અરવલ્લીઃ પોલીસે પકડેલો 7 લાખનો દારૂ ચોરી ગયા ચોર

ચોર કોઇ ઘર કે દુકાનમાં ચોરી કરે એ સમાન્ય બાબત છે. પરંતુ જો ચોરો દ્વારા પોલીસ સ્ટેશનમાં જ નિશાન બનાવવામાં આવે તો ચર્ચાનો વિષય બની જાય છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ લાઇનમાં બની છે. પોલીસે પકડેલા દારૂના ટ્રકમાંથી દારૂની બોટલોનો હાથફેરો કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો દોડી આવ્યો હતો. અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો હતો. પોલીસે ઝડપેલા દારૂના જથ્થામાંતી આશરે 7.75 લાખની કિંમતની 131 પેટી વિદેશી દારૂની ચોરી થવાની ઘટના બની છે. શનિવારે રાત્રે બનેલી ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં ચોરી થયાની ઘટનાએ પોલીસની કામગીરી ઉપર પણ શંકા ઊભી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી છાસવારે વિદેશી દારૂ પકડાય છે. અરવલ્લી જિલ્લાની શામળાજી શરહદ ઉપર રાજસ્થાનથી જોડાયેલી હોવાથી અહીં બોર્ડર પરથી પસાર થતી દારૂ ભરેલી ટ્રકો છાસવારે ઝડપાય છે. વાર્ષીક કરોડો રૂપિયાનો દારૂ સાથેનો મુદ્દા પોલીસ જપ્ત કરે છે. પરંતુ પોલીસના નાક નીચેથી જ એક બે બોટલ નહીં પરુંત લાખો રૂપિયાના દારૂની ચોરી થાય એ પોલીસ માટે શરમજનક બાબત ગણી શકાય.