સાદગીનું બીજું નામ ડોંગરેજી મહારાજ – વાંચો આ કિસ્સો જ્યારે તેમના ધર્મપત્ની દુનિયામાં ના રહ્યા ત્યારે શુ થયું હતું….?
એક કેન્સર હૉસ્પિટલ માટે ફંડ ઊભું કરવા ડોંગરેજી મહારાજની કથા મુંબઈમાં યોજાઈ હતી. દાયકાઓ અગાઉ યોજાયેલી એ કથા થકી આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ કૅન્સર હૉસ્પિટલ માટે એકઠી થઈ ગઈ હતી.
એ કથાના છેલ્લા દિવસે ડોંગરેજી મહારાજ કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમના કોઈ સ્નેહી ગંભીર ચહેરે તેમની પાસે ગયા. તેમણે ડોંગરેજી મહારાજને કાનમાં કહ્યું કે તમારા પત્ની મૃત્યુ પામ્યા છે.
એ આઘાતજનક સમાચાર સાંભળ્યા પછી બીજી જ ક્ષણે ડોંગરેજીએ સ્વસ્થતા મેળવી લીધી અને દુ:ખદ સમાચાર લઈને આવેલા સ્નેહીને જવાબ આપીને ફરી કથા શરૂ કરી દીધી! તેમણે એ દિવસે કથા પૂરી કરી. કથાના આયોજકોને ખબર પડી કે ડોંગરેજીના પત્ની મૃત્યુ પામ્યાં છે ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા, પણ ડોંગરેજીએ કથા યથાવત્ ચાલુ રાખી એને કારણે તેઓ ગદ્ગદ થઈ ગયા.
એ પછી ડોંગરેજી મહારાજે પત્નીના દેહાંત પછીની વિધિઓ હાથ ધરી. તેઓ થોડા દિવસ પછી પત્નીના અસ્થિ લઈને ગોદાવરી નદીમાં અસ્થિ વિસર્જન માટે નાશિક ગયા.
એ વખતે અસ્થિ વિસર્જનની વિધિ કરનારા બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે તેમની પાસે પૈસા નહોતા. જે સ્નેહીએ તેમને તેમના પત્નીના મૃત્યુના સમાચાર આપ્યા હતા એ તેમની સાથે હતા. ડોંગરેજી મહારાજે તેમને પોતાના પત્નીનું મંગળસૂત્ર આપીને કહ્યું કે આ વેચીની પૈસા લઈ આવો. બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે મારી પાસે કંઈ નથી.
પેલા સ્નેહી સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો છલકાઈ ગઈ. જે માણસે થોડા દિવસો અગાઉ કૅન્સર હૉસ્પિટલ માટે પોતાની કથા થકી દોઢ કરોડનું ફંડ એકઠું કરી આપ્યું હતું. તેની પાસે મામૂલી રકમ પણ નહોતી!
ઘણા ફાઈવસ્ટાર બાબાઓ, બાપુઓ, સ્વામીઓ અને મહારાજો કરોડો અબજો રૂપિયામાં આળોટતા હોય છે તેમની બોચી ઝાલીને નિત્ય પ્રાત:કાળે આવા કિસ્સાઓનું પઠન કરવાની તેમને ફરજ પાડવી જોઈએ.
જાણો તેમની વિશે બીજી અજાણી વાતો…
ડોંગરેજી મહારાજ નું જીવન – Life Of Dongreji Maharaj
૧૯૪૮ની સાલ, વડોદરામાં લક્ષ્મણ મહારાજના જંબુબેટ મઠમાં એક કથાકારે જીવનની પહેલી કથા કરી. શ્રીકૃષ્ણ કથા પરનું તેમનું વક્તવ્ય શ્રોતાઓને ઝંકૃત કરી ગયું. કથાકારનું નામ રામચંદ્ર કેશવ ડોંગરે. માતાનું નામ કમલાતાઈ પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે.
અહલ્યાબાઈ હોલકરની પુણ્યનગરી ઈન્દૌરમાં ફાગણ સુદ ત્રીજ ને તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ મોસાળમાં જન્મેલા રામચંદ્ર કેશવ ડોંગરેના પિતા સ્વયં વેદશાસ્ત્રના પંડિત હતા.
પિતા જ પ્રથમ ગુરુ. વેદ-પુરાણ, ન્યાય, તર્ક, દર્શન ઈત્યાદિનો અભ્યાસ તેમણે વારાણસીમાં કર્યો. અમદાવાદના સંન્યાસ આશ્રમમાં અને પૂનામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વારાણસીમાં પવિત્ર ગંગાતટે શાસ્ત્રાભ્યાસ દરમિયાન જ મનમાં વૈરાગ્ય પેદા થયો. આમ છતાં માતાના આગ્રહથી શાલિનીબાઈ સાથે વિવાહ કર્યા. ૨૪ વર્ષના પ્રસન્ન દાંપત્ય બાદ પત્નીએ અલગ નિવાસ કર્યો.
વારાણસીમાં જ શ્રી નરસિંહ મહારાજે તેમને શ્રીમદ્ ભાગવતનું અમૃતપાન કરાવવાની દીક્ષા-પ્રેરણા આપી. એ કથાકાર ડોંગરેજી મહારાજના નામે આખા દેશમાં પ્રચલિત થયા. ભારતભરમાં તેમણે ૧૧૦૦ થી વધુ ભાગવત કથાઓ કરી, પરંતુ કથામાંથી પ્રાપ્ત થતું ધન એમણે કદી સ્વીકાર્યું નહીં. જે ભંડોળ આવ્યું તે ગૌશાળા, મહાવિદ્યાલય, હોસ્પિટલ, અન્નક્ષેત્ર, મંદિરોનો જીર્ણોદ્ધાર, અનાથાશ્રમ અને કુદરતી સંકટો વખતે આફતમાં સપડાયેલા લોકો માટે વપરાયું.
પૂજ્ય ડોંગરેજી મહારાજ અંતર્મુખી સંત હતા. કથા કરતી વખતે હંમેશાં આંખો નીચી જ રાખતા. સ્વયં સાદગીપૂર્ણ જીવન જીવ્યા. કથાઓ આનંદ કે મનોરંજન માટે નથી એમ કહી સૌને સાવધાન કરતા. તેમની કથામાં આત્મબળ, શાસ્ત્રજ્ઞાાન અને અનુભવનો રણકો રહેતો. તેઓ જે કહે તેનું પહેલાં આચરણ કરતા, પછી જ ઉપદેશ આપતા.
જિંદગીભર પોતે કોઇનાય ગુરુ થયા નહીં. સદા ઈશ્વરને જ ગુરુ કહેતા. તેમની કથાથી એકત્ર થયેલા ભંડોળમાંથી મંદિરનું નિર્માણ થાય તોપણ પોતાના હાથે મૂર્તિપ્રતિષ્ઠા થવા દેતા નહી. મૂર્તિપ્રતિષ્ઠા પછી નિત્ય દેવપૂજા ન થાય, ભગવાનને થાળ ન ધરાવાય, મંદિરમાં પૂજારીની વ્યવસ્થા ન થાય તો મૂર્તિપ્રતિષ્ઠા કરનારને પાપ લાગે તેમ તેઓ કહેતાં.
પૂજ્ય ડોંગરેજી મહારાજની જીવનશૈલી સરળ હતી. સદા જપ કરે, મૌન રહે, ખપપૂરતું જ બોલે. એમનાં કે એમની કથાનાં કોઈ વખાણ કરે તો તેમને ગમતું નહીં. તેઓ કહેતાં, સિદ્ધિ-પ્રસિદ્ધિ પતન છે.