આ લવ સ્ટોરી નથી, પણ આ એક પ્રેરણાદાયી સ્ટોરી છે, જેમાં લવ મેરેજનો વિરોધ કરનાર બાપને જ્યારે બીજી વહુઓ રાખવા તૈયાર નથી હોતી, ત્યારે આ વહુ રાખે છે, આખી સ્ટોરી ખાસ વાંચજો, જેથી સમજ પડે કે લવ મેરેજ પણ ખોટા નથી હોતા.
અપમાન સાથે કાઢો છો, ઘરમાંથી આજ, પણ…આંસુ બનીને…આપની આંખોમાં આવશું…
“બાપુ, પ્રણામ..”
પચીસ વર્ષના પુત્ર હમીરસિંહે પિતાનાં ચરણોમાં મસ્તક નમાવ્યું. સાથે ઉભેલી એની નવોઢા નું પાનેતર ઢાંકેલું માથું પણ આશીર્વાદની આશામાં ઝૂકી ગયું. રૂદ્રપ્રતાપસિંહ ની આંખો માં અગ્નિજવાળા જેવી રતાશ પ્રગટી…
‘તો તેં મારી ઉપરવટ જઈને આની સાથે નાતરું કરી જ નાખ્યું, એમ ને?’ ‘નાતરું નહીં, લગ્ન કર્યું છે, બાપુ! આર્યસમાજ ની વિધિ પ્રમાણે મેં હલક નો હાથ ઝાલ્યો છે.’
‘તો હવે ચૂપચાપ એનો હાથ ઝાલીને ડહેલીની બહાર નીકળી જા. એક ક્ષણ ની પણ વાર લગાડી છે, તો બેયને ભડાકે દઇશ.’ ‘બાપુ!!’ ‘ખબરદાર….
જૉ આજ પછી કયારેય મને બાપ કહીને બોલાવ્યો છે તો! મને બાપુ કહેનારા બીજા છ દીકરાઓ છે મારા ઘરમાં. અને જૉતાં પહેલાં એક-બે વાત કાન ખોલીને સાંભળતો જા. આજથી મેં તારા નામનું નાહી નાખ્યું છે. એમ માની લઇશ કે સાત દીકરાઓમાંથી એક દીકરો મેલેરિયામાં મરી ગયો હતો. માણસ હોય તો જિંદગીમાં કયારેય તારું મોઢું ન બતાવીશ મને. અને મારી મિલકત, આ ઘર, ખેતર અને રોકડ દાગીનામાંથી તારો હક કમી કરું છું…
જા તારી બૈરીને લઈને ટળ અહીંથી….’
બાપ પ્રત્યે ગમે તેટલો આદર હોય, તો પણ આશીર્વચનના સ્થાને આવા કટુ વેણ સાંભળ્યાં પછી કયો દીકરો ત્યાં આગળ ભો રહે? એમાં આ તો પાછી ક્ષત્રિય જાત!
ઘર છોડવામાં ઘડીભર ની વાર થાય તો ખૂનખરાબા થતાં વાર ન લાગે. ભયંકર અપમાન નો કડવો ઘૂંટ ગળા નીચે ઉતારીને હમીરસિંહ અને હલક રૂદ્રપ્રતાપસિંહ જાડેજા ની ખડકી ની બહાર નીકળી ગયાં.
ત્રીસેક વર્ષ પહેલાં બની ગયેલી સત્ય ઘટના છે. રૂદ્રપ્રતાપસિંહ રાજકોટ જિલ્લા ના એક નાનકડા ગામડા ના મોટા જમીનદાર હતા. એમની જમીનનો વ્યાપ વીઘામાં નહીં, પણ એકરોમાં હતો. મોટા છ દીકરા પરણી ચૂકેલા હતા. નાનો હમીરસિંહ બાકી હતો. એ એમને સૌથી વહાલો હતો. એના ઉપર રૂદ્રપ્રતાપસિંહે અપેક્ષાઓની બહુમાળી હવેલી ચણી રાખી હતી, પણ રાજકોટમાં ભણવા મૂકેલો હમીર અચાનક એક દિવસ વેકેશનમાં ગામડે આવ્યો ત્યારે બાપનું હૈયું ભાંગી નાખે એવી વાત લઈને આવ્યો.
‘બાપુ, મારા માટે…. કન્યા શોધવાની મહેનત કરશો મા…’ ‘કેમ? તારી વહુ આ તારો બાપ નહીં શોધે તો કોણ શોધશે?’
