રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 123 મી જન્મજયંતિ

શૌર્યસભર રચનાઓથી સાહિત્યકાર અને પત્રકાર તરીકે પ્રખ્યાત ચોટીલાના વતની એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 123મી જન્મજયંતિ છે. ઝાલાવાડના પનોતા પુત્ર એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં 28 ઓગષ્ટ 1896 માં અઘોરવાસના પોલીસ ક્વાર્ટરમાં થયો હતો. ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ દેવચંદભાઈ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે કાર્યરત હતા. ઝવેરચંદની માતાનું નામ ધોળીબાઈ મેઘાણી હતું. ઝવેરચંદ મેઘાણીએ વર્ષ 1913માં કોલેજ શિક્ષણનો ભાવનગર શામળદાસ કોલેજમાં પ્રારંભ કર્યો અને વર્ષ 1917માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. ની ડિગ્રી મેળવી હતી તેમજ જૂનાગઢ ની બહાઉદીન કોલેજમાં પણ અભ્યાસ કર્યો હતો. શરૂઆતથી જ તેમનામાં સ્વદેશી ચળવળના બીજ રોપાયા હતા. મહાત્મા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના ગૌરવભર્યા બિરુદથી નવાજ્યા હતા. ઝવેરચંદ મેઘાણી શાયરની સાથે લોકસાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વતંત્રતા સેનાની સાથે સાથે પત્રકાર પણ હતા.

ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યો, નવલકથાઓ, લોક કથાઓ, શૌર્ય ગીતો તેમના અવસાનના 70 વર્ષ બાદ આજે પણ સાહિત્યકારોના કંઠે ગુંજી રહ્યા છે. તેમના રચિત અમર કાવ્યો જેવા કે કસુંબીનો રંગ, શિવાજી નું હાલરડું અને કોઈનો લાડકવાયો આજે પણ લોકોના હૈયા વસે છે અને યુવાનોને પણ પસંદ છે. તેમજ માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ-વિદેશથી લોકો ચોટીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની મુલાકાત લે છે.

ઝંવેરચંદ મેઘણીએ પંચોતેર જેટલાં રસાન્વિત ગ્રંથો પોતાની છવ્વીસ વર્ષની સાહિત્યકીય કારકિર્દીમાં આપનાર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ઘણી લોકપ્રિયતા સંપાદિત કરી હતી. મેઘાણીએ લોકસાહિત્યનો પુનરુદ્વાર કર્યો અને રાસ, લોકગીતો, લગ્નગીતો, સંતકથા, ઈતિહાસ બાલકથા, વ્રતકથા, ભજન, ઈત્યાદિ લોકસાહિત્યના સર્વ પ્રકારોનું સંશોદન ને વિવેચન કર્યું. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, ચુંદડી, કંકાવટી, રઢિયાળી રાત, ઋતુગીતો, સોરઠી ગીત કથાઓ, દાદાજીની વાતો, સોરઠી સંતો, પુરાતન જ્યોત, સોરઠી સંતવાણી વગેરે તેમનાં લોકસાહિત્ય સંપાદનો છે. યુગવંદના, કિલ્લોલ, વેણીનાં ફૂલ, એક તારો અને રવીન્દ્ર વીણા એ એમનાં કાવ્યસંગ્રહો છે. જીવનમાં સામાન્ય લાગતા સ્ત્રી પુરુષોમાં કેટલી ઉચ્ચ માનવતા પ્રગટે છે તે વેવિશાળ અને તુલસી કયારોમાં સફળતાથી દર્શાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here