જાકાર્તા- 18મી એશિયમ ગેમ્સ કોમ્પિટિશનના ત્રીજા દિવસે ભારતને નિશાનબાજીમાં બે મેડલ મળ્યા છે. સૌરભ ચૌધરી અને અભિષેક વર્માએ 10 મીટર પિસ્ટલ ઈવેન્ટમાં ભારત માટે બે મેડલ જીત્યા છે. સૌરભે ગોલ્ડ અને અભિષેકે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
મંગળવારના રોજ રમાયેલી આ ઈવેન્ટમાં સૌરભે 240.7 સ્કોર કરીને એશિયન ગેમ્સમાં નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. અભિષેક વર્માએ 219.3 સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યો છે. સૌરભે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં 586 સ્કોર કર્યો, અભિષેક ક્વૉલિફિકેશન રાઉન્ડમાં છઠ્ઠા સ્થાન પર રહ્યો હતો.
India’s shooters Saurabh Chaudhary and Abhishek Verma (left to right), after winning gold & bronze medal respectively in 10m air pistol at #AsianGames2018 pic.twitter.com/Y1Cxn1mgWg
— ANI (@ANI) August 21, 2018
આ એશિયમ ગેમ્સમાં ભારતનો નિશાનબાજીમાં પાંચમો મેડલ છે. આ પહેલા અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે 10 મીટર એર રાઈફલની મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દીપક કુમારે પુરુષોની 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સોમવારના રોજ 18 વર્ષીય લક્ષ્યએ પુરુષોની ટ્રેપ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ સાથે જ ભારતના કુલ મેડલ્સની સંખ્યા સાત થઈ ગઈ છે. આમાં 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે. ભારત માટે કુશ્તીમાં બજરંગ પૂનિયાએ 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલમાં અને મહિલાઓમાં વિનેશ ફોગાટે 50 કિલોગ્રામ વેઈટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.