અમદાવાદઃ અગરબત્તી વેચનારની દીકરીને CA ફાઈનલમાં મળ્યો 19મો રેન્ક

CA ફાઈનલના પરિણામ જાહેર થયાં ત્યારે અશ્વિનભાઈ તંબોલી અને તેમના પત્નીની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. તેમની દીકરીને ઓલ ઈન્ડિય રેન્કમાં 19મું સ્થાન મળ્યું હોવાનું જાણતાની સાથે જ તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યાં હતાં. ત્રણ સભ્યોના પરિવારનું ગુજરાન અશ્વિનભાઈ ઘરે-ઘરે જઈને અગરબત્તીઓ વેચીને કરે છે.

અમારા સહયોગી અખબાર મિરર સાથેની વાતચીત દરમિયાન ખુશ્બુએ કહ્યું કે, “મારી પરીક્ષા સારી રહી હતી અને સારો સ્કોર કરીશ તેવી આશા હતી, પણ ક્યારેય એવી અપેક્ષા નહોતી કે હું ટૉપ 20માં સ્થાન મેળવી શકીશ. પહેલા પ્રયત્ને સફળતા મેળવ્યા બાદ હવે હું વધુ મહેનત કરીને અનુભવ મેળવવા માગું છું. મારા અભ્યાસ માટે માતા-પિતા, ખાસ કરીને મારા પિતાએ ઘણુંબધું કુરબાન કર્યું છે. અમને ત્રણ ટકનું ભોજન મેળવી શકીએ તે માટે મારા પિતા દરરોજના 12 કલાક કામ કરતા હતા, પૈસાની ખપતને કારણે મારો અભ્યાસ અટકી ન જાય તેની પણ તેમણે ખાતરી કરી.”

ખુશ્બુએ જ્યારે IPCC સ્ટેજ ક્લિયર કર્યું ત્યારે તંબોલી પરિવારે પોતાનું પહેલું વાહન (ટૂ-વ્હીલર) ખરીદ્યું હતું અને એ પણ ખુશ્બુના અભ્યાસમાં આસાની રહે તે હેતુસર. શહેરભરમાં અગરબત્તી વેચવા માટે અશ્વિનભાઈ સીટી બસમાં ટ્રાવેલ કરતા હતા. ફીમાં રાહત આપી કૉચિંગ ક્લાસે પણ ખુશ્બુની મદદ કરી હતી. ખુશ્બુએ કહ્યું કે, “80,000 ફીને બદલે અમે ફી પેટે 18000 રૂપિયા ઈન્સ્ટોલમેન્ટમાં ચૂકવ્યા હતા.”

CA ફાઈનલમાં ખુશ્બુને 800માંથી 547 માર્ક મળ્યા હતા, ખુશ્બુએ કહ્યું કે, “મને CA બનાવવાનું સપનું મારા માતા-પિતાનું હતું. તેમણે ઘણા ખર્ચાઓ ઘટાળ્યા. શહેરની બહાર અમે એકસાથે ક્યારેય નથી ફર્યાં અને તાતી જરૂરિયાત હોવા છતાં અમારા ઘરને રિનોવેટ નથી કર્યું. હવે હું મારા માતા-પિતાને સપોર્ટ કરવા માગું છું.”

અશ્વિનભાઈએ કહ્યું કે, “હું માત્ર મારી દીકરીને જિંદગીમાં સફળ થતી જોવા માગતો હતો. ખુશ્બુની ફી ભરવા માટે મિત્રો પાસેતી મારે પૈસા ઉધાર લેવા પડ્યા હતા. મેં દેવુ ચૂકવી દીધું છે અને મારી દીકરીએ પણ સારો રેન્ક મેળવીને ન્યાય આપ્યો છે. મેં કંઈજ ખાસ નથી કર્યું. ખુશ્બુના અભ્યાસમાં તેને મદદ કરવાની મારી જવાબદારી હતી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here