કોરોનાની રીકવરી પછી પણ ઘણા દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકોરમાઇકોસીસ. આ બીમારીને કારણે ગુજરાતમાં ઘણા બધા દર્દીને પોતાની આંખો ગુમાવવાની નોબત આવી છે. અત્યાર ની આ કોરોનાના સમય માં આ બીમારી વિશે જાણવું ખુબ જ જરૂરી છે.
મ્યુકોરમાઈકોસિસ શું છે?
મ્યુકોરમાઇકોસીસ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે. જેને બ્લેક ફંગસ પણ કહે છે. શ્વાસ અથવા ચામડી દ્વારા ફગ શરીર ની અંદર જાય છે. તેનું ઈન્ફેક્શન ચામડી, ફેફસાં અને મગજમાં થાય છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. એટલે કે કેટલાક દર્દી ને પોતાની આંખ ગુમાવવી પડે છે. આ બીમારી ના કારણે દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે.
આ ઈન્ફેક્શન કેવી રીતે થાય છે?
કોરોના રિક્વરી આવ્યા બાદ આ ફંગલ ઇન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં આ ફંગસ ઇન્ફેક્શનને ૨ થી ૪ દિવસ લાગે છે. અને આંખથી મગજ સુધી પહોંયવામાં માત્ર એક જ દિવસ કે તેનાથી ઓછો સમય લાગે છે. આ સ્થિતિમાં ઈન્ફેક્શનને રોકવા તાત્કાલિક આંખ કાઢવી પડે છે.નહિ તો આ ઇન્ફેક્શન મગજ અને અન્ય જગ્યા પર પણ થાય છે.
આ બીમારી કેટલી ઘાતક છે?
આ ઇન્ફેક્શન બાદ ૨૦ થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. ઇન્ફેક્શનને મગજ સુધી પહોંચતું રોકવા માટે દર્દીઓની આંખ જ કાઢી નાખવામાં આવે છે. આમ છતાં આ રોગનો મૃત્યુદર લગભગ 50 ટકા જેટલો ઊંચો જતો રહ્યો છે. આ રોગને પકડવા માટે સિટી સ્કેન, એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરાવવા પડે છે. તેના દ્વારા આ ઇન્ફેક્શન ની ખબર પડી શકે છે.
કોરોના પછી વધુ ખતરો કેમ?
કોરોના રિકવરી પછી ઇમ્યુનિટી સિસ્સાટમ સાવ ઓછી ગઈ હોય છે. જેને કારણે આવા દર્દીઓ આસાનીથી આ ઇન્ફેક્શન ની ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ, કિડની, હાર્ટ એટેક અને કેન્સર જેવા કોમોબિંડ પેશન્ટ તેનો શિકાર બને છે. જે દર્દીઓને સારવારમાં સ્ટીરોઇડ અપાયું છે તેમના માટે વધુ ખતરો રહે છે.
આ રોગની સારવાર શું છે?
એમ્ફોટેરિસીન-બી ઇન્જેક્શન આ રોગની મુખ્ય સારવાર છે. દર્દીના વજન મુજબ પ્રતિ કિલો 5mg ડ્રગ આપવામાં આવે છે. જો કે, આ ઇન્જેક્શનની શોર્ટેજને કારણે ડૉક્ટર એન્ટી ફંગલ ટેબ્લેટ્સ અને લિપિડ ઇમ્યુલ્ઝન પણ આપતા હોય છે. મોટા ભાગના કેસમાં એક કરતાં વધુ ડૉકટરની જરૂર પડે છે જેમ કે, ઇન્ફેક્શન ડિસિઝ એક્સપર્ટ, ENT સર્જન, મેક્સિલોફેસિયલ સર્જન, ઓપ્થલ્મોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટ. વળી સારવાર લાંબી ચાલતી હોવાથી રૂપિયા 5 લાખથી 30 લાખ સુધીનો ખર્ચ થાય છે.
આ બીમારીના લક્ષણો કેવા હોય છે?
આંખ અને ગાલ પર સોજો, આંખોમાં બળતરા, ધૂંધળું દેખાવું, નાક બંધ થઈ જવું, નાકમાંથી લોહી નીકળવું, નાકમાં કાળુ કસ્ટ જમા થવું, નાકની ઉપરના ભાગે કાળા ડાધ થવા, માથામાં દુખાવો, સાયનસ, ઉધરસ અને શ્વાસની તકલીફ આ રોગના મુખ્ય લક્ષણો છે. ડાયાબીટીસ હોય તેવા દર્દી ને ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કોરોના ના દર્દી ને રિકવરી બાદ શું ધ્યાનમાં રાખવું?
કોરોનાની રીકવરી બાદ જો માથામાં અસહ્ય દુખાવો થતો હોય, આંખો લાલ થઇ જાય, આંખમાં બળતરા થાય, આંખમાંથી પાણી પડે કે, આંખનું યોગ્ય મુવમેન્ટ ન થતું હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. અને તેનો ઈલાજ કરાવવો.