સુરતઃ દેશની સુરક્ષા માટે દિવસ-રાત સરહદની રખેવાળી કરી પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહિદ જવાનોનાં પરિવારને આર્થિક પીઠબળ પુરૂ પાડવા માટે સેવાની જે ભેખ જાગી છે. પરવટ પાટિયા પાસે આવેલા હરિઓમ કોમ્પલેક્ષનાં યુવાનો અને દુકાનદારો દ્વારા શહિદ પરિવારોનાં લાભાર્થે આર્મી થીમ પર ગણેશોત્ત્સવનું આયોજન કરી એકતા સાથે દેશભક્તિના સંદેશારૂપે વિશિષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ગણેશ પંડાળમાં ગણેશ ઉત્સવનાં દસ દિવસ દરમિયાન જેટલું ફંડ એકઠું થશે, તે આઈ સપોર્ટ ફાઉન્ડેશનનાં સહયોગથી શહિદ જવાનોનાં પરિવારનાં લાભાર્થે ફાળવવામાં આવશે.
ગણેશ પ્રતિમાને જવાનનો યુનિર્ફોમ પહેરાવાયો
હરિઓમ યુવક મંડળનાં જણાવ્યા પ્રમાણે, ઉત્સવો એ આપણી એકતાનું પ્રતિક છે. અમે ગણેશોત્ત્સવ માટે કંઈક યુનિક થીમ વિચારતા હતાં ત્યારે ભારતીય સેનાનાં શહિદ જવાનોનાં પરિવારની આર્થિક સહાયતા માટેનો વિચાર આવ્યો આર્મી થીમ પર સેનાનાં જવાનનાં રૂપમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીની પ્રતિમા સેનાનાં જવાનની આબેહુબ લાગે એવો યુનિર્ફોમ પહેરાવાયો છે.
દર્શનાર્થી ફંડ બોક્ષમાં નાખી સેલ્ફી લઇ શકે છે
આ ઉપરાંત લોકોમાં જાગૃતિ આવે એ માટે દરરોજ રાત્રે હેલ્પિંગ ફંડ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. અંતિમ દિવસે મહાઆરતી અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગણેશોત્ત્સવમાં વધારે ભંડોળ એકત્ર કરવા માટે સેલ્ફી ફંડ ચલાવવામાં આવે છે, જેમાં સેલ્ફી લેવા માંગતા દર્શનાર્થીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે ફંડ બોક્ષમાં નાખી સેલ્ફી લઇ શકે છે.