અમદાવાદના રાણિપમાં રહેતા 70 વર્ષના કાંતિભાઇનો રોજનો એક નિત્યક્રમ છે. સવારે છોડને પાણી પીવડાવવા નીકળે ત્યારે રસ્તામાં મળતાં ઇંટ કે તેના ટૂકડા લઇને પોતાની સાયકલ પર મૂકી દે છે. આ સિવાય આસપાસમાં જ્યાંથી પણ ઇંટના ટૂકડા મળે તેને પોતાની સાયકલ પર ગોઠવી દે છે. આ ટૂકડાઓ દ્વારા તેમણે વાવેલા છોડના રક્ષણ માટે સંરક્ષણ માટેની દિવાલ બનાવે છે. કાંતિભાઇ પોતાની સાથે દાતરડું પણ રાખે છે. આ દાતરડાં દ્વારા છોડની આસપાસ કાંટાળી વાડ બનાવે છે. આ રીતે છોડ વાવતા જાય છે. તેનું જતન કરતા જાય છે.
ટીપે-ટીપે સરોવર ભરાય એ ઉક્તિને તેમણે સાર્થક કરી છે. કાંતિભાઇએ અત્યાર સુંધીમાં પોતાના એક લાખ રૂપિયા આ વૃક્ષો ઉછેરવા માટે ખર્ચી નાંખ્યા છે અને 2000 જેટલા વૃક્ષો ઉછેરી મોટા કર્યા છે.
મૂળ ગાંધીનગર જિલ્લાના ચાણસ્મા તાલુકાના ચડાસણા ગામના વતની અને વર્ષોથી અમદાવાદના રાણીપમાં સ્થાયી થયેલા કાંતિભાઇ શીવરામદાસ પટેલ મૂળ તો ખેડૂતપૂત્ર છે. તેઓ વૃક્ષોને એટલો અનહદ પ્રેમ કરે છે. તેમની ખેવના છે કે, તેઓ જ્યાં સુંધી જીવે ત્યાં સુંધી વૃક્ષો વાવીને તેની માવજત કરતા રહે.
કાંતિભાઇની આ પ્રવૃત્તિ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં રાણીપ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમનું શાલ ઓઢાડી જાહેર સન્માન કરી ચૂક્યા છે.
કાંતિભાઇ રોજ સવારે ઉઠીને સાયકલ લઇને તેમણે વાવેલા વુક્ષોને પાણી પાવા માટે જાય છે. તેમની સાયકલ પાછળ પાણીના કેરબા મૂકીને નીકળી પડે છે. તેઓ રાણીપથી માંડીને ત્યાંથી ૭- ૮ કિ.મી. દૂર નારણપુરા સુધી તેમણે વાવેલા વૃક્ષોને પાણી પીવડાવે છે. તેમની આ રોજની સવારની પ્રવૃત્તિ છે. તેમના દિકરાઓની પોતાની હાર્ડવેરની દૂકાનો છે ત્યાં પણ તેઓ બેસી શકે છે પરંતું વૃક્ષ પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને તેમ કરવા દેતો નથી. જો કે સગવડ- અગવડે તેમના દીકરાઓની હાર્ડવેરની દૂકાને પણ બેસી તેઓની પણ મદદ કરે છે.
કાંતિભાઇ પટેલ વૃક્ષોને પાણી પાવાની સાથે સાથે છોડવાની આસપાસ ખામણું કરવા માટે કોદાળી, તિકમ, છોડ આસપાસનું ઘાસ દૂર કરવા માટેની ખૂરપી, છોડના રક્ષણ માટે ખામણાની આસપાસ ઇંટોની દિવાલ કરવા માટે સીમેન્ટ, લેલું, છોડમાં ઉધઇ ન આવે તે માટેની દવા.. આમ તમામ પ્રકારનો શસ્ત્ર-સરંજામ લઇને કાંતિભાઇ નિકળે છે.
કાંતિભાઇએ નવા રાણીપ, નારણપુરાના પલિયડનગર, સોલા રોડ, મોહનનગર તથા આ વિસ્તારમાં બનતી નવી સોસાયટીની આસપાસ આ વૃક્ષો વાવ્યા છે. સોલા રોડ કે નારણપુરાના પલિયડનગરના રસ્તા પરથી નિકળો તો લહેરાતા લીમડો, કણઝી, સપ્તપર્ણી, ગુલમહોર, બોરસલ્લી અને ફન્ટુફાર્મના જે છોડ કે ઝાડ જોવા મળે છે તે કાંતિભાઇના પરિશ્રમનું પરિણામ છે.
કાંતિભાઇ આ વૃક્ષો તેઓ નર્સરીમાંથી રૂા. ૧૦૦ થી રૂા.૩૦૦ ના પ્રતિ છોડના ભાવે લાવી જાતે જ ખામણું કરે છે અને જાતે જ રોપે છે. તેઓને આ વૃક્ષપ્રેમની પ્રેરણા ક્યાંથી મળી તેવું પુછતા તેમણે જણાવ્યું કે, “નવ વર્ષ પહેલા હું એક ધાર્મિક પુસ્તક વાંચી રહ્યો હતો. આ પુસ્તકમાં લખ્યું હતું કે, એકવાર એક વૃધ્ધ આંબાનો છોડ વાવી રહ્યાં હતા. તેઓને જોઇને એક નવયુવાને વૃધ્ધને પૂછ્યું કે, તમે આ આંબાની કેરી ક્યારે ખાવાના છો તે તમે આંબાનો છોડ વાવો છો.? તો વૃધ્ધે જવાબ આપ્યો કે, કોઇકે તો આંબો વાવ્યો હશે કે આપણે આજે કેરી ખાઇ રહ્યા છીએ. આજે હું આંબો વાવીશ તો આવનારી પેઢીને તો તેના ફળ ખાવા મળશે.”
આ વાર્તા વાંચીને મને થયું કે, કુદરતે આટલી સરસ હરિયાળી પૃથ્વી બનાવી અને આપણે તેને કાપીને ધરતીના શણગારને ઓછો કરી રહ્યાં છીએ. કોઇ કે તો શરૂઆત કરવી પડશે તેવા વિચાર સાથે મેં આ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. અને તેને પોતાનું શરીર ચાલે ત્યાં સુધી ચલાવતો રહીશ”
વૃક્ષપ્રેમી કાંતિભાઇએ રાણીપમાં સીનીયર સિટિઝનનું ૧૫૦ લોકોનું ગૃપ બનાવ્યું છે. તેઓ પણ વૃક્ષારોપણના કાર્યક્રમ કરે છે. આ ઉપરાંત આ ગૃપ રાણીપમાં વધુ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, પ્લાસ્ટિકમુક્ત ગુજરાત જેવા વિષયોને લઇને જનજાગૃતિ માટે રેલી પણ યોજી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સોસાયટીઓમાં તુલસીના છોડનું પણ મફત વિતરણ કરે છે