ગુજરાતના આ ગામમાં મંદિરમાં શરૂ થઈ હતી શાળા આજે આખા રાજ્યને 800 શિક્ષકો આપ્યા

સંતાનનો વિવાહ નક્કી કરતી વખતે પણ શિક્ષક હોય તો પ્રાધાન્ય અપાય છે. ગામડાંમાં વર્ષોથી ધૂણી ધખાવી બેઠેલા રાવલ દંપતીનો શિક્ષણ યજ્ઞ

આ ગામના કોઇપણ ઘરે જાઓ, એક શિક્ષક તો મળશે જ. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં આ ગામના શિક્ષક મળે. આ ગામને લોકો હવે શિક્ષકોના ગામ તરીકે જ ઓળખે છે. સાબરકાંઠાના હડિયોલ ગામની 6 હજારની વસ્તીમાં એક હજાર પ્રાથમિક શિક્ષકો છે જેમાં 790 શિક્ષકો નોકરીએ ચાલુ છે જ્યારે 200 જેટલા નિવૃત્ત છે. 60 ટકાથી વધુ શિક્ષક યુગલો છે. ગામના ભાણિયાઓ પણ શિક્ષક બન્યા છે. ગામમાં 50 માધ્યમિક શિક્ષકો છે. ગામના ત્રણ શિક્ષકોને રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ચૂક્યો છે. સાબરકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજય પટેલ કહે છે કે, 1955 આસપાસ ગામની આ નવી ઓળખના પાયા નખાયા હોવાનું કહી શકાય.

દરેક જિલ્લામાં ભણાવે છે આ ગામના શિક્ષક

અગાઉ ફાઇનલ પાસ કરી શિક્ષક બની શકાતું હતું. ગામના લખાભાઇ કાળાભાઇ, હીરાભાઇ રેવાભાઇ, લખાભાઇ રેવાભાઇ શરૂઆતમાં શિક્ષક તરીકે નોકરીએ લાગ્યા હતા. ઉપરાંત, ગાંધીવાદી યુગલ ગોવિંદભાઇ અને સુમતીબેને વિશ્વ મંગલમ સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિને વેગ આપ્યો હતો. ગામના વતની અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જીતુભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામમાં 6થી વધુ પરિવારો એવા પણ છે જેમનાં પરિવારમાંથી 10 સભ્યો શિક્ષક જ હોય. ગાઇડલાઇન મળી રહેતી હોવાથી યુવાનો માટે માર્ગ આસાન બની જાય છે. ગામમાંથી 6 તો કેળવણી નિરીક્ષક બન્યા છે.

85 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા ગોવિંદભાઇ રાવલ અને સુમતીબેન હજૂ પણ શિક્ષણની વાત આવે એટલે યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ બતાવે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે આખી યાત્રાની વાત કરી હતી. ગોવિંદભાઇ હડિયોલ ગામના જ વતની. બન્ને વિદ્યાપીઠમાં ભણે અને ગામડામાં બેસી શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનનો નિશ્ચય કર્યો. 1959થી રાવલ દંપતીએ અહીં ધૂણી ધખાવી છે.

તેમના શિક્ષણ યજ્ઞથી આખા વિસ્તારની સીકલ બદલાઇ ગઇ છે. ગામમાં મહાદેવના મંદિરમાં એક રૂમમાં ભણાવવાની શરૂઆત કરી હતી. વિશ્વ મંગલમ અનેરા સંસ્થામાં આજ સુધી તેમણે 5 હજારથી વધારે યુવતીઓને ભણાવી છે. વિશ્વ મંગલમ અનેરા સંસ્થાનો નીડેમ પરિવાર આજે ગુજરાતના ખૂણેખૂણે છે.

ખેતમજૂરનો દીકરો આ ગામમાં આવી શિક્ષક બન્યો

ભીખાભાઇ પારઘી મૂળ દાહોદના. પિતા હડિયોલમાં મજૂરી કરતા. તેમના ગયા બાદ જીતુભાઇએ ભીખાભાઇને ભણાવ્યા. શિક્ષક બનાવ્યા. તેમણે જ ભીખાભાઇ માટે ગામની પરંપરા મુજબ શિક્ષક યુવતી શોધી. આજે પારઘી દંપતી સાથે મળીને ભણાવે છે.

રાજસ્થાની પરિવાર અહીં આવી શિક્ષક પરિવાર બન્યો

વર્ષો અગાઉ ત્રણ રાજસ્થાની પરિવારો હડિયોલ ગામમાં આવીને વસ્યા. ગામમાં તો ફાવી ગયું પણ ગામનું વાતાવરણ અને અન્ય યુવાનોની ધગશ જોઇને આ પરિવારોના યુવાનો પણ શિક્ષક બની ગયા.

સગાઈ વખતે પણ આ વાત ખાસ જોવાય

હડિયોલ સિવાય આજુબાજુનાં ગામો ગઠોડા, આકોદરા, પુરાલમાં પણ શિક્ષકોની સંખ્યા નોંધપાત્ર છે. નિવૃત્ત શિક્ષક શંકરભાઇ પટેલ કહે છે કે, ટ્રેન્ડ એવો કે સગાઇ કરતાં અગાઉ પણ યુવક કે યુવતી શિક્ષક છે કે નહીં એ વાત ચકાસી લે. ગામની દીકરીઓ પરણીને પણ જાય તો મોટેભાગે યુવાન શિક્ષક જ હોય. ગામના ભાણિયાઓ પણ અહીં આવીને ભણ્યા છે અને શિક્ષક બન્યા છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here