‘મેં… મેં…’ હમીર થોથવાઈ ગયો… ‘છોકરી મેં શોધી લીધી છે. મારી સાથે જ ભણે છે. રૂપાળી છે, સંસ્કારી છે, મને ચાહે છે, હું પણ એને….’ ‘જ્ઞાતિએ કેવી છે?’ ‘બ્રાહ્મણ છે.’ ‘તો એને.. ચપટી લોટ દઈને વિદાય કરી દે…’
‘બાપુ!’
‘અવાજ નીચો રાખ, હમીર…. આ બાબતમાં મારે તારી સાથે દલીલ નથી કરવી. ક્ષત્રિયના ઘરમાં ક્ષત્રિયાણી શોભે. બસ, વાત ખતમ થઈ સમજી લે.’
પણ હમીરસિંહ સમજયો નહીં. ભણવાનું પૂરું થયું. પી.ડબ્લ્યુ.ડી.માં નોકરી મળી ગઈ. બીજા જ મહિને એણે આર્યસમાજ ના મંદિર માં જઈને પ્રેમિકા સાથે ફેરા ફરી લીધા. પિતાનો સ્વભાવ ખબર હોવા છતાં પત્નીની જીદ આગળ નમતું જૉખીને એ ગામડે આવ્યો. પિતાના પગમાં ઝૂકયો.
હડધૂત થઈને પાછો ફર્યો. એ પણ ક્ષત્રિયનો દીકરો હતો. બાપે મનાઈ કરી એ દિવસ પછી કદીયે એણે બાપનું નામ ઉરચાર્યું નથી. કોઈ એનું આખું નામ પૂછે તોયે ફકત ‘હમીરસિંહ આર. જાડેજા’ એટલું જ જણાવે. લાખો રૂપિયા નો વારસો બાપની નારાજગીના દરિયામાં મીઠાના ગાંગડાની જેમ ઓગળી ગયો. સંસાર ના બે છેડા ભેગા કરવા માટે હલકે પણ જી.ઇ.બી.માં નોકરી સ્વીકારી લેવી પડી. હમીરે ખાનગી ટયૂશનો શરૂ કરી દીધા.
ગામડામાં બેઠેલા રૂદ્રપ્રતાપસિંહ ભૂલી ગયા કે એમને સાતમો દીકરો નામે હમીરસિંહ હતો. એ વાતનો વસવસો પણ એમણે ચિત્તમાંથી તડીપાર કરી દીધો. પણ તેમ છતાં અઠવાડિયે એક વાર ટપાલી આવીને એમના હાથમાં એક પરબીડિયું મૂકી જતો હતો. પહેલીવાર તો દરબાર છેતરાઈ ગયા. અજાણ્યા અક્ષરો જૉઈને કવર ફોડયું. પણ ‘પરમ પૂજય પિતાશ્રી’નું સંબોધન અને અંતમાં ‘આપની અભાગી પુત્રવધૂ હલક’ વાંચીને કાળઝાળ થઈ ગયા. વરચેના વાકયોમાં ક્ષમાયાચના, કાકલૂદી અને આદરભાવ છલકાતો હતો. પણ એમ કંઈ શબ્દોની રંગોળીથી રીઝી જાય તો પછી બાપુ શાના?
હલક ના હાથે લખાયેલા પત્રો નિયમિતપણે આવતા રહ્યા. કયારેક તો રૂદ્રપ્રતાપસિંહ પરબીડિયાને ફોડવાની પળોજણમાં પણ પડતા નહીં. તો પણ એકપક્ષી સંવાદ ચાલુ જ રહ્યો. છ મહિના, બાર મહિના, દોઢ વર્ષ, બે, ત્રણ….! બાપુના મનની કડવાશ જેમની તેમ હતી. હવે તો વધતી જતી હતી. મોટા છોકરાઓ એક પછી એક અલગ થવા માંડયા હતા. પત્નીને કાળ છીનવીને લઈ ગયો. અફીણે શરીરનું જોમ ભાંગી નાખ્યું. પૈસો અને જમીન દીકરાઓએ બથાવી પાડયાં.
કાળઝાળ તાપ માં ઠંડા પવન ની લહેરખી જેવો પત્ર કયારેક આવી જતો અને દરબારના દાઝેલા દિલ પર ચંદન નોે લેપ પ્રસરાવી જતો. વહુ લખતી હતી:
‘બાપુ, લખતાં શરમ આવે છે, પણ હિંમત કરું છું. અમારો સારો સમય આવ્યો છે. આવક વધી છે અને કુટુંબમાં સભ્યોની પણ વધવાની તૈયારીમાં છે. આવતા ઓગસ્ટ માં તમે દાદા બનવાના છો. તમારા માટે તો આ પ્રસંગ પંદરમો હશે, પણ અમારા માટે તો…! અત્યારે બા બહુ યાદ આવે છે. એ જૉ થોડુંક વધારે જીવ્યાં હોત, તો…?’
રૂદ્રપ્રતાપસિંહ નો હાથ ક્ષણવાર માટે હવામાં ઠયો. જાણે કોઈ અદૃશ્ય નવજાત આકાર ફરતે નજાકતભર્યો ફરી રહ્યો. પછી ભીની આંખને લૂછવા માટે પાછો વળ્યો. હવે બાપુથી ઉઠાય એવું રહ્યું નહોતું. આખોય દિવસ પથારીમાં પડયા પડયા હલકે લખેલા જૂના પત્રો વાંરયા કરતા. સવાર-સાંજ ગામ ના મંદિર ના પૂજારીની વહુ આવીને થાળી મૂકી જતી હતી. બાપુએ મહિનાને અંતે પૂછ્યું…
‘કેટલા પૈસા આપવાના થયા?’ જવાબમાં બાઈ ટૂંકો જવાબ દઈને ચાલી ગઈ હતી… ‘પૈસા આવી ગયા.’ કયાંથી આવ્યા પૈસા? કોણે આપ્યા? શા માટે આપ્યા? આ મતલબી અને દોરંગી દુનિયા માં એક બુઢ્ઢા અને નિર્ધન પુરુષ માટે પૈસા ખરચવા જેટલું મૂરખ કોણ હતું? રાજકોટમાં બેઠેલી પુત્રવધૂનું તો આ કામ નહીં હોય? સવાલો સેંકડો હતા, પણ ટકોરાબંધ જવાબ એક પણ ન હતો.
ઓગસ્ટ માં ટપાલી આવીને પાર્સલ આપી ગયો. સાથે ટૂંકો પત્ર હતો…
‘દાદાજી, પેંડા ખાજૉ. પૌત્ર જન્મ્યો છે. અત્યારે હોસ્પિટલ માં છું. એટલે વધુ નથી લખતી. તમારો વારસદાર તમારા જેવો જ દેખાય છે.’ ચોમાસું હતું ને? આકાશ ની સાથે સાથે દાદાજીની આંખો પણ વરસી પડી.
સવા મહિના પછી ફરીથી પત્રો નિયમિત આવવા ચાલુ થઈ ગયા. એક પત્રમાં લખ્યું હતું….
‘મને જાણવા મળ્યું છે કે તમારી તબિયત સારી નથી. છેલ્લા પાંચ દિવસથી તમારી થાળી જમ્યા વગર પાછી જાય છે. તમે અમારું તો મોં પણ ન જોવાની પ્રતિજ્ઞા લીધી છે. પણ તોયે મનમાં થાય છે કે હું ત્યાં દોડી આવું? વચન આપું છું કે ચોવીસેય કલાક લાજનો ઘૂમટો તાણીને ફરીશ. તમારો પ્રતિજ્ઞાભંગ નહીં થવા દઉં. તમારી હા આવે, પછી તમારા દીકરાને જાણ કરીશ. આજ દિન સુધી મેં એને ખબર પડવા નથી દીધી કે હું તમને પત્રો લખતી રહી છું.’
એક વર્ષના બાવન પત્રો. ને એવાં વીત્યાં પાંચ વરસ. હલક ના એક પણ પત્ર નો કદીયે જવાબ ન આપ્યો. અને એક દિવસ ભરબપોરે એના ઘરની સામે એક રિક્ષા આવીને ઉભી રહી.
અંદરથી એના તમામ પત્રોના જવાબ જેવા રૂદ્રપ્રતાપસિંહ નીચે ઉતર્યા. એમને જોઈને ઘૂમટો તાણવા જતી હલક ને એમણે વારી લીધી…
‘દીકરી, લાજ ન કાઢીશ. તારું મોં જોઈને મારું મોત સુધારવા માટે હું આવ્યો છું. હવે હું ક્ષત્રિય મટી ને આવ્યો છું. મૂડી અને વ્યાજ ને માણવા આવ્યો છું. પેલા કપાતરોને ખબર નથી કે હજી હું વીસ લાખ નો જીવ છું. એ બધું તારા નામે કરવા આવ્યો છું…દીકરી….લાજ ન કાઢીશ….’