આજે સલમાન ખાનનું મુવી ભારત રિલીઝ થયું જેને લઈને સમગ્ર ભારતમાં ચર્ચા છે,સલમાન ખાનનું મુવી આવવાનું હોઈ તો એ મોટા ભાગે ઇદ ઉપર આવતું હોય લોકોમાં ઉત્સુકતાથી રાહ જોતા હોય છે ત્યારે જાણો શુ કહે છે પબ્લિક? કેવું છે મુવી?
મૂવી રિવ્યુઃ ભારત
રેટિંગ: 3.5/5
સ્ટાર કાસ્ટ: સલમાન ખાન, કેટરિના કૈફ, દિશા સુનિલ ગ્રોવર, જેકી શ્રોફ, સોનાલી કુલકર્ણી
ડિરેક્ટર: અલી અબ્બાસ ઝફર
ડ્યૂરેશન: 2 કલાક 35 મિનિટ
ફિલ્મનો પ્રકાર: એક્શન, ડ્રામા
ભાષા: હિન્દી
ક્રિટિક: રેણુકા વ્યવહારે
સ્ટોરીઃ
એક નાનકડા છોકરાના ખભે નાનપણથી જવાબદારીઓનો ભાર આવી જાય છે. પરંતુ તેને બાળપણ માણવા ન મળ્યું હોવાનો કોઈ અફસોસ નથી. તે તેના પરિવારને પોતાની જાત કરતા પહેલા સ્થાન આપે છે. આ સ્ટોરી ભારત (સલમાન ખાન) ના જીવનના અનેક દાયકાની છે જેમાં તે જીંદગીના ચડાવ ઉતાર જુઓ છે.
રિવ્યુઃ
આ ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટુ માય ફાધર (2014) પરથી પ્રેરણા લઈ બનાવાઈ છે. ભારત ફિલ્મનું ફોકસ એક હીરોની અંગત અને પ્રોફેશનલ લાઈફની પસંદગી પર આધારિત છે. તેના બેકડ્રોપમાં સમાજ કેવી રીતે આકાર લે છે તેની વાત છે. 1947ના ભાગલા સમયે એક બાળક તેના પિતા અને બહેનથી વિખૂટુ પડી જાય છે. ભારત તેનું આખું જીવન તેના ગુમ થયેલા પિતાને આપેલું વચન પૂરુ કરવામાં વીતાવી દે છે. તે મોટા દીકરા તરીકે પોતાની માતા અને ભાઈ-બહેનની સારસંભાળ રાખે છે અને આશા રાખે છે કે એક દિવસ તેમનો આખો પરિવાર ભેગો મળશે. 1947 થી 2010 સુધી છ દાયકામાં ફિલ્મની સ્ટોરી આકાર લે છે. તમે આ ગાળામાં ભારતને પેટિયુ રળવા જોખમી નોકરી કરતો જોઈ શકશો.
સલમાન કેટરિનાની કેમિસ્ટ્રીઃ
ભારત બહાદુર અને પ્રામાણિક કુમુદ (કેટરિના કૈફ) સાથે પ્રેમમાં પડે છે. કુમુદ સામેથી ભારતને પ્રપોઝ કરે છે. તે કહે છે, “આઈ લવ યુ. મારી લગ્નની ઉંમર થઈ ગઈ છે, તારી સાથે લગ્ન કરવા માંગું છું.” તે પલક ઝપકાવ્યા વિના આ વાક્ય બોલી જાય છે. તે રિજેક્શનના ડર વિના પોતાના દિલની વાત ભારત સમક્ષ રાખે છે. તે કહે છે, “હું એ જ બોલુ અને કરુ છું જે મને યોગ્ય લાગે છે.” ઝીરોમાં પણ કેટરિનાની એક્ટિંગ ઘણી સારી હતી. ભારતમાં તેનુ પરફોર્મન્સ અત્યાર સુધીનું સૌથી સારુ પરફોર્મન્સ છે. તેની અને સલમાનની કેમિસ્ટ્રી ઘણા જામે છે. તે ફિલ્મમાં મજબૂત સ્ત્રીના રોલમાં છે. તે પુરુષ સમોવડી અને અમુક કિસ્સામાં તો તેમના કરતા પણ ચઢિયાતી દર્શાવાઈ છે. જો કે તેના વાળ તમને થોડા ખટકશે. તેના પાત્રની ઉંમર થાય ત્યારે ધોળાવાળ સાથે કેટરિના ગળે ઉતરે એવી નથી. ઘણીવાર તેના વાંકોડિયા વાળ પણ જરૂર વિના અડચણ બનતા હોય તેવું લાગ્યા કરે છે.
મજબૂત પાસાઃ
આ ફિલ્મનું મજબૂત પાસુ છે અલીનું લખાણ અને વિલાયતી તરીકે સુનિલ ગ્રોવરનું કેરેક્ટર. બંનેની જોડી અને તેમની વચ્ચેના સંબંધો સુંદર રીતે દર્શાવાયા છે. ગ્રોવર પોતાના મજબૂત રોલને સારો ન્યાય આપે છે. તેને હજુ વધારે મહત્વના રોલ મળવા જોઈતા હતા. સોનાલી કુલકર્ણી અને જેકી શ્રોફનું પરફોર્મન્સ પણ જોરદાર છે. રસપ્રદ વાત એ છે કે સલમાન ખાનમાં ક્યાંક સૂરજ બડજાત્યા છૂપાયેલો મળશે. ફિલ્મો અને વેબ સીરીઝમાં હૂક અપ કલ્ચરને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે સલમાન જૂના જમાનાના પારિવારિક મૂલ્યો સાથે આવે છે. તેણે સારી એક્ટિંગ કરી છે અને દેખાય પણ સરસ છે. તે પોતાના સાચા ફેમિલીથી ખૂબ ક્લોઝ છે એટલે ભારતમાં તેની પર્સનાલિટીનો આ હિસ્સો સરસ રીતે ઝળકે છે.
કેવી છે ફિલ્મ?
અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મમાં હાસ્ય અને ઈમોશન્સનું એવું મિશ્રણ પીરસ્યું છે કે સલમાનના પાક્કા ચાહકો સીટી વગાડતા વગાડતા ફિ્મ જોવા જશે. ફિલ્મમાં ગીતો પરાણે ઘૂસાડ્યા છે અને વાર્તા અટપટી છે આમ છતાં ફિલ્મ જકડી રાખે તેવી છે. આ ફિલ્મમાં ઘણા બધા ટાઈમ લીપ્સ છે અને એક સાથે ઘણી ઘટનાઓ બને છે પરિણામે ફિલ્મના અંતે દર્શક થાકી ગયાની લાગણી અનુભવે છે. વળી, આ ફિલ્મ તમને પ્રેરણા આપવાના આશયથી બનાવી હોય તેવું લાગે છે.
એડિટિંગ ધારદાર હોત તો ફિલ્મ સારી બની શકી હોત. જો કે ભારત સારા દિલથી લોકોને મનોરંજન આપવા માટે બનાવાઈ છે. જો કે ફિલ્મને કોમર્શિયલ બનાવવા માટે થોડી આડીઅવળી ચીજો ઘૂસાડવામાં આવી છે.
અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ.