કૃષ્ણકુમારસિંહ ગોહીલ
જન્મની વિગત: ૧૯ મે , ૧૯૧૨, ભાવનગર , ગુજરાત.
મૃત્યુની વિગત: ૨ એપ્રિલ , ૧૯૬૫, ભાવનગર , ગુજરાત
રહેઠાણ: નિલમબાગ પેલેસ , ભાવનગર
ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી
કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે , ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું.
ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા. ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા.
પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા “ભારતની સ્વતંત્રતા” માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.
ઇ.સ. ૧૯૪૮ માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું.ઈ.સ. ૧૯૪૮ માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો જે આજે જાહેર જીવનમાં જોવા મળતો નથી. એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા.
ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.
ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે.
ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.
બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ‘ભાવનગર’ નામે વસાહત:
બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું ‘ભાવનગર’ નામે એક વસાહત, કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા.
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર એ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા એ સમયમા રાજકોટ આજી ડેમનુ બાંધકામ ચાલતુ હતુ કુંવરને કોઈ એ આવીને કહ્યુ બાપુ આજી ડેમ બનાવવા લોકફાલો કરવામા આવી રહ્યો છે તમારે એમા કંઇ મદદ કરવી હોય તો. બાપુ એ એક ચિઠિ ભાવનગર મહારાજા સાહેબ ને ઉદેશીને લખી આપી અને લખ્યુ કે બાપુ ને માલુમ થાય કે રાજકોટ ની પ્રજાના પીવા ના પાણી માટે આજીડેમનુ બાંધકામ થઇ રહ્યુ છે તો મે એમા 10 હજાર રૂપિયા લખાવેલ છે તો બાપુ આપ એ મોકલી આપશો ત્યારે મહારાજા ભાવસિંહજી એ જવાબ આપતા કહ્યુ કે કુંવરને માલુમ થાય કે તમે મને પૂછ્યા વગર અને જે મારી ભાવનગરની પ્રજાને એ પાણી નો કોઈ ફાયદો ન હોય અને ભાવનગરની પ્રજાના પૈસા હુ એમ તમને ન મોકલી શકુ જેથી એની વ્યવસ્થા તમે કરી લેજો ત્યારે કુંવર એ પત્ર મલ્યા પછી કૃષ્ણકુમારસિંહજી બાપુ એ પોતાના પૈસા આપ્યા હતા. આને જ કેવાય ને પ્રજા પ્રેમ. બંને પ્રજા પ્રત્યેની વફાદારી રાજશાહીમા હતી.
હું ભાવનગરનો ધણી થઇને તને ખાલી હાથે જવા દઉં તો ગોહિલવાડની ધરતી લાજે!આને કહેવાય મહારાજા – વાંચો જબરદસ્ત પ્રસંગ
એ વાતને તો ઘણો વખત વહી ગયો છે પણ વાત હજી ભુલાઇ નથી.ભાવનગરના પ્રજાપાલક રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ બાગમાં બેઠા છે.સામે બીજા રાજપુરુષો પણ બિરાજમાન છે.વાતો ચાલે છે.
તેઓ જે બગીચામાં બેઠા હતાં એની પાસે જ બાગની હદ પૂર્ણ થતી હતી,દિવાલ હતી.દિવાલની પેલી બાજુ નગરનો જાહેરમાર્ગ હતો.વાત જાણે એમ છે કે,દિવાલને અડીને બાગની અંદરના ભાગમાં એક બોરડી ઉભી હતી. જોરાવર બોરડી!મીઠા મધ જેવા, જોતા લાળ ટપકી પડે એવા, ફણગાવેલા ચણાના ટેઠવા જેવા પાક્કાં બોર ઝુમતાં હતાં.બોરડી પ્રમાણમાં એક વૃક્ષ બની ગયેલી એટલે હાથેથી તો બોર આંબવા અશક્ય હતાં.
થોડીવાર થઇ હશે ને અચાનક સણણણ…ઝુમમ…કરતો એક પથ્થર આવ્યો.આવીને સીધો હિઝ હાઇનેસ રાઓલસાહેબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના કપાળ સાથે અથડાયો.
“કોણ છે ?”
સિપાઇઓ બહારના રસ્તે દોડ્યા. થોડીવારમાં એક મેલાં-ઘેલા લૂંગડા પહેરેલ માણસને પકડી લાવ્યાં.ગરીબ લાગતા એ આદમીના અંગેઅંગ ધુણવા માંડ્યા હતાં. હવે તો ચોક્કસ ધરખમ સજા મળવાની!
બનેલું એમ કે, બહાર રસ્તા પર જતાં આ આદમીએ શાહીબાગની દિવાલ પરથી ઝળુંબતી બોરડીને જોઇ, એની શોભા વધારતા અને જીભને ભીઁજવી નાખતા રસીલા બોર લટકતાં જોયા. અત્યારે તો કોણ જોતું હોય વળી!અને એણે ચૂપકીદીથી એક પથ્થર ઉપાડીને બોરડી તરફ ઘા કર્યો. એને ખબર નહોતી કે બાગમાં પાસે જ ભાવનગરનો ધણી બેઠો છે અને પથ્થરો જઇને એના કપાળમાં વાગ્યો છે! સિપાઇઓ મહારાજા સામે લઇ ગયાં અને રાજવીના કપાળે ઘા જોયો એટલે એને ફટ દેતાંકને ખ્યાલ આવી ગયો કે હવે એનું આયખું ખતરામાં છે!
“કોણે,તે ઘા માર્યો છે?” “હા,બાપુ!મારાથી ભૂલ થઇ ગઇ!”
“કેમ પથ્થર ફેંક્યો હતો, ભાઇ?”
“બાપુ!રસ્તે હાલ્યો જતો’તો ને આ ઝળુંબતી બોરડી જોઇ તો થયું કે લાવ કોઇ જોતું નથી ત્યાં ઘા મારુંને એકાદ-બે બોર પડે તો પેટમાં નાખું.પાછી ભૂખ પણ બઉ લાગી’તી બાપુ.પણ હવે કોઇ દિ’ આમ નઇ થાય, બાપુ!”એ થથરતો હતો.
કૃષ્ણકુમારસિંહએ પેલાં માણસ સામે જોઇને સ્મિત કર્યું. અને એ જ ક્ષણે પોતાના ગળામાં રહેલો હાર કાઢીને એને આપી દીધો.
“લે ભાઇ!એક બોરડીને પથ્થર મારવાથી એ જો મીઠા બોર આપતી હોય તો હું તો રાજા છું. મને પથ્થર માર્યો તો હું આટલું ના આપું તો તો ગોહિલવાડની ધરા લાજે!”
આવા હતાં ભાવનગરના અંતિમ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ!કેવો પ્રજાપ્રેમ!કેવી દિલાવરીયુક્ત દાતારી!આજે પણ લોકો એની કીર્તિની અમરગાથાને યાદ કરીને આંખના ખૂણા ભીંજવે છે. રંક હોય કે અમીર,ભાવેણામાં સૌ સરખાં રહેતા જ્યારે કૃષ્ણકુમારસિંહના રાજ તપતાં !
આઝાદ ભારતના એકીકરણ માટે સૌપ્રથમ ભારતસંઘ સાથે જોડાનાર રાજ્ય ભાવનગર હતું. અને હસતે મુખે રાજને માં ભારતના શરણે ધરી દેનાર રાજવી હતાં કૃષ્ણકુમારસિંહજી.
ગાંધીજી પોતાને ત્યાં આવતા કોઇને પણ સામે ચાલીને મળવાં જતાં નહી પણ જ્યારે કૃષ્ણકુમારસિંહજીની કાર એને આંગણે ઉભી રહી ત્યારે તરત મનુબેનને દરવાજો ખોલીને મહારાજાને લઇ આવવા કહેલું. મનુબેને પૂછ્યું કે, બાપુ!વાઇસરોય ખુદ આવે તો પણ એનું સ્વાગત થતું નથી તો મહારાજા માટે આવું કેમ?
ગાંધીજીએ જવાબ આપેલો – એક વખત હું પણ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણેલો છું. માટે ભાવનગરના મહારાજા એ મારા પણ મહારાજા કહેવાય.એનું સન્માન તો થવું જ જોઇએ ને!
આવું ઉચ્ચ વ્યક્તિત્વ હતું મહારાજાનું!ભાવનગરની સકલ ફેરવી નાખવાના સફળ પ્રયત્નો કરેલા કૃષ્ણકુમારસિંહજીએ. આઝાદી બાદ મદ્રાસ પ્રાંતના ગવર્નર તરીકે મહારાજાએ એક રૂપિયો પ્રતિ માસના વેતને પ્રામાણિકતાથી ફરજ નિભાવેલી.સૈન્યમાં પણ હિઝ હાઇનેસ તરીકે ઉચ્ચ હોદ્દો આપવામાં આવેલો.
પોતાનું બધું જ જતું કરી દેવું, સર્વસ્વ ત્યાગ કરી દેવો એ સહેલી વાત નથી!સતયુગમાં હરિશ્વચંદ્ર આવું કરી શક્યાં હતાં અને એ પછી કૃષ્ણકુમારસિંહજી!સરદાર પટેલ સાથે ખભેખભા મિલાવીને માં ભારત માટે બનતું કરી છૂટવા તૈયાર આવા રાજવીઓની આજે તાતી જરૂર છે નહીઁ?!
ભાવનગરનું રાજ અખંડ ભારતના નિર્માણ માટે સોઁપી દેવાનું હતું. સરદાર પટેલ સાથે બધા દસ્તાવેજી કરાર થઈ ચુક્યા હતા. એ વખતે ગોહિલવાડનો છેલ્લા ધણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી રાણીવાસમાં ગયા. મહારાણી વિજયાકુંવર બાને જઈને કહ્યું કે…
“મહારાણી! ભાવનગર હવે સોંપી દેવાનું છે. હું તમને એ પૂછવા આવ્યો છું કે, રાજ્ય તો હું સોંપી દઈશ પણ તમારા કિંમતી ઘરેણાં-દાગીના ઉપર તો તમારો જ હક્ક થાય. એટલે તમને પૂછું છું કે, એ દાગીનાનું શું કરવાનું છે?”
તે દિવસે મહારાજા ભગવદ્સિંહજીની પૌત્રી અને ગોહિલવાડની રાજપૂતાણીએ જવાબમાં એક જ વાક્ય કહેલું, “મહારાજ! જ્યારે આખેઆખો હાથી જતો હોય ને…ત્યારે એનો શણગાર ઉતારવા ન બેસાય!”
હવે આ વાક્યમાં કેવી દાતારી, કેટલી ખાનદાની અને કેટલી ખમીરાત છૂપાયેલી છે એ તો સમજવાવાળા સમજી ગયાં હશે!