાઃ
અમદાવાદથી 7 કિ.મી ડ્રાઈવ પર તમે મકરબા નામના ગામમાં પહોંચશો. અહીં ખૂબ સુંદર સુફી સાઈટ આવેલી છે. એક સમયે સંત શેખ અહેમદ ગંજ બક્ષ અહીં રહેતા હતા. બે પર્શિયન ભાઈઓ આઝમ ખાન અને મુઆઝમ ખાને તેની ડિઝાઈન તૈયાર કરી હતી. તેમાં હિન્દુ અને ઈસ્લામ કળાસંસ્કૃતિના મોટિફ આવેલા છે.
અમદાવાદની મુલાકાતે આવનારા કલારસિકો આ જગ્યાની મુલાકાત અવશ્ય લે છે. તો આ ઉનાળા વેકેશન તમે પણ અહીં અચૂક ફરી આવજો